Tue Aug 18 2026

Logo

ભારતીય ખો-ખો ટીમના યશસ્વી ખેલાડીઓનું સન્માન, 19 ખેલાડીની નવી બેચને આવકાર

2026-08-01 21:29:26
Author: Mumbai Samachar Team
Article Image

પુરીઃ  ખો-ખો સિલેક્શન ટ્રાયલ્સ 2026 બાદ યોજાયેલા ઇન્ડક્શન સમારંભ દરમિયાન જુનિયર અને સીનિયર કેટેગરીના કુલ 31 ખેલાડીઓએ સેન્ટરમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું, જ્યારે 10 છોકરાઓ અને 9 છોકરીઓ સહિત કુલ 19 નવા ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  

ઓડિશા એએમ/એનએસ કેએચપીસીના ખેલાડીઓએ ખો-ખો વર્લ્ડ કપ 2025, નેશનલ ગેમ્સ 2025, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2025, જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2024-2026, સિનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2025-2026 તથા સબ-જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2025-2026 જેવી વિવિધ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

સેન્ટરની કામગીરીના બે વર્ષના સમયગાળામાં અહીંના ખેલાડીઓએ 30થી વધુ રાષ્ટ્રીય, પ્રાદેશિક અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને વિવિધ કેટેગરીમાં કુલ 48 મેડલ્સ જીત્યા છે. આ સિદ્ધિઓ એ વાતની સાબિતી છે કે, ઓડિશા એએમ/એનએસ કેએચપીસી પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કરવા માટેનું એક વિશ્વસનીય કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં સુઆયોજિત તાલીમ અને ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓનો અનુભવ ખેલાડીઓને સતત સફળતા અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

એએમ/એનએસ ઇન્ડિયાના એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન વિભાગના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ  આશુતોષ તેલંગે જણાવ્યું હતું કે, ‘ફક્ત બે વર્ષના ટૂંકા સમયગાળામાં જ ઓડિશા એએમ/એનએસ ઇન્ડિયા ખો-ખો હાઈ પરફોર્મન્સ સેન્ટરે ખો-ખોની રમતમાં સુઆયોજિત તાલીમ અને પ્રતિભા વિકાસના ક્ષેત્રે એક પ્રેરણાદાયી કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અમારા ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં મેળવેલી સિદ્ધિઓ માત્ર તેમની સમર્પણભાવનાનું જ નહીં પરંતુ અમે સૌએ મળીને ઊભી કરેલી મજબૂત ઇકોસિસ્ટમનું પણ પ્રતિબિંબ છે. જેમ-જેમ અમે ખેલાડીઓની નવી બેચનું સ્વાગત કરી રહ્યા છીએ, તેમ-તેમ અમે શિસ્ત, ઉત્કૃષ્ટતા અને સ્પર્ધાત્મક ભાવનાના વિકાસ માટેની અમારી કટિબદ્ધતાને તેમજ વૈશ્વિક સ્તરે ખો-ખોની રમતમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવનારા ચેમ્પિયન્સ તૈયાર કરવાના અમારા સંકલ્પને પણ વધુ દૃઢ બનાવી રહ્યા છીએ.’ 

આ સન્માન સમારંભ દરમિયાન વિવિધ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગૌરવ અપાવનારા ખેલાડીઓનું તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સેન્ટરે માત્ર સ્પર્ધાઓમાં દેખાવ પૂરતું જ નહીં પરંતુ સર્વાંગી પ્રદર્શન, અનુકરણીય શિસ્ત, અભ્યાસમાં સતત ઉત્કૃષ્ટ દેખાવ તેમજ રમતના મેદાન પર નોંધપાત્ર યોગદાન બદલ પણ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓએ એક્ઝિબિશન મેચમાં પોતાની પ્રતિભાનું પણ પ્રદર્શન કર્યું હતું, જેમાં તેમણે આધુનિક ખો-ખોની રમતની ઓળખ સમાન ઝડપ, ચપળતા, વ્યૂહાત્મક કૌશલ્ય અને સ્પર્ધાત્મક ભાવનાનું અસરકારક પ્રદર્શન કર્યું હતું.