દિલ્હીમાં આવેલું 'જંતર-મંતર' લાંબા સમયથી આવા જાહેર આંદોલનો અને ધરણાં માટેનું સૌથી મોટું કેન્દ્ર રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવનારી 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના નેતૃત્વમાં જંતર-મંતર પર શિક્ષણ પ્રધાન સામે વિરોધ પ્રદર્શન કરાઈ છે. જોકે, આ વિરોધ પ્રદર્શન વચ્ચે, સામાન્ય લોકોમાં એ સવાલ જરૂર થાય છે કે શું કોઈ પણ વ્યક્તિ જંતર-મંતર પર જઈને આંદોલન શરૂ કરી શકે? અને આ માટે દિલ્હી પોલીસની સત્તાવાર મંજૂરી કેવી રીતે મળે છે? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...
ભારતીય બંધારણ ભલે આપણને એકઠા થવાનો અધિકાર આપે છે, પરંતુ જાહેર વ્યવસ્થા જાળવવા, સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે કાયદાકીય પરવાનગી લેવી ફરજિયાત છે. કોઈપણ રેલી, ધરણાં કે આંદોલનનું આયોજન કરતા પહેલા સત્તાવાર પરવાનગી લેવી પડે છે, જેથી પોલીસ તંત્ર ભીડને કાબૂમાં રાખવા, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય વ્યવસ્થા કરી શકે.
વાત કરીએ પરવાનગી મેળવવાની સત્તાવાર પ્રક્રિયા વિશે તો આંદોલન શરૂ કરવાના થોડા દિવસો પહેલા જ આયોજકોએ દિલ્હી પોલીસને લેખિતમાં અરજી આપવી પડે છે. અરજીની સાથે આયોજકોએ તે જગ્યા કે જમીનની જવાબદાર ઓથોરિટી પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ લેવું પડે છે. કટોકટી કે પછી કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં પોલીસ સીધો જેની સાથે સંવાદ સાધી શકે તેવા એક ચોક્કસ સંપર્ક અધિકારીનું નામ અને વિગતો પોલીસને સોંપવાની રહે છે. ભીડને નિયંત્રિત કરવા માટે આયોજકો તરફથી કેટલા સ્વયંસેવકો હાજર રહેશે, તેમના નામ અને ફોન નંબરની યાદી પણ એડવાન્સમાં પોલીસને આપવી પડે છે જેથી ઈમરજન્સીમાં કોઓર્ડિનેશન સરળ બને.
જંતર-મંતર પર પ્રદર્શન કરવાના કડક નિયમો
દિલ્હી પોલીસ વિરોધ પ્રદર્શન માટે ખૂબ જ કડક અને મર્યાદિત શરતો સાથે પરવાનગી આપે છે-
સમય મર્યાદા: જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનની મંજૂરી સામાન્ય રીતે માત્ર સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી જ હોય છે. સમય પૂરો થતાં જ પ્રદર્શનકારીઓએ તે જગ્યા ખાલી કરવી પડે છે.
લોકોની સંખ્યા પર મર્યાદા: જંતર-મંતર એક જાહેર અને વ્યસ્ત સ્થળ હોવાથી સુરક્ષા અને અતિશય ભીડભાડ અટકાવવા માટે પ્રદર્શનમાં ભાગ લેનારાઓની સંખ્યા સામાન્ય રીતે 1,000 લોકો સુધી જ મર્યાદિત રાખવાની શરત હોય છે.
હથિયારો પર પ્રતિબંધ: પ્રદર્શન સંપૂર્ણપણે અહિંસક હોવું જોઈએ. લાકડીઓ, તીક્ષ્ણ હથિયારો અથવા હિંસા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી કોઈપણ વસ્તુ લાવવા પર સખત પ્રતિબંધ હોય છે.
ટ્રાફિકમાં અવરોધ નહીં: આયોજકોની એ જવાબદારી હોય છે કે આજુબાજુના રસ્તાઓ પ્રદર્શનના કારણે બ્લોક ન થાય અને જાહેર વાહનવ્યવહાર સેવાઓ ખોરવાય નહીં.