Sun Aug 30 2026

Logo

રશિયા પાસેથી સસ્તું તેલ મળવા છતાં જનતા પર ભાવવધારાનો બોજ કેમ? ખડગેનું PM મોદી પર નિશાન

2026-05-19 12:00:00
Author: Devayat Khatana
રશિયા પાસેથી સસ્તું તેલ મળવા છતાં જનતા પર ભાવવધારાનો બોજ કેમ? ખડગેનું PM મોદી પર નિશાન

નવી દિલ્હી: એકતરફ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચાવવાની અપીલ અને બીજી તરફ દેશની સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. ચાર દિવસ પહેલા ઝીંકવામાં આવેલા વધારા બાદ આજે સવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર આશરે 90 પૈસાનો વધુ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેનો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે, ત્યારે આ મુદ્દે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારને ભીંસમાં લીધી છે. 

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દેશમાં માત્ર ચાર જ દિવસમાં ફરી એકવાર ઈંધણના ભાવમાં વધારો થતાં ખડગેએ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે સરકાર બચતનો ઉપદેશ આપીને પોતાની નિષ્ફળતાઓનો બોજ સામાન્ય જનતા પર નાખી રહી છે. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, "સામાન્ય જનતાની લૂંટ અને અદાણીને અમેરિકા તરફથી છૂટ" એ જ મોદીજીનું કોમ્પ્રોમાઈઝ્ડ મોડલ છે.

આ સાથે ટેમને રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીનો મુદ્દો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે, 'વિશ્વગુરુ' હોવાનો દાવો કરનાર પીએમ મોદીએ અમેરિકા સમક્ષ રશિયા પાસેથી તેલ ખરીદવાની પરવાનગી માટે એક મહિનાનું એક્સટેન્શન માંગ્યું છે, જે 140 કરોડ ભારતીયોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે. તેમણે સીધો સવાલ ઉઠાવ્યો હતો કે જો સરકારને સસ્તું રશિયન તેલ ખરીદવાની પરવાનગી મળી ગઈ છે, તો પછી દેશની જનતા પર પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો બોજ શા માટે ઝીંકવામાં આવી રહ્યો છે?  સરકારની પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે જ્યારે દેશમાં કટોકટી આવી ત્યારે સરકાર ચૂંટણીઓમાં વ્યસ્ત હતી અને પછી મોટી મોટી વાતો કરીને જનતાને લૂંટવાનો પ્લાન બનાવ્યો, તેમજ આ દરમિયાન પોતાના પરમ મિત્રને પણ બચાવી લીધા. 

વડાપ્રધાન પર સીધું નિશાન સાધતા ખડગેએ ઉમેર્યું કે માત્ર વિદેશોમાં PR કરવાથી કોઈ 'વિશ્વગુરુ' નથી બની જતું, તેના માટે જનતા પ્રત્યે જવાબદેહી સુનિશ્ચિત કરવી પડે છે. તેમણે પીએમ મોદીને અસલી સવાલોથી ન ભાગવાની સલાહ આપતા કહ્યું કે જનતાને તેઓ કેવી રીતે કેરી ખાય છે કે કયું ટોનિક પીવે છે તેની સાથે કોઈ લેવાદેવા નથી. જો વડાપ્રધાન કટોકટીને પહોંચી વળવા માટે પોતે શું કરી રહ્યા છે તેનો જવાબ આપશે તો જ સાચા અર્થમાં જનતાના 'પ્રધાનસેવક' કહેવાશે, નહીંતર તેઓ માત્ર એક 'પ્રચારક' બનીને જ રહી જશે.