Tue Jul 28 2026

Logo

સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતાએ CJP આંદોલનને આપ્યો ખુલ્લો ટેકો, ભાવિ પેઢી માટે અવાજ ઉઠાવવા આહ્વાન

2026-07-25 09:57:00
Author: Mayur Patel
Article Image

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પૂર્વ કેબિનેટ મંત્રી  જવાહર ચાવડા સીજેપીના સમર્થનમાં આવતાં જ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.  તેમણે પત્ર લખીને જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી યુવાનો વચ્ચે રહીને બેકારી, શિક્ષણ ક્ષેત્રની હાલાકી અને વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓથી તેમને થતાં અન્યાયથી વાકેફ થયા છે. ગાંધીના ગુજરાતમાં વિદ્યાર્થીઓ વારંવાર અન્યાય સહન કરી શાંત છે પણ આ પરિસ્થિતિ ભાજપ સરકાર માટે ભારેલા અગ્નિ જેવી છે તેવો ગંભીર ઈશારો પણ કર્યો હતો.

સત્તાધારી પક્ષના જ વરિષ્ઠ નેતા હોવા છતાં યુવાનોની આ વેદન અને આંદોલનને વાચા આપવા માટે તેમણે મુખ્યમંત્રી પાસે રૂબરુ મુલાકાતનો સમય માંગ્યો છે. જવાહર ચાવડાએ પક્ષની વિચારધારા કે રાજકીય સરહદોથી ઉપર ઉઠીને વાલી અને જાગૃત નાગરિકોને અપીલ કરી કે, પક્ષાપક્ષી, નાતજાત કે ધર્મના ભેદભાવને ભૂલીને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે એકજૂથ થઈને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. 

જવાહર ચાવડાના આ પત્રથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પોતાના જ પક્ષના નેતા દ્વારા સીજેપીના સમર્થનમાં ખુલ્લો ટેકો આપતાં પક્ષ દ્વારા શું પગલાં લેવામાં આવશે તેના પર નજર રહેશે.

કોણ છે જવાહર ચાવડા

જવાહર ચાવડા સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હતા.  માણાવદરથી તેઓ 1990માં માત્ર 26 વર્ષની ઉંમરે પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ 2019માં પક્ષપલટો કર્યો અને ભાજપમાં જોડાઈને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ તો મળી પણ હારી ગયા હતા. જે બાદ તેઓ સમયાંતસરે સરકાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે.