Mon Sep 07 2026

Logo

બુમરાહ કેમ ધારદાર બોલિંગ ન કરી શક્યો?: હેડ-કોચ જયવર્દનેએ આપ્યું ચોંકાવનારું નિવેદન

2026-05-23 20:11:27
Author: Ajay Motiwala
બુમરાહ કેમ ધારદાર બોલિંગ ન કરી શક્યો?: હેડ-કોચ જયવર્દનેએ આપ્યું ચોંકાવનારું નિવેદન

મુંબઈઃ જસપ્રીત બુમરાહ માટે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ થોડા વર્ષોથી ખાસ વર્કલૉડ મૅનેજમેન્ટની વ્યવસ્થા રાખી છે અને તેને વર્ષ દરમ્યાન અમુક મૅચ કે સિરીઝ કે ટૂર્નામેન્ટમાંથી આરામ આપવામાં આવતો હોય છે, પરંતુ તાજેતરમાં ભારતે જીતેલા ટી-20 વર્લ્ડ કપમાં બુમરાહ (Bumrah) ઈજા છતાં રમ્યો હતો અને ત્યાર પછી તેને એ ઈજા હોવા છતાં આઇપીએલ-2026માં રમ્યો હોવાથી શરૂઆતની મૅચોમાં તેની `ધારદાર' બોલિંગ નહોતી જોવા મળી, એવું મુંબઈ ઇન્ડિયન્સના હેડ-કોચ માહેલા જયવર્દનેએ અહીં શનિવારે પત્રકારોને કહ્યું હતું.

જયવર્દનેએ જર્નલિસ્ટોને એવું પણ કહ્યું હતું કે `આઇપીએલના આરંભ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના ફ્રૅન્ચાઇઝીએ બુમરાહને ઈજામાંથી બહાર આવવા તેમ જ સારવાર માટે પૂરતો સમય આપ્યો હતો. બુમરાહ વર્લ્ડ કપમાં ઈજા સાથે રમ્યો હતો એટલે એ ટૂર્નામેન્ટ બાદ અમે તેને પૂરતો આરામ આપ્યો હતો.'

વાસ્તવમાં મુંબઈ ઇન્ડિયન્સે ભારતના ચાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ બુમરાહ તેમ જ કૅપ્ટન હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને આઇપીએલના આરંભ અગાઉના પાંચ દિવસ પહેલાં જ પ્રી-સીઝન કૅમ્પમાં આવવાની છૂટ આપી હતી. બુમરાહે વર્લ્ડ કપમાં 14 વિકેટ લીધી હતી, પણ આઇપીએલમાં શરૂઆતની પાંચ મૅચમાં વિકેટ વગરનો તે રહ્યો અને કુલ 13 મૅચમાં તે માત્ર ચાર વિકેટ લઈ શક્યો છે.

જયવર્દનેએ પત્રકારોને કહ્યું, `બુમરાહ પહેલી ચાર-પાંચ મૅચમાં ઈજામાંથી ધીમે-ધીમે મુક્ત થયો હતો. તમે જોયું હશે કે એ મૅચોમાં એના કારણે તેના બૉલની ઝડપ ઓછી હતી. હવે તેની અસલ પેસ જોવા મળી રહી છે. છેલ્લી ચાર-પાંચ મૅચમાં તેણે અગાઉ કરતાં સારી પેસથી બોલિંગ કરી. જોકે ઈજામાંથી બહાર આવવાના આ સમયમાંથી પસાર થનાર કોઈ પણ બોલરની અસ્સલ ધારદાર બોલિંગ ન જ જોવા મળે.'