Fri Sep 04 2026

Logo

US વીઝા વિવાદ પર જયશંકરની નારાજગી, રૂબિયોએ કહ્યું- 'ઇન્ડિયાને ટાર્ગેટ નથી કરી રહ્યા

2026-05-24 14:50:00
Author: Mumbai Samachar Team
US વીઝા વિવાદ પર જયશંકરની નારાજગી, રૂબિયોએ કહ્યું- 'ઇન્ડિયાને ટાર્ગેટ નથી કરી રહ્યા

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે વધતા વ્યૂહાત્મક અને વ્યાપારી સંબંધોની વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન વિઝા પ્રક્રિયા સાથે જોડાયેલી મુશ્કેલીઓનો મુદ્દો અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો સમક્ષ ઉઠાવ્યો છે.

નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત બાદ આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે જણાવ્યું કે, કાયદેસરના ભારતીય વિઝિટર્સને અમેરિકન વિઝા મેળવવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેની અસર વેપાર, ટેકનોલોજી અને રિસર્ચ (સંશોધન) ક્ષેત્રે પરસ્પર સહયોગ પર પડી શકે છે. બીજી તરફ, માર્કો રુબિયોએ સ્પષ્ટતા કરી હતી કે આ વ્યવસ્થા ભારતને નિશાન બનાવીને લાગુ કરવામાં આવી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે લાગુ થઈ રહેલી પ્રક્રિયાનો એક ભાગ છે.

જયશંકરે ઉઠાવ્યો વિઝા આપવામાં વિલંબનો મુદ્દો

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જયશંકરે જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા સંબંધોની સૌથી મોટી શક્તિ બંને દેશોના લોકો વચ્ચેનો મજબૂત સંબંધ છે. તેમણે અમેરિકન વિદેશ મંત્રીને જણાવ્યું કે, કાયદેસરના મુસાફરોને વિઝા આપવામાં થઈ રહેલી મુશ્કેલીઓ ચિંતાનો વિષય છે. તેમણે ઉમેર્યું કે ભારત ગેરકાયદેસર અને અનિયમિત સ્થળાંતરને રોકવામાં સહયોગ કરી રહ્યું છે, પરંતુ તેના કારણે કાયદેસરનો પ્રવાસ પ્રભાવિત ન થવો જોઈએ.

વેપાર અને રિસર્ચ સહયોગ પર અસરની આશંકા

વિદેશ મંત્રીએ જણાવ્યું કે વિઝા પ્રક્રિયામાં વિલંબ અને જટિલતાઓની અસર બંને દેશો વચ્ચેના વેપાર, ટેકનોલોજીકલ ભાગીદારી અને રિસર્ચ (સંશોધન) સહયોગ પર પડી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને વેપારીઓ અમેરિકાની મુસાફરી કરે છે, તેથી કાયદેસરની મુસાફરી પ્રક્રિયાને સરળ રાખવી જરૂરી છે.

ભારતને ટાર્ગેટ નથી કરાયુંઃ રૂબિયો

જયશંકરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા માર્કો રુબિયોએ જણાવ્યું કે, આ વ્યવસ્થા માત્ર ભારત માટે જ નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં લાગુ કરવામાં આવી રહી છે. 

દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત

રવિવારે નવી દિલ્હીમાં બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષીય વાતચીત યોજાઇ. જેમાં વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, ટેકનોલોજી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.