Mon Jun 01 2026

Logo

'આ દેશમાં રહેતા શરમ આવે છે': કપિલ સિબ્બલના નિવેદનથી ભાજપ લાલઘૂમ, પૂછ્યું- કમાણી ક્યાંથી કરો છો?

2026-06-01 21:09:19
Author: Devayat Khatana
Article Image

PTI


પૂનાવાલાએ સુપ્રીમ કોર્ટની કમાણી અને બંગાળ હિંસા પર મૌન અંગે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલના એક નિવેદન પર ભારે રાજકીય ગરમાવો આવ્યો છે. ટીએમસી (TMC)ના સાંસદ અભિષેક બેનરજી પર થયેલા કથિત હુમલા બાદ સિબ્બલે જણાવ્યું હતું કે તેમને આ દેશમાં રહેતા શરમ આવે છે, જ્યાં સત્તાધારી પક્ષ લોકશાહીના મૂળિયાં ઉખેડવા માટે ગમે તેવી હાથચાલાકી અપનાવે છે. તેમનો આ સીધો ઈશારો ભારતીય જનતા પાર્ટી (BJP) તરફ હતો. સિબ્બલના આ નિવેદનનો આજે ભાજપ દ્વારા આકરો વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ એક વીડિયો નિવેદન જારી કરીને સિબ્બલની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે સિબ્બલની કમાણી પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ આ જ દેશની સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરીને કરોડો રૂપિયા કમાય છે અને છતાં તેમને આ દેશમાં રહેવામાં શરમ આવે છે. 

તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે વર્ષ 2021 માં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસામાં 300 થી વધુ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની હત્યા થઈ ગઈ, ત્યારે સિબ્બલે કેમ મૌન સેવ્યું હતું? આ ઉપરાંત, સંદેશખાલી અને આર.જી. કર કેસમાં પણ તેઓ કેમ ચૂપ રહ્યા હતા?

અભિષેક બેનરજી પર થયેલા હુમલા અંગે સ્પષ્ટતા કરતા શહેઝાદ પુનાવાલાએ જણાવ્યું કે કોઈ પણ આ હુમલાને યોગ્ય ઠેરવતું નથી, પરંતુ આ કેસમાં પકડાયેલા કેટલાક લોકોના તાર ટીએમસી સાથે જ જોડાયેલા છે. તેમણે કહ્યું કે મોટા ભાગના વિપક્ષી નેતાઓ આ ઘટનાની ખુલીને નિંદા કરવાને બદલે તેને ટીએમસીનો આંતરિક ડખો માની રહ્યા છે.

પૂનાવાલાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પણ ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે વિપક્ષ ભાજપનો વિરોધ કરવામાં એટલો આંધળો થઈ ગયો છે કે હવે દેશનો જ વિરોધ કરવા લાગ્યો છે અને વિદેશી શક્તિઓને દખલ કરવા આમંત્રણ આપે છે.

આ સમગ્ર વિવાદમાં ભાજપના અન્ય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ સિબ્બલ પર પ્રહારો કર્યા હતા. ભંડારીએ કપિલ સિબ્બલના નિવેદનને વખોડતા કહ્યું કે, સિબ્બલનું આ નિવેદન દેશના કરોડો મતદાતાઓ, બંગાળના મતદાતાઓ અને સમગ્ર ભારતીય લોકશાહીનું ઘોર અપમાન છે. 

ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે રાજકીય મતભેદો હોવા સામાન્ય બાબત છે, પરંતુ તેના નામે દેશ પ્રત્યે નફરત દર્શાવવી અને દેશને શરમજનક ગણાવવો તે કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં.