(અમારા પ્રતિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ ઉપનગરના ખારમાં ઓટોરિક્ષા પર કન્સ્ટ્રકશન સાઈટ પરથી તૂટી પડેલા ઝાડની દુર્ઘટનામાં ગંભીર રીતે જખમી થયેલી સગીરાનું અઠવાડિયા બાદ રવિવારે સવારે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. તો તેની સાથે રહેલી અન્ય યુવતી હજી પણ ક્રિટીકલ હાલતમાં હોઈ તેના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.
ખાર પોલીસના જણાવ્યા મુજબ ૧૦ મેના ખારમાં ક્ધસ્ટ્રકશન સાઈટ પર બાંધકામ ચાલી રહ્યું હતું. તેના કમ્પાઉન્ડમાં રહેલું એક ઝાડ ત્યાંથી પસાર થઈ રહેલી ઓટોરિક્ષા પર પડયું હતું, જેમાં ૧૯ વર્ષની મનસ્વી શ્રીવાસ્તવ તેની ૧૪ વર્ષની નાની બહેન આરિકા અને ૨૧ વર્ષની હર્ષિતા કુમાર બેઠી હતી. તેઓ લંચ માટે બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમની ઓટોરિક્ષા પર ઝાડ તૂટી પડયું હતું. જેમાં મનસ્વીને પગમાં ફ્રેકચર થયું હતું. જ્યારે આરિકા અને હર્ષિતાને માથામાં ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને બંને ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા.
રિક્ષાવાળો તેમને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયો હતો. જયાં અઠવાડિયા બાદ રવિવારે સવારના ૬.૦૫ વાગે હૉસ્પિટલમાં આરિકાનું મૃત્યુ થયું હતું. તો હર્ષિતા કુમારની હાલત હજી પણ ગંભીર છે અને તેના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. બંને પીડિતોને માથા અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઘટના બાદ ખાર પોલીસે ગયા સોમવારે જયાં ઝાડ તૂટી પડયું હતું તે જગ્યાએ કામ કરી રહેલી ક્ધસ્ટ્રકશન કંપની સામે કથિત બેદરકારીનો કેસ નોંધ્યો હતો. આરિકાની બહેન મનસ્વીની ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પાલિકાના ગાર્ડન વિભાગ સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા મુજબ ઝાડના મૂળિયા પાસે મોટા પ્રમાણમાં બાંધકામને લગતું રો-મટિરિયલ પડ્યું હતું, તેને કારણે ઝાડના મૂળિયા નબળા પડી ગયા હતા અને તેને કારણે તે તૂટી પડયું હોવાનું જણાઈ આવ્યું છે.