માંડયા : કર્ણાટકના માંડયામાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બે કામદારના મોત થયા છે. જ્યારે ચાર અન્ય ઘાયલ થવાના અહેવાલ છે. આ દુર્ઘટના ગેસ લીકેજના લીધે થઇ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. આ દુર્ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પોલીસે હવે આ મામલાની તપાસ શરૂ કરી છે. બસરાલુ પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુડ્ડુ ખાન તરીકે ઓળખાતો કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે અને તેની શોધ ચાલી રહી છે.
મૃતક બિહારના રહેવાસી હતા
આ અંગે મળતી માહિતી મુજબ કેમિકલ ફેક્ટરીનું સ્થળાંતર થઈ રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલોને માંડ્યા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ફેક્ટરીના સાધનોને કેટલાક સમયથી કરેકટ્ટેથી નવી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રવિવારે કેમિકલ ટેન્ક ખાલી કરતી વખતે આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે. આ દુર્ઘટનામાં બે મૃતક બિહારના રહેવાસી હતા.
સ્થાનિકોએ ફેક્ટરીના સલામતીના પાલન પર સવાલો ઉઠાવ્યા
આ દુર્ઘટના બાદ સ્થાનિકોએ ફેક્ટરીના સલામતીના પાલન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2022માં ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીકેજ થયો હતો. જેના કારણે નજીકના પાકને નુકસાન થયું હતું અને બે કૂતરાઓ માર્યા ગયા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનાથી રહેવાસીઓના સ્વાસ્થ્ય પર પણ અસર પડી હતી. ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓના ભારે વિરોધ અને સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રના હસ્તક્ષેપને પગલે ફેક્ટરી બંધ કરી દેવામાં આવી હતી. આના કારણે માલિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.