Sun May 03 2026

Logo

કચ્છમાં હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં ફરી કોલસાનો જમાનો, સગડીઓની ખરીદીમાં ભારે ઉછાળો

2026-03-27 15:43:33
Author: MayurKumar Patel
Article Image

ભુજઃ ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો હવે કચ્છના સ્થાનિક વેપારીઓના રસોડા સુધી પહોંચી છે. સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની ભારે અછત સર્જાતા નાના-મોટા ખાદ્ય વ્યવસાયીઓની હાલત કફોડી બની છે. ગેસના અભાવે ધંધો બંધ ન કરવો પડે તે માટે હવે વેપારીઓએ જૂની પરંપરાગત પદ્ધતિ એટલે કે 'કોલસાની સગડી'નો આશરો લેવાનું શરૂ કર્યું છે.

વૈશ્વિક સ્તરે ઉભી થયેલી અશાંતિને કારણે ગેસ પુરવઠા પર માઠી અસર પડી છે. ભુજ સહિત સમગ્ર કચ્છમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર સમયસર ન મળતા હોવાથી હોટલ, રેસ્ટોરન્ટ અને ચાની કિટલી ચલાવતા મધ્યમ વર્ગીય વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પુરવઠો ન હોવાને કારણે અનેક વેપારીઓને પોતાના એકમોને તાળા મારી દેવાની નોબત આવી છે. ગેસ સિલિન્ડરના કોઈ ચોક્કસ વિકલ્પ તરીકે વેપારીઓ હવે લોખંડની અને કોલસાની સગડીઓ તરફ વળ્યા છે. જિલ્લા મથક ભુજમાં વેલ્ડિંગ અને લોખંડને લગતું કામ કરતા કારીગરો ભારે વ્યસ્ત બન્યા છે. 

હોટલ માલિકો અને કેટરર્સ પોતાની જરૂરિયાત મુજબની નાની-મોટી સગડીઓ બનાવડાવવા માટે પડાપડી કરી રહ્યા છે. કારીગરો પાસે ઓર્ડરનો એટલો ભરાવો થયો છે કે નવી સગડી તૈયાર કરાવવા માટે વેપારીઓએ લાંબો સમય રાહ જોવી પડી રહી છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે, રાંધણ ગેસ વગર વ્યવસાય ચલાવવો અત્યંત કપરો છે. કોલસાની સગડી પર રસોઈ બનાવવી એ ગેસની સરખામણીએ ધીમી પ્રક્રિયા છે અને તેમાં મહેનત પણ વધુ લાગે છે, છતાં વ્યવસાયને ધબકતો રાખવા માટે કોલસાનો ધુમાડો સહન કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ હાલ રહ્યો નથી. ગેસની આ અછતને કારણે મજૂરો અને કારીગરોની રોજીરોટી પર પણ સીધી અસર જોવા મળી રહી છે.

જો એલપીજી ગેસનો પુરવઠો વહેલી તકે રાબેતા મુજબ નહીં થાય, તો આગામી દિવસોમાં ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આર્થિક સ્થિતિ વધુ કથળશે તેવી કચ્છના વેપારી આલમમાં અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે.

(ઉત્સવ વૈદ્ય)