નવી દિલ્હીઃ આગામી પહેલી ઑક્ટોબરથી શરૂ થતી વર્ષ 2026-27ની ખરીફ માર્કેટિંગ મોસમ માટે કેન્દ્ર સરકારે 708.64 લાખ ટન ડાંગરની પ્રાપ્તિનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. જોકે, પ્રાપ્તિનો આ લક્ષ્યાંક અગાઉની ત્રણ મોસમની વાસ્તવિક પ્રાપ્તિના સ્તર કરતાં ઓછો મૂકવામાં આવ્યો છે.
ખાદ્ય સચિવ સંજીવ ચોપ્રાનાં વડપણ હેઠળ રાજ્યોનાં ખાદ્ય સચિવ સાથેની સમીક્ષા માટેની બેઠક પશ્ચાત્ આ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ખાદ્ય સચિવ સાથેની વિસ્તૃત ચર્ચા બાદ વર્ષ 2026-27ની ખરીફ માર્કેટિંગ મોસમ માટે 708.64 લાખ ટન ડાંગરની પ્રાપ્તિનો અંદાજ મૂકવામાં આવ્યો હોવાનું ખાદ્ય મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે.
અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન વર્ષ 2025-26ની મોસમમાં ગત પાંચમી ઑગસ્ટ સુધીમાં 720.74 લાખ ટન ડાંગરની પ્રાપ્તિ થઈ હતી. તે પૂર્વે સંપૂર્ણ વર્ષ 2024-25માં 708.85 લાખ ટનની અને વર્ષ 2023-24માં 689.56 લાખ ટનની પ્રાપ્તિ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કૃષિ મંત્રાલયની આંકડાકીય માહિતી મુજબ ગત 31મી ઑગસ્ટ સુધીમાં દેશમાં ખરીફ ડાંગરનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 428.46 લાખ હેક્ટર સામે ઘટીને 414.10 લાખ હેક્ટર રહ્યો હોવાથી પ્રાપ્તિના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26માં ખરીફ ડાંગરના ઉત્પાદનનો અંદાજ 12.392 કરોડ ટન રહેવાનો દ્વિતિય આગોતરો અંદાજ મૂકવામાં આવ્યો છે.
એકંદરે ઓછો વાવેતર વિસ્તાર રહેતાં પ્રાપ્તિનો લક્ષ્યાંક આક્રમક ન રાખતા સાવચેતીનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જોકે, વાસ્તવિક પ્રાપ્તિનો આધાર ઊપજ, રાજ્ય સ્તરીય પ્રાપ્તિ પ્રક્રિયા, બજારની આવકો તથા કુલ આવકો પૈકી સરકારી એજન્સીઓને કેટલો માલ વેચવામાં આવે તેના પર અવલંબિત રહેશે.