Sat Sep 05 2026

Logo

તિબેટમાં ડેમ તૂટતાં હોનારત: ૪૩ કચ્છી યાત્રીઓ સુરક્ષિત

2026-08-27 11:07:00
Author: Mumbai Samachar Team
તિબેટમાં ડેમ તૂટતાં હોનારત: ૪૩ કચ્છી યાત્રીઓ સુરક્ષિત

ભુજઃ નેપાળના રસુવા જિલ્લામાં ચીન સરહદ નજીક તિબેટ ક્ષેત્રમાં ભીષણ હિમસ્ખલન અને ભૂસ્ખલનના કારણે કુદરતી ડેમ તૂટી પડતાં ભોટેકોશી નદીમાં ભયાનક પૂર આવ્યું છે. આ જળપ્રલયના કારણે અત્યાર સુધીમાં ૧૫૭થી વધુ લોકોના મોત થયા છે અને ૧૩૩ ભારતીય તથા ૨૯૧ વિદેશીઓ સહિત ૧૦૦૦થી વધુ લોકો લાપતા બન્યા છે. આ હોનારતમાં ૪૩ કચ્છી યાત્રીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

આ ભયાનક આફત વચ્ચે કૈલાસ-માનસરોવર યાત્રાએ ગયેલા ભુજ, અમદાવાદ અને મુંબઈના ૪૩ કચ્છી યાત્રાળુઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના આશ્વાસનદાયક સમાચાર મળ્યા છે. ભુજના ટૂર ઓપરેટર શૈલેષ મહેશ્વરીના નેતૃત્વ હેઠળનો આ સમૂહ પૂર આવ્યાના આઠેક કલાક પહેલાં જ નેપાળ-ચીન વચ્ચેનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કરી ચૂક્યો હતો. પૂરના કારણે પાછળથી આ ઐતિહાસિક બ્રિજ અને તિમુરેનું હેલિપેડ તણાઈ ગયા હતા. યાત્રાળુઓ પોતાના નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા હોવાથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

ચીનના તિબેટ ક્ષેત્રમાં ૪.૪ની તીવ્રતાના ભૂકંપ અને હિમશીલા તૂટવાથી લ્હેન્દે નદી પર બનેલો કાચો બંધ અચાનક તૂટી જતાં લાખો લીટર પાણી કાદવ-કાટમાળ સાથે 'ફ્લેશ ફ્લડ' સ્વરૂપે નેપાળ તરફ ધસી આવ્યું હતું. પૂરના કારણે રસુવાથી નુવાકોટ અને ધાદિંગ સુધીના ૪૨ કિલોમીટરના રસ્તાઓ, ૧૯ પુલ, ૧૩ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ અને ૧૦થી વધુ બેંકો તણાઈ ગઈ છે. સમગ્ર વિસ્તારમાં ડઝનબંધ ગામડાંઓ કાગળની હોડીની જેમ વહી ગયા છે. સ્થિતિની ગંભીરતા જોતાં નેપાળ સરકારે સેના અને ૧૩ હેલિકોપ્ટર મારફતે બચાવ કામગીરી હાથ ધરી છે. પાડોશી ધર્મ નિભાવતા ભારતે વાયુદળના સી-૧૭ અને સી-૧૩૦ વિમાનો મારફતે ૧૦ ટન રાહત સામગ્રી અને દવાઓ કાઠમંડુ મોકલી આપી છે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહે જાનમાલની હાનિ પર ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી પૂરપીડિતો સુધી તાકીદે મદદ પહોંચાડવા આદેશ આપ્યા છે.

બીજી તરફ, તમામ કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત હોવાના અને પોતાના નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા હોવાના સમાચાર મળતાં જ તેમના પરિવારજનો અને સગા-સંબંધિઓએ રાહતનો શ્વાસ લીધો છે.

(ઉત્સવ વૈદ્ય)