મધ્ય પ્રદેશના કાન્હા ટાઈગર રિઝર્વમાં કેનાઈન ડિસ્ટમ્પર વાયરસ (CDV)ના કારણે એક વાઘણ અને તેના ચાર બચ્ચાંના મોતના સમાચારથી વન વિભાગ અને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. સામાન્ય રીતે કૂતરાઓમાં જોવા મળતો આ જીવલેણ વાયરસ હવે જંગલના રાજા સુધી પહોંચી ગયો છે. આ દુખદ ઘટના અને વન વિભાગ દ્વારા લેવામાં આવેલા કડક પગલાં લેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર કાન્હા ટાઈગર રિઝર્વમાં વાઘણ ટી-141 અને તેના ચાર બચ્ચાં બીમાર હાલતમાં મળી આવ્યા હતા અને વન વિભાગ દ્વારા આપવામાં આવી રહેલી સારવાર દરમિયાન મૃત્યુ થતાં આસપાસના વિસ્તારમાં શોક અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
વાઘણ અને તેના બચ્ચાના મૃત્યુના કારણ વિશે વાત કરીએ તો જબલપુરની નાનાજી દેશમુખ વેટરનરી યુનિવર્સિટીમાં થયેલી તપાસમાં પુષ્ટિ થઈ છે કે તેમનું મૃત્યુ 'કેનાઈન ડિસ્ટમ્પર વાયરસ' (CDV)ના કારણે થયું છે. મળતી માહિતી પ્રમાણે આ જીવલેણ વાઈરસ સામાન્યપણે પાલતુ કે રખડતાં શ્વાનોમાં જોવા મળે છે અને હવે આ વાઈરલ જંગલ સુધી ફેલાઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ આ એ જ વાયરસ છે જેણે 2018માં ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં 34 સિંહોનો ભોગ લીધો હતો. કાન્હા ટાઈગર રિઝર્વમાં પાંચ વાઘના આ વાઈરસને કારણે મૃત્યુ થતાં વન વિભાગની ચિંતામાં વૃદ્ધિ થઈ છે.
વન વિભાગ દ્વારા લેવાયેલા કડક પગલાં હેઠળ વાઘણ અને બચ્ચાંના શબ જ્યાંથી મળ્યા હતા એ બે ચોરસ કિલોમીટરના વિસ્તારને 'નો-ગો ઝોન' જાહેર કરીને સીલ કરી દેવામાં આવ્યો છે. જંગલની આસપાસના આઠ ગામોમાં શ્વાનોનું રસીકરણ (Vaccination) શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 94 શ્વાનોને રસી આપવામાં આવી છે.
સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 'સરહી' વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિસ્તારમાં 40 ટ્રેપ કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને અન્ય ટાઈગર રિઝર્વ જેમ કે પેંચ, બાંધવગઢ અને પન્નામાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.