Mon Jun 01 2026

Logo

તમિલનાડુમાં નવાજૂનીના એંધાણ! ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવી પાર્ટી બનાવશે?

2026-06-01 17:31:13
Author: Devayat Khatana
Article Image

ભાજપની બેઠકોમાં ગેરહાજરી, સમર્થકોના પોસ્ટર વોર અને ભાષા નીતિના વિરોધ વચ્ચે અન્નામલાઈના નવા રાજકીય ફોર્મ્યુલાની અટકળો તેજ

ચેન્નઈ: તમિલનાડુ ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. અન્નામલાઈ નવી રાજકીય પાર્ટી બનાવી શકે તેવી અટકળો તેજ બની છે. કોઇમ્બતુરમાં ભાજપની રાજ્ય કેન્દ્રીય સમિતિની બેઠક ચાલી રહી હતી ત્યારે જ અન્નામલાઈના સમર્થકો દ્વારા તેમના ચહેરા સાથે "ફિયરલેસ માઇન્ડ્સ ગેવ નો લિમિટ્સ" એટલે નિડર મનને કોઈ સરહદો નડતી નથી લખેલા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. 

હાલમાં વિદેશમાં રહેલા અન્નામલાઈએ ભાજપની છેલ્લી બે પ્રદેશ બેઠકોમાં હાજરી આપી નથી, જ્યારે બીજી તરફ તેમની ફેન વેલ્ફેર ક્લબ 'અન્નામલાઈ અંબુ કૂટ્ટમ' દ્વારા નવા સભ્યો અને હોદ્દેદારોની નોંધણી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ તમિલનાડુમાં એક નવી પાર્ટીની સંભાવના અંગે ટ્વીટ કરીને આ અટકળોને વધુ વેગ આપ્યો છે.

આ રાજકીય ગરમાવા પાછળનું એક મુખ્ય કારણ અન્નામલાઈનો કેન્દ્ર સરકારની ત્રિભાષી નીતિ અંગેનો તાજેતરનો વિરોધ પણ માનવામાં આવે છે. ગયા મહિને જ CBSE દ્વારા જુલાઈ 2026થી ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષા જેમાં બે ભારતીય ભાષા સહિત ફરજિયાત બનાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે અગાઉ 2029-30થી લાગુ થવાનું હતું. 

અન્નામલાઈએ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને આ નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, આટલી ટૂંકી નોટિસમાં નવી ભાષા શીખવાની ફરજ પાડવાથી બાળકો પર દબાણ વધશે અને તેનાથી ખાસ કરીને તમિલનાડુના વાલીઓ આઘાતમાં છે. તેમણે સરકારના અગાઉના નિર્ણય મુજબ જ આ નિયમ 2029-30થી લાગુ કરવાની માંગ કરી છે.

K.Annamalai

અન્નામલાઈની નારાજગી માત્ર ભાષા નીતિ પૂરતી સીમિત નથી. અગાઉ વિધાનસભા ચૂંટણી પહેલાં સાથી પક્ષ AIADMKના દિગ્ગજ નેતાઓ સી. એન. અન્નાદુરાઈ અને જે. જયલલિતા અંગે તેમણે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે ગઠબંધનમાં મોટી તિરાડ પડી હતી. 

અહેવાલો અનુસાર AIADMKના દબાણને કારણે જ તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા હતા. નવી પાર્ટી બનાવવાની અફવાઓ વચ્ચે, સૂત્રોના જણાવ્યા અનુસાર અન્નામલાઈ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે પણ મુલાકાત કરવાના છે.

કેન્દ્ર સાથે ભાષા નીતિ મુદ્દે મતભેદ AIADMK સાથેના વણસેલા સંબંધો અને ભાજપની મહત્વપૂર્ણ બેઠકોમાં તેમની સૂચક ગેરહાજરી જેવા પરિબળોએ તેમના રાજકીય ભવિષ્ય અંગે સસ્પેન્સ ઊભું કર્યું છે. 

'અન્નામલાઈ અંબુ કૂટ્ટમ'ની સક્રિયતા અને પોસ્ટર યુદ્ધ કોઈ નવા રાજકીય પ્લેટફોર્મના મંડાણ છે કે પછી માત્ર તેમના સમર્થકોનો ઉત્સાહ છે, તે અંગે હજુ સુધી અન્નામલાઈ દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.