(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માટેની અપીલ ફાઈલ કરવા માટે છેલ્લી તારીખ 30 જૂન, 2026 જાહેર કરવામાં આવી છે, પરંતુ જીએસટી ટ્રીબ્યુનલના ઠેકાણા નથી, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. આને કારણે ગુજરાતના લાખો વેપારીઓ સહિત સમગ્ર દેશના વેપારીઓને હેરાન-પરેશાન કરવાનો વારો આવ્યો છે.
પહેલી જુલાઈ 2017ના રોજ જીએસટીનો કાયદો અમલમાં આવ્યા પછી પહેલી જુલાઈ 2026 ના રોજ 9 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તેમ છતાં જીએસટી ટ્રીબ્યુનલ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ નથી. માત્ર કસ્ટમ એક્સાઇઝ ઇન્કમટેક્સના નિવૃત્ત અધિકારીઓ અને દેશની જુદી જુદી હાઇકોર્ટના નિવૃત્ત જજની જ્યુડિશિયલ મેમ્બર અને ટેકનિકલ મેમ્બર તરીકેની નિમણૂક કરી દેવાય છે, પરંતુ એક પણ રાજ્યમાં ટ્રિબ્યુનલને બેસવા માટેની કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી. માત્ર ઓનલાઈન કામગીરી કરવામાં આવી રહી છે. હાલ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટરના પોર્ટલમાં કરદાતાઓ તેમની અપીલ ફાઇલ કરી રહ્યા છે અને આ પોર્ટલ દ્વારા દેશના જુદા જુદા રાજ્યોમાં જીએસટી પોર્ટલમાં અપીલ ઓનલાઇન મોકલવામાં આવી રહી છે.
છેલ્લા આઠ વર્ષમાં સાડા ચારલાખથી વધારે અપીલ પેન્ડિંગ છે અને જીએસટી પોર્ટલમાં 17,000 આપીલ જ ઓનલાઈન ટ્રાન્સફર થઈ છે, તેની પાછળનું કારણ એવું છે કે અપીલ ફાઇલ કરવા માટેના દસ્તાવેજો 500 થી 700 પાનાના હોય છે, જે ઓનલાઇન ટ્રાન્સફર કરવા ખૂબ જ મુશ્કેલ છે. દેશના જુદા જુદા રાજ્યોમાં કુલ 45 ટ્રિબ્યુનલ બેચ બનાવવામાં આવી છે, જેમાં 24 રેગ્યુલર બેચ, 8 સેટીંગ બેચ અને 13 સર્કિટ બેચ એટલે કે દેશભરમાં ફરી શકે તેવી બેચ બનાવવામાં આવી છે અને તેમાં ટેકનિકલ મેમ્બર અને જ્યુડિશિયલ મેમ્બરોની નિમણૂકો પણ થઈ ગઈ છે, હવે આટલી મોટી સંખ્યામાં અપીલના કેસ કેવી રીતે ચલાવવા તે મોટો પ્રશ્ન છે. કરદાતાઓનું કહેવું છે એક બાજુ જીએસટી અપીલમાં હારી ગયેલા કરદાતાઓ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડી રહ્યા છે, આવા સમયે કરદાતાઓને ન્યાય મેળવવામાં પણ બીજા કેટલાક વર્ષો નીકળી જાય એમ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને કસ્ટમ એક્સાઇઝમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ અધિકારી અને ટેક્સ એક્સપર્ટ મોહનીશ ભલ્લાએ જણાવ્યું કે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ રીતે કાર્યરત થાય નહીં ત્યાં સુધી કરદાતાઓને હેરાન થવું પડશે. આટલા વર્ષો ટ્રીબ્યુનલમાં લડવું મુશ્કેલ ભર્યું લાગી રહ્યું છે એટલું જ નહીં અપીલમાં જતા પહેલા 10% રકમ ત્યાર પછી ટ્રિબ્યુનલમાં જવા 10% રકમ ભરવાની હોય છે. આવા સમયે ૨૦ ટકા રકમ ભરપાઈ કરે ત્યાર પછી પણ ન્યાય મળે નહીં અને આ સાથે આવા સંજોગોમાં સેટલમેન્ટની યોજના પણ બનાવવામાં આવી નથી.
ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં જીએસટી ટ્રિબ્યુનલ ની બેંચ શરૂ કરવામાં આવી છે, પરંતુ માળખાકીય સુવિધાઓ નહીં હોવાને કારણે અન્ય કચેરીઓમાં સ્ટાફ બેસીને ઓનલાઈન અપીલ માત્ર જોઈ શકે છે. આવા સમયે અપીલનો નિકાલ ઝડપથી કેવી રીતે થઈ શકે તે પણ એક મોટો પ્રશ્ન છે.