Sat May 02 2026

Logo

કચ્છમાં ત્રણ અલગ-અલગ અકસ્માતની ઘટનામાં માસૂમ બાળક સહિત ત્રણના મોત...

2026-03-21 14:47:48
Author: Vimal Prajapati
Article Image

ભુજ: કચ્છ જિલ્લામાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની ત્રણ અલગ-અલગ કરુણ ઘટનાઓ સામે આવી છે. ભચાઉના ચીરઈ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું, માંડવીના લુડવા પાસે ટ્રેક્ટર પલટતાં એક આધેડનું અને મુંદ્રાના છસરામાં હોજમાં ડૂબી જવાથી 11 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઈવે પર નવી મોટી ચીરઈ પાસે આવેલી એક ખાનગી કંપની સામેના બ્રિજ પર ગત તારીખ 19 માર્ચની વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહન ચાલકે માર્ગ પર પગપાળા જઈ રહેલા આશરે 40 વર્ષીય અજાણ્યા યુવકને ટક્કર મારી હતી. ભિક્ષુક જેવી હાલત ધરાવતા આ યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર મળે તે પહેલાં જ કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે અરવિંદસિંહ પરબતસિંહ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અપમૃત્યુની બીજી ઘટના માંડવી તાલુકામાં બની હતી, જ્યાં લુડવાથી ભરૈયા વચ્ચેના ધોરીમાર્ગ પર ટ્રેક્ટર પલટી ગયું હતું. પોલીસ તપાસ મુજબ, ચાલક રાણા પ્રતાપસિંગ સ્વામીનાથસિંગે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ટ્રેક્ટર પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર રમેશભાઈ નામના આધેડને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 મારફતે ગઢશીશા હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગઢશીશા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ત્રીજી ઘટનાની વાત કરવામાં આવે તો, મુંદ્રા તાલુકાના છસરા ગામની વાડીમાં આવેલા પાણીના હોજમાં રમતા-રમતા ડૂબી જતાં 11 વર્ષીય કેવીન લાલજીભાઈ બલદાણિયાનું મોત થતાં પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાગપર પોલીસે આ મામલે અકસ્માતે મોતના ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)