પોલીસ કમિશનર આ કેસમાં વ્યક્તિગત રીતે ધ્યાન આપે અને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરે: કોર્ટ
મુંબઈ: દાઉદી વોહરા સમુદાયના ઉત્તરાધિકારીના વિવાદ પર 2024ના ચુકાદાના સંદર્ભમાં મુંબઈ હાઇ કોર્ટના ભૂતપૂર્વ જજ ગૌતમ પટેલ અને તેમના પરિવારને ધમકીભર્યા પત્રો મોકલવા બદલ પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જજ પટેલ અને તેમના પરિવારને મળેલી ધમકીને ધ્યાનમાં રાખી તેમને પોલીસ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, એવી માહિતી મહારાષ્ટ્ર સરકારે સોમવારે હાઇ કોર્ટને આપી છે.
સરકારી વકીલ શિશિર હિરેએ એક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અંખડને જાણ કરી હતી કે જસ્ટિસ પટેલ અને તેમની પત્ની સાથે બે પોલીસ અધિકારી મુંબઈમાં દરેક સમયે હાજર રહેશે.
કોર્ટે નોંધ્યું હતું કે આ એક ગંભીર મુદ્દો છે અને જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે મુંબઈના પોલીસ કમિશનર આ કેસમાં વ્યક્તિગત રીતે ધ્યાન આપે અને બીજી જુલાઇને રોજ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરે. ‘એક જજ જેમણે પોતાની ફરજ બજાવી છે અને નિવૃત્ત થયા છે તેઓ આનો (ધમકીઓ)નો સામનો કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ઝડપથી કાર્યવાહી કરવાની જરૂર છે. તેમનું રક્ષણ સૌથી મહત્ત્વપૂર્ણ છે. તમારે સાબિત કરવાની જરૂર છે કે તમે કેટલા પ્રતિબદ્ધ છો,’ એવું કોર્ટે જણાવ્યું હતું. બેન્ચે કહ્યું હતું કે જસ્ટિસ પટેલ, તેમની પત્ની અને પુત્રી (જે હાલ મુંબઈમાં છે)ને યોગ્ય સુરક્ષા મળવી જોઇએ.
જસ્ટિસ પટેલે રવિવારે ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 (3) અને 351 (4) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદ મુજબ જસ્ટિસ પટેલ અને તેમના પરિવારને છેલ્લા 10 મહિનામાં અનેક નનામા ધમકીના પત્રો મળ્યા હતા અને લંડનમાં તેમની પુત્રીના નિવાસે જર્મન પોસ્ટલ માર્ક ધરાવતો વધુ આક્રમક ધમકીનો પત્ર પાંચમી જૂને મોકલવામાં આવ્યો હતો.
પત્રમાં તેમના જીવને જોખમ હોવાની ચેતવણી આપવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે પરિવાર ખતમ કરવા માટે ‘કોન્ટ્રેક્ટ’ આપવામાં આવ્યો છે. તેમાં એક ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસ પણ સામેલ હતું, જે લંડન પોલીસને તપાસ માટે સોંપાયું છે.
ધમકી આપનારે માગણી કરી હતી કે નિવૃત્ત જજે યુટ્યુબ પર વીડિયો પોસ્ટ કરીને પોતાના ચુકાદા અંગે માફી માગવી જોઇએ અને લાખોની સંખ્યા ધરાવતા દાઉદી વોહરા સમુદાયના આધ્યાત્મિક ગુરુ સૈયદનાનું બિરુદ અને ઉત્તરાધિકારી સંબંધમાં ચુકાદો એવું કહીને પાછો ખેચી લેવો જોઇએ કે તે બળજબરીથી અને દબાણ હેઠળ અપાયો હતો.
આવા જ ધમકીભર્યા પત્રો જસ્ટિસ પટેલના મુંબઈના નિવાસસ્થાને મોકલવામાં આવ્યા હતા અને તેમની પત્ની દ્વારા તે પ્રાપ્ત કરાયા હતા. ભારતના ચીફ જસ્ટિસ સૂર્ય કાંત યુકેની વિધિસર મુલાકાતે ગયા ત્યારે તેમણે ઇન્ડિયા હાઇ કમિશનર પી. કુમારનને આ મામલાની જાણ કર્યા બાદ ગયા સપ્તાહમાં લંડન પોલીસે જસ્ટિસ પટેલ અને તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી.
હાઇ કમિશનરે ત્યાર બાદ આ મામલો પ્રશાસન પાસે લઇ જવાની ખાતરી આપી હતી, જેથી નિવૃત્ત જજ અને તેમના પરિવાર માટે પૂરતું રક્ષણ પૂરું પાડી શકાય. 24 એપ્રિલ, 2024ના રોજ જસ્ટિસ પટેલની સિંગલ બેન્ચે દાઉદી વોહરા સમુદાયના ત્રેપનમા દાઇ અલ-મુતલક (ધર્મગુરુ) તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનનું સ્થાન બહાલ રાખતા એવી નોંધ કરી હતી કે તેમની નિયુક્તિ પ્રમાણિત છે.
2014માં આરંભમાં ખુઝાયમા કુતબુદ્દીન દ્વારા તેમના ભાઇ અને તત્કાલીન સૈયદના મહંમદ બુરહાનુદ્દીન (બાવનમા દાઇ) 102 વર્ષની વયે જાન્યુઆરીમાં અવસાન બાદ તુરંત દાખલ કરેલી અરજી જસ્ટિસ પટેલે રદબાતલ કરી હતી. બુરહાનુદ્દીનના બીજા પુત્ર મુફદ્દલ સૈફુદ્દીને તે પછી ત્રેપનમા સૈયદના તરીકે સૂત્રો સંભાળી લીધાં હતાં. 2016માં કુતબુદ્દીનના મૃત્યુ બાદ તેમના પુત્ર તાહેર ફખરુદ્દીને એવો દાવો કરીને અરજી કરી હતી કે તેમના પિતાએ તેમને સત્તા સોંપી છે.
ચુકાદામાં જસ્ટિસ પટેલે નોંધ કરી કે કુતબુદ્દીનને બાવનમા દાઇ તરીકે નિયુક્ત કરાયા એવું દર્શાવતા કોઇ પણ પુરાવા સુપરત કરવામાં અરજદાર નિષ્ફળ ગયા છે. જસ્ટિસ પટેલ પચીસમી એપ્રિલ, 2024ના રોજ નિવૃત્ત થયા હતા. અરજદારે ત્યાર બાદ ઉત્તરાધિકારીનો આ ચુકાદો હાઇ કોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો હતો, જ્યાં મામલો હાલમાં ચાલી રહ્યો છે.
(પીટીઆઇ)