કોચીઃ કેરળ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. 102 બેઠક જીતીને UDFએ દસ વર્ષ બાદ જોરદાર સત્તા વાપસી કરી છે. હવે રાજ્યના મુખ્યમંત્રીપદે કોણ આવશે એ ચર્ચા શરૂ થઈ ચૂકી છે. મુખ્યમંત્રી પદે ત્રણ દાવેદારોના નામ ચર્ચામાં છે. રમેશ ચેન્નિથલા, વીડી સતીશન અને કેસી વેણુગોપાલનું નામ રેસમાં છે. આ ત્રણેય કોંગ્રેસ પક્ષમાંથી આવે છે અને જિલ્લા કક્ષાએ મોટું નામ ધરાવે છે. મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે મુકુલ વાસનિક અને અજય માકનને જવાબદારી સોંપી છે. હાલમાં તેઓ કેરલમમાં છે. ધારાસભ્યોનો મત જાણ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
દસ વર્ષ બાદ UDFનું કમબેક
કેરલમમાં 140 વિધાનસભા બેઠકમાં 102 બેઠકો પર UDFએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ વખતેની ચૂંટણીમાં 1 કરોડથી વધારે મત UDFને મળ્યા છે. આ મોટી જીતના જશ્ન સાથે સવાલ એ ચર્ચાય રહ્યો છે કે કેરલમના મુખ્યમંત્રી તરીકે કોણ આવશે? રમેશ ચેન્નિથલા, વીડી સતીશન અને કેસી વેણુગોપાલ આ ત્રણેય નેતાઓના સમર્થકો પોતાની રીતે જે તે ગણિત સમજાવી રહ્યા છે જેમ જેમ દિવસ આગળ વધે છે એમ મામલો પેચીદો બની રહ્યો છે. પાર્ટી માટે કોઈએક વ્યક્તિ પર પસંગદી ઊતારવી મુશ્કેલ છે.
ખાસ વાત એ છે કે આ ત્રણેય ઉમેદવાર નાયર સમુદાયમાંથી આવે છે.આ ત્રણેય નેતા કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી કે. કરૂણાકરણના રાજકીય શિષ્ય છે. પાર્ટી માટે એટલા માટે જ મુશ્કેલી ઊભી થઈ છે કે, કોની પસંદગી કરવી.રમેશ ચેન્નિથલાએ આ ચૂંટણીમાં UDF માટે અભિયાન સમિતિના અધ્યક્ષ તરીકે કામ કર્યુ હતું.
અનુભવ ધ્યાને લેવાશે ખરા?
રમેશ ચેન્નિથલા હરિપાદ બેઠક પર જીત મેળવી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.એમના સમર્થકો એવો દાવો કરી રહ્યા છે કે, ઈન્દિરા ગાંધી તથા રાજીવ ગાંધીએ જ એમને યુવા કોંગ્રેસ પાર્ટીમાં તક આપીને રાષ્ટ્રીયકક્ષા નેતા બનાવ્યા હતા. આ દ્રષ્ટિકોણથી એમના અનુભવને ઓછો ન આંકી શકાય. વીડી સતીશન અને કેસી વેણુગોપાલ રાજકીય કરિયરમાં એમના પાછળ છે અને નેતા તરીકે પણ તેઓ સિનિયર છે.
આ પરિણામ બાદ ચેન્નિથસાએ કહ્યું હતું કે, આ શાનદાર જીતનો સંપૂર્ણ શ્રેય રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને જાય છે. રાહુલ ગાંધીની પાંચ મોટી ગેરન્ટીને કારણે આ જીત મળી છે. વીડી સતીશને પારવુર બેઠક પરથી જીત મેળવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સતીશન પાસે વિજેતા થયેલા ધારાસભ્યોનું સમર્થન વધારે છે.
ચૂંટણી નથી લડ્યા છતાં CMની રેસમાં
સમર્થકો એવો પણ દાવો કરી રહ્યા છે કે ગઠબંધનના સૌથી મોટા સાથી પક્ષ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ તથા સામાન્ય પ્રજાનો પણ એમને પરિણામ બાદ પણ એટલો જ સાથ-સહકાર છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે વિધાનસભાની ચૂંટણી લડી જ નથી. તેમ છતા મુખ્યમંત્રી તરીકે એમનું નામ આગળ છે. હાલ એમને સૌથી પ્રબળ અને મોટા દાવેદાર માનવામાં આવે છે.
એમના સમર્થકોનું એવું કહેવું છે કે, મુખ્યમંત્રી તરીકે માત્ર લોકપ્રિયતા હોવી જરૂરી નથી પણ પાર્ટીના ધારાસભ્યોની સાથે હોવું પણ એટલું જ જરૂરી છે. કેરલમમાં કોંગ્રેસ પાસે 63 ધારાસભ્યો છે, જેમાંથી મોટા ભાગના એવું ઈચ્છે છે કે, કેસી વેણુગોપાલ મુખ્યમંત્રી બને. વેણુગોપાલ રાહુલ ગાંધીના સૌથી નજીકના વ્યક્તિ મનાય છે. ઈન્દિરા ગેરન્ટી અભિયાન કેરલમમાં દરેક ગામ, જિલ્લા તથા શહેરની સોસાયટીઓ સુધી પહોંચાડવામાં એમનો સિંહફાળો રહ્યો છે.