રાજકોટઃ રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ પર યોજાનારા ભવ્ય લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાશે. રોસકોર્સ મેદાન પર દરરોજ 4થી 8 કલાક સુધી અનેક એવા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જોવા મળશે. આ માટે ખાસ પ્રકારનું સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.કાર્યક્રમને લઈને ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં નામાંકિત લોક કલાકારો પણ લોક સાહિત્યનો રસથાળ પીરસીને લોકમનોરંજન કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા કલાકારો કે સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
સમયમર્યાદા નક્કી કરાઈ
રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ. વી. દિહોરાએ આ સમગ્ર કાર્યક્રમ અંગે રૂપરેખા આપતા વિગતવાર સમજૂતી આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં યોજાનારા લોકમેળા દરમિયાન દરરોજ જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. લોકસંસ્કૃતિ અને ઐતિહાસિક પ્રસંગોની રજૂઆત થશે. દરરોજ સાંજે 4થી 8 કલાક દરમિયાન મેળામાં લોક ડાયરો,જુદા-જુદા રાજ્યોના લોકનૃત્યો, આપણા પ્રાચીન રાસ-ગરબા, સોલો પર્ફોમન્સ, કરાઓકે પર જૂના-નવા ગીતની સંગીતમય રજૂઆત, યોગા ગ્રૂપ દ્વારા જીમનાસ્ટિક દાવ, વાઘવૃંદ, યોગા ગ્રુપ તેમજ જીમનાસ્ટીક ગ્રુપ જેવા કાર્યક્રમો આપવા માગતા કલાકારો તથા સાંસ્કૃતિક ગ્રુપ પાસેથી અરજીઓ હાલ મગાવવામાં આવી છે.
આ તમામ અરજીની એક યાદી તૈયાર કરશે. એ પછી અરજીનું ચેકિંગ કરાશે અને પછી પસંદગી પામેલા કલાકારોને લોકમેળા દરમિયાન સ્ટેજ પર કાર્યક્રમ ફાળવવામાં આવશે.આ માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. જે માટે જે તે કલાકારોને અગાઉથી જાણ કરવામાં આવશે. આ માટે જે ફોર્મ છે એમાં જે તે વિગત ફરજિયાત ભરવાની રહેશે અને 17 ઓગસ્ટના બપોરે 12 વાગ્યા સુધીમાં જમા કરાવી દેવાનું રહેશે. આ સમયમર્યાદા પૂરી થઈ ગયા બાદ કોઈ કૃતિ કે અરજી માટેની અપીલને સ્વીકારવામાં આવશે નહીં. એ અરજી પણ માન્ય ગણાશે નહીં.
નામ ટૂંક સમયમાં જાહેર થશે
બીજી તરફ રેસકોર્સ ગ્રાઉન્ડ પર જે તે રાઈડ્સને લઈને પ્લોટ અંગે કામકાજ ચાલી રહ્યું છે. આ વખતે વધારાના 11 નવા સ્ટોલ માટે જગ્યા ફાળવીને તંત્રએ વેપારીઓને એક મોટો ચાન્સ આપ્યો છે. બીજી તરફ તેલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા હવે રાજકોટના લોકમેળામાં કોઈ પણ ડીશ સસ્તી નહીં હોય એવું હાલમાં માનવામાં આવી રહ્યું છે. તંત્ર તરફથી ખાસ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ પોલીસ વિભાગ તરફથી પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને નિરીક્ષણ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. એકવાર સંપૂર્ણ રીતે તમામ રાઈડ્સ અને સ્ટોલ તૈયાર થઈ ગયા બાદ લોકમેળાને વાજતેગાજતે ખુલ્લો મૂકવામાં આવશે. આ પહેલા લોકમેળાનું નામ નક્કી કરવામાં આવશે. ટૂંક સમયમાં લોકમેળાનું નામ જાહેર થઈ શકે છે.