Tue Aug 25 2026

Logo

ભુજ તાલુકાના ધાણેટી ખાતે ટ્રાફિક સમસ્યાનો આવશે અંત, ૩૫.૬૫ કરોડના ખર્ચે બે અંડરપાસ મંજૂર

2026-07-29 14:29:45
Author: Mumbai Samachar Team
ભુજ તાલુકાના ધાણેટી ખાતે ટ્રાફિક સમસ્યાનો આવશે અંત, ૩૫.૬૫ કરોડના ખર્ચે બે અંડરપાસ મંજૂર

ભુજ: ભુજ તાલુકાના ઔદ્યોગિક રીતે વિકસતા ધાણેટી ગામના સર્વાંગી વિકાસ અને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૩૫.૬૫ કરોડના ખર્ચે બે અંડરપાસના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. સ્થાનિક ઉદ્યોગો, ચાઇનાક્લે અને ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ધાણેટી ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા કરાયેલી રજૂઆતો રંગ લાવી છે.

અંજારના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન ત્રિકમભાઈ છાંગાના સક્રિય પ્રયાસોથી મંજૂર થયેલા આ પ્રકલ્પ અંતર્ગત ધાણેટીના રામકૃષ્ણ નગર ખાતે રૂપિયા ૧૭.૫૦ કરોડના ખર્ચે વ્હીકલ અંડરપાસ તેમજ ભુજ-ભચાઉ હાઇસ્પીડ કોરિડોર પર ધાણેટી બસ સ્ટેશન પાસે રૂપિયા ૧૮.૧૫ કરોડના ખર્ચે લાઇટ વ્હીકલ અંડરપાસ અને બંને બાજુ સ્લિપ રોડનું નિર્માણ કરવામાં આવશે.

આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આનંદનો માહોલ છવાયો

ધોરીમાર્ગ પર સતત વધતા વાહનવ્યવહાર વચ્ચે ગ્રામજનો, ખેડૂતો, પશુપાલકો અને શાળાના બાળકોની સુરક્ષા માટે આ અંડરપાસ અત્યંત જરૂરી હતા. બજેટ મંજૂર થતાં જ ધાણેટી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આનંદનો માહોલ છવાયો છે. સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકારી જણાવ્યુ હતું કે, અંડરપાસ બનવાથી અકસ્માતો અટકશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. ધાણેટી ગ્રામ પંચાયત અને ગામના તમામ સમાજના આગેવાનોએ રાજ્ય સરકાર અને રાજ્યમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

(ઉત્સવ વૈદ્ય)