Tue Aug 18 2026

Logo

કંગના રનૌતનો યુ-ટર્ન: 'ગટર જનરેશન'માંથી અચાનક 'Gen Z' બની ગઈ દેશની ધરોહર!

2026-08-07 19:50:31
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં સાંસદ કંગના રનૌતે 'જેન ઝી' અંગેના પોતાના નિવેદનને હવે અચાનક ફેરવી તોળ્યું છે. આશરે દસ દિવસ પહેલાં વિદ્યાર્થીઓના આંદોલનને લઈને 'જેન ઝી'ને 'ગટર જનરેશન' અને 'ગટર છાપ' ગણાવનારી કંગના હવે એ જ યુવા પેઢીને દેશની સૌથી મોટી તાકાત અને રાષ્ટ્રની ધરોહર ગણાવી રહી છે. તેમના આ બદલાયેલા વલણની ચર્ચા રાજકીય અને સોશિયલ મીડિયામાં જોરશોરથી થઈ રહી છે.

આ બદલાવ એવા સમયે સામે આવ્યો છે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં જેન ઝી અને  જેન આલ્ફા સાથે સંવાદ સાધ્યો હતો. લગભગ એક કલાક ચાલેલા આ સંવાદ દરમિયાન તેમણે કહ્યું હતું કે નવી પેઢી અગાઉની પેઢી કરતાં વધુ દેશભક્ત અને ઈમાનદાર છે. 

તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે યુવાનોની વાત સાંભળવી જોઈએ અને સંવાદના અભાવને કારણે જ દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું આંદોલન ઊભું થયું.

મોહન ભાગવતના નિવેદન બાદ સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કંગના રનૌતે કહ્યું કે "જેન ઝી અમારી સૌથી મોટી તાકાત છે અને અમને અમારી જેન ઝી  પર ગર્વ છે." તેણે એમ પણ કહ્યું કે દેશના યુવાનો ભારતની સંસ્કૃતિના એમ્બેસેડર તરીકે ઉભરી રહ્યા છે અને સમાજને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

કંગનાએ એમ પણ કહ્યું કે તમામ યુવાનોનું વિરોધ પ્રદર્શન કરનારા થોડાક લોકોના આધારે મૂલ્યાંકન ન થવું જોઈએ. તેમના મતે ઝારખંડમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ, દેશ માટે મેડલ જીતનારા ખેલાડીઓ અને વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક યોગદાન આપતા યુવાનો જ સાચી જેન ઝીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે દાવો કર્યો કે સરકારને મળતો જનાદેશ પણ મોટા પ્રમાણમાં યુવા પેઢીનો જ છે.

જોકે, કંગનાનું આ નિવેદન તેમના થોડા દિવસ પહેલાની તેની જ  સોશિયલ મીડિયા પોસ્ટથી એકદમ વિપરીત છે. તે પોસ્ટમાં તેણે ખાસ કરીને કેટલીક યુવા મહિલાઓને નિશાન બનાવી 'જેન ઝી'ને 'ગટર જનરેશન' ગણાવી હતી. તેણે એવો આરોપ લગાવ્યો હતો કે આવી પેઢી જવાબદારી વિના સ્વતંત્રતા ઈચ્છે છે, માતા-પિતાની કમાણી પર જીવે છે અને પશ્ચિમી જીવનશૈલીનું આંધળું અનુસરણ કરે છે. તેમના આ નિવેદનને લઈને તેની ભારે ટીકા થઈ હતી અને અભિનેતા સોનુ સૂદ સહિત અનેક લોકોએ આ બાબતે અસહમતિ વ્યક્ત કરી હતી.

હવે માત્ર દસ દિવસના ગાળામાં કંગના રનૌતના બદલાયેલા સૂરને લઈને રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. વિપક્ષ આને 'યુ-ટર્ન' ગણાવી રહ્યો છે, જ્યારે કંગનાનું કહેવું છે કે દેશના મોટા ભાગના યુવાનો દેશપ્રેમી છે અને થોડાક લોકોના વર્તનના આધારે આખી પેઢીનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી.