ભુજઃ રણપ્રદેશ કચ્છના પશુપાલન માટે જાણીતા બન્ની પંથકમાં કાળઝાળ ગરમીની સાથે ઘાસચારાની ભારે તંગી સર્જાઈ છે. બન્નીના ૪૯ ગામોના પશુધન માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે. એક તરફ પશુઓ ભૂખથી ટળવળી રહ્યા છે, તો બીજી તરફ વનતંત્રના ગોડાઉનોમાં લાખો કિલો ઘાસનો જથ્થો સંગ્રહાયેલો હોવા છતાં તેનું વિતરણ ન કરાતા માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બન્ની પ્રદેશના ગ્રાસલેન્ડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વનતંત્ર દ્વારા ઘાસ ઉછેરવામાં આવે છે અને અછતના સમયે પશુપાલકોને વિતરણ કરવા માટે ગોડાઉનોમાં સંગ્રહ કરાય છે. માલધારીઓના જણાવ્યા મુજબ, હાલ પશુઓને ચારાની સખત જરૂર છે અને જો અત્યારે વિતરણ કરવામાં નહીં આવે, તો આગામી ચોમાસામાં આ ઘાસ સડી જવાની ભીતિ છે. માલધારીઓ જ્યારે ગોડાઉન પર પૂછપરછ કરવા જાય છે, ત્યારે તંત્ર પાસે જથ્થા કે વિતરણ અંગે કોઈ સ્પષ્ટ જાણકારી ન હોવાનો જવાબ આપવામાં આવે છે. સ્થાનિક સ્તરે ઘાસ ઉપલબ્ધ હોવા છતાં માલધારીઓને બહારથી મોંઘા ભાવે ઘાસ મગાવવાની નોબત આવી છે.
કચ્છની આગવી ઓળખ સમાન ઊંટો પણ હવે ચારા અને પાણીની અછતમાંથી બાકાત રહ્યા નથી. વન-વગડામાં વૃક્ષો સુકાઈ જતાં અને પવનચક્કીઓ કે વીજપોલની કામગીરીમાં ઝાડીઓ કપાતા ઊંટો માટે કુદરતી ચારો ઘટ્યો છે. વૃક્ષો કપાતા હવે ઊંટો વન-વગડા છોડીને ગ્રામીણ માર્ગો પર ભટકતા જોવા મળે છે. કુકમાથી કોટડા ચકાર જતા માર્ગ પર ઊંટોના ઝૂંડ આ વિકટ સ્થિતિની સાક્ષી પૂરે છે.
પશુપાલકોના જણાવ્યા અનુસાર, મોટા પશુઓને બચાવવા માટે મોટા વૃક્ષો કાપીને ખવડાવવા મજબૂર બન્યા છે. ગાયો માટે સહાય મળે છે, પરંતુ ભેંસ અને ઊંટ જેવા પશુઓ માટે પશુપાલકોએ જાતે જ મોંઘી વ્યવસ્થા કરવી પડે છે. ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળતા સીમમાં આવેલા કુદરતી વૃક્ષો કાપી રહ્યા છે, જેની સીધી અસર પશુધનના ચરિયાણ પર પડી રહી છે.
માલધારીઓએ જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર સમક્ષ તાકીદે ઘાસ વિતરણ શરૂ કરવાની અને પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો કચ્છનું પશુધન વધુ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે તેમ માલધારીઓ જણાવી રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)