Sat Aug 29 2026

Logo

કચ્છના સિરક્રિકમાંથી બીએસએફે બિનવારસી પાકિસ્તાની  બોટ ઝડપી

2026-07-20 17:19:25
Author: Chandrakant Kanoja
કચ્છના સિરક્રિકમાંથી બીએસએફે બિનવારસી પાકિસ્તાની  બોટ ઝડપી

(ઉત્સવ વૈધ )

લખપત: કચ્છ સરહદે લખપત નજીકના દુર્ગમ સિરક્રીક વિસ્તારમાંથી વધુ એક બિનવારસી  પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ સરહદી સલામતી દળના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન સિરક્રીક ખાતેથી આ પાકિસ્તાની માછીમારી બોટને જપ્ત કરી હતી.

બોટમાંથી માછલી પકડવાની જાળ અને અન્ય સામગ્રી મળી 

જ્યારે પ્રાથમિક તપાસમાં આ બોટમાંથી માછલી પકડવાની જાળ અને અન્ય સામગ્રી સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર, વહેલી સવારે જ્યારે બીએસએફના જવાનો પેટ્રોલિંગ પર હતા, ત્યારે આ બોટ નજરે પડી હતી. સુરક્ષા દળોને જોઈને બોટમાં સવાર ઘૂસણખોરો બોટ કિનારે જ છોડીને નાસી છૂટ્યા હોવાનું અનુમાન છે.

સલામતી દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી

આ ઘૂસણખોરો ભારતીય સરહદની અંદર જ ક્યાંક છુપાયા હોવાની પ્રબળ આશંકાને પગલે સલામતી દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દેશના મહત્વના સ્થળો પર આતંકવાદી હુમલા થઈ શકે તેવા ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સ વચ્ચે કચ્છ સરહદેથી સતત બિનવારસી પાકિસ્તાની બોટ મળવાની ઘટનાને સુરક્ષા નિષ્ણાતો અત્યંત ગંભીર ગણાવી રહ્યા છે. 

ઝીણવટભરી તપાસ શરૂ

હાલમાં આ બોટ ભારતીય જળસીમામાં કેવી રીતે પ્રવેશી અને તેમાં કેટલા લોકો સવાર હતા તે દિશામાં સુરક્ષા દળોએ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.  

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની જમીની અને જળસીમાને અડકીને આવેલા કચ્છના અત્યંત સંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાંથી ભૂતકાળમાં પણ સંખ્યાબંધ બિનવારસી બોટ અને ઘૂસણખોરો ઝડપાઈ ચૂક્યા છે.