Tue Jul 07 2026

Logo

કચ્છ: મેકરણ દાદા, લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની સમાધિએ શિવરાત્રિના મેળાની જમાવટ...

2026-02-15 15:28:50
Author: Mayur Patel
Article Image

ભુજઃ કચ્છમાં મહાશિવરાત્રિ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની સરહદને અડકીને આવેલા આ સરહદી જિલ્લા કચ્છમાં ઊજવાતા આ મહાશિવરાત્રિ પર્વની વિશેષતા એ છે કે સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો મેળો ભરાય છે જે ૧૭મી સદીના કચ્છના મહાન સંત મેકરણ દાદા અને તેના બે અબોલ સાથીઓ લાલિયો ગધેડો અને મોતિયો કૂતરોના સમાધિ સ્થળ ફરતે યોજાય છે. કોઈ કૂતરા અને ગધેડાના સમાધિ સ્થળ આસપાસ કોઈ મેળો ભરાતો હોય તો તેવા પ્રકારનો આ વિશ્વનો એકમાત્ર મેળો કહી શકાય. 

અસલી કચ્છી મિજાજનો મેળો

ભુજથી થોડે દૂર આવેલા લોડાઇ ગામ પાસેના ઘ્રન્ગ ખાતે, મેકરણ દાદાના અખાડા ખાતે મહાશિવરાત્રિનો આ અસલી કચ્છી મિજાજનો આ મેળો યોજાય છે અને આ મેળામાં ભાતીગળ ગ્રામ્ય પ્રજા ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ ઉમટે છે. 

મેકરણ દાદા અને તેના બે સાથીઓ મોતિયો કૂતરો અને લાલિયો ગધેડો કચ્છના રણ અને બન્ની વિસ્તારમાં ભૂલા પડેલા વટેમાર્ગુઓની મદદે અવશ્ય પહોંચી જતા. મેકરણ દાદા તેમના ખભે રાખેલી બે કાવડમાં તેમજ લાલિયા ગધેડાની પીઠ પર ખોરાક અને પાણી પોતાની સાથે રાખતા. મોતિયાને છેક દૂરથી જ કોઈ માર્ગ ભૂલેલા વટેમાર્ગુની ગંધ પરથી ભાળ મળતી અને તે સંત મેકરણ દાદાને તે સ્થળ સુધી દોરી જતો. ત્યાં પહોંચીને મેકરણ દાદા વટેમાર્ગુને ખોરાક અને પાણી આપીને તેમને રસ્તો બતાવતા. 

તેઓ કચ્છના, હબાય ગામની ગોદમાં આવેલા ઘ્રન્ગ ખાતે સ્થાયી થયા હતા અને અખાડો બનાવ્યો હતો. આ અખાડા ખાતે જ સંત મેકરણ દાદાએ સમાધિ લીધી હતી ત્યારે તેમની સાથે લાલિયા અને મોતિયાએ પણ સમાધિ લીધી હતી.

અખાડામાં જ જીવતી સમાધિ લીધી હતી

આ ઉપરાંત અન્ય દસથી વધુ અનુયાયીઓએ પણ તેમની સાથે જ અખાડામાં જ જીવતી સમાધિ લીધી હતી. આજે પણ આ સ્થળે મેકરણ દાદાનો ધુણો અને તેમની કાવડ જેવી વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે. આ મેળામાં પ્રણાલીગત પોશાકો સાથે ખાસ કરીને આયરો દ્વારા લેવામાં આવતા રાસ આકર્ષણ જમાવે છે. લોકો દાદા મેકરણની સમાધિ ઉપરાંત લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની સમાધિ પર ફૂલો ચડાવે છે તેમજ તેનું પૂજન કરે છે. આસપાસના આયર પટ્ટીઓનાં ગામના લોકોને લાલિયા ગધેડા અને મોતિયા કૂતરા પર  એટલી આસ્થા છે કે, બાળકોને થતી મોટી ઉધરસ મટે તે માટે આ સ્થળે ખાસ માનતા પણ કરવામાં આવે છે.

બીજી તરફ, કચ્છના શિવ મંદિરોમાં આજે વહેલી સવારથી જ ધમધમાટ જોવા મળ્યો હતો અને ઠેર-ઠેર હોમ હવન અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા. લોકોએ ભાંગનો પ્રસાદ મેળવવા કતારો લગાવી હતી અને ભુજમાં રવાડી પણ કાઢવામાં આવી હતી. વગડામાં આવેલા પ્રાચીન શિવાલયોમાં આજે ઘંટનાદ થતા રહેતાં સમગ્ર કચ્છનું વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)