Mon Jun 01 2026

Logo

આંધ્રપ્રદેશણાં બની કાળજું કંપાવતી ઘટના, સગીરાને બચાવવા જતાં 5 લોકોનું ડૂબી જવાથી મોત

2026-06-01 09:14:00
Author: Vimal Prajapati
Article Image

કુર્નૂલ: આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં તુંગભદ્રા નદીમાં એક સગીર બાળકીને બચાવવાના ચક્કરમાં 5 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. આ બહાદુરીના પ્રયાસમાં સગીરાનો જીવ તો બચી ગયો છે, પરંતુ તેને બચાવવા ગયેલા તમામ પાંચેય લોકોના નદીના તેજ પ્રવાહમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

શું છે આ સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, આ અકસ્માત શનિવારે સાંજે અંદાજે 4:30 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. એક સગીર બાળકી તુંગભદ્રા નદીના કિનારે પગ ધોઈ રહી હતી. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે ઊંડા પાણીમાં તણાવવા લાગી હતી. બાળકીને ડૂબતી જોઈને કિનારે હાજર પાંચ લોકો તેને બચાવવા માટે તાત્કાલિક નદીના પાણીમાં કૂદી પડ્યા હતા. 

સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે અને નદીની ઊંડાઈનો અંદાજ ન આવતા આ પાંચેય લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, સ્થાનિકો અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી બાળકીને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી અને તેનો જીવ બચી ગયો છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને SDRF ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. નદીના તેજ પ્રવાહમાં લાપતા થયેલા લોકોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નદીમાંથી તમામ મૃતકોના શવ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા લોકો આસપાસના ગામના અને સગા-સંબંધીઓ હતા, જેઓ એક પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા.