નવી દિલ્હીઃ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે શાંત થતો જોવા મળી રહ્યો છે. બાબા રામદેવે રક્ષાબંધનના અવસર પર પહેલ કરીને કંગના રણૌતને પોતાની બહેન ગણાવી છે. સામેપક્ષે કંગનાએ પણ બાબા રામદેવને પોતાના મોટાભાઈ કહીને સંબોધન કરીને વિવાદનો અંત લાવી દીધો છે. બાબાએ કંગનાને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવતા તેમના માટે ભેટ અને મીઠાઈ મોકલવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે સમાજમાં નફરત અને દુશ્મની દૂર કરવાની અપીલ કરી છે.
વિવાદનો સુખદ અંત
તાજેતરમાં કંગના રનૌતની ‘જનરેશન ગટર’ ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો હતો. નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અંગે અભિનેત્રીએ કરેલી ટિપ્પણીની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી તેમ જ સામાન્ય લોકોના એક વર્ગ દ્વારા ટીકા કરવામાં આવી હતી. આ મામલે બાબા રામદેવે પણ જાહેરમાં કંગનાની ટિપ્પણી સામે વાંધો ઊઠાવ્યો હતો. ત્યારબાદ બંને તરફથી એકબીજાની ટીકા કરવામાં આવી હતી. સામસામે આક્ષેપબાજીનું આખલા યુદ્ધ ચાલી રહ્યું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારે બાબા રામદેવે કહ્યું કે તેઓ રક્ષાબંધનના અવસર પર પોતાની બહેન કંગના રનૌતને પોસ્ટ દ્વારા ભેટ અને મીઠાઈ મોકલી રહ્યા છે. બાબાએ કહ્યું કે, દેશમાં કોઈ પણ કારણસર નફરત ન હોવી જોઈએ અને એકબીજા પ્રત્યે દુશ્મની પણ ન હોવી જોઈએ. બંને વચ્ચેની દુશ્મની હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે.

રક્ષાબંધનનું મહત્ત્વ સમજાવ્યું
બાબા રામદેવે કહ્યું કે, કોઈ પણ પ્રકારના વિવાદને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. કંગના રણૌતને રક્ષાબંધનની શુભેચ્છા આપવા માટે ફોન પણ કરશે. મતભેદો કે વિવાદોને લાંબા સમય સુધી ખેંચવાને બદલે સંવાદ દ્વારા ઉકેલવા જોઈએ. એવો ભાવ બાબાએ વ્યક્ત કર્યો હતો. બાબા રામદેવે રક્ષાબંધનના સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ વિશે પણ વાત કરી. તેમણે સામાજિક સૌહાર્દ જાળવવા તેમજ જાતિ અને સમુદાયના આધારે થતા ભેદભાવને દૂર કરવાની અપીલ કરી. મહાભારત સાથે જોડાયેલી માન્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને રાખડી બાંધી હતી અને બ્રાહ્મણોએ ક્ષત્રિયોને રાખડી બાંધી હતી. ભારતનો સમાજ જ્ઞાન અને વીરતાનો ઉપાસક રહ્યો છે અને રક્ષાબંધન ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું પર્વ છે.
કંગનાએ પણ સ્વીકાર્યો રામદેવે મોકલેલો પ્રેમ
આ મામલે હવે કંગના રણૌતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કંગનાએ પોતાના Instagram પર લખ્યું કે, તહેવારનો દિવસ જૂની ભૂલો અને ગેરસમજને ભૂલીને એકબીજાને માફ કરવાનો હોય છે. કંગનાએ બાબા રામદેવના ‘વિવાદ નહીં, સંવાદ થવો જોઈએ’ એવા સંદેશની પ્રશંસા કરી. રક્ષાબંધનના દિવસે બાબા રામદેવ દ્વારા મોકલવામાં આવેલી મીઠાઈ અને મોટા ભાઈનો પ્રેમ બંને સ્વીકારવાની વાત કરી. અંતમાં તેમનો આભાર માનતા તેમને લાંબું આયુષ્ય મળે તેવી શુભેચ્છા પણ પાઠવી. બંને તરફથી આવેલા નિવેદનો બાદ કંગના અને બાબા રામદેવ વચ્ચેનો તાજેતરનો વિવાદ સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે. રક્ષાબંધનના અવસર પર શરૂ થયેલી આ સમાધાનની પહેલે એક સંદેશ પણ આપ્યો છે—'મતભેદ' હોઈ શકે, પરંતુ સંવાદ દ્વારા સંબંધોમાં રહેલી કડવાશને દૂર કરી શકાય છે.