બેલફાસ્ટઃ શુક્રવારે ભારતને 34 રનથી પરાજિત કરીને પોતાના ક્રિકેટ ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાવનાર આયરલૅન્ડની ટીમના ભારતીય મૂળનો બોલર જય મુંદરા હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. પહેલી વાત તો એ છે કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના પહેલા જ બૉલમાં વિકેટ લીધી હતી. બીજું, તે આયરલૅન્ડ (Ireland)માં વર્ક પરમિટની તલાશમાં છે જે તેને ટૂંક સમયમાં આસાનીથી મળી જવાની સંભાવના છે.
લેફ્ટ-આર્મ પેસ બોલર જય મુંદરા (Jai Moondra) ક્રિકેટમાં કરીઅર આગળ વધારતાં પહેલાં આયરલૅન્ડમાં જે કંપનીમાં નોકરી કરતો હતો એના માલિકો તરફથી મળેલી વર્ક પરમિટની એક્સપાયરી ડેટ નજીક આવી રહી છે. તે પહેલી જ ઇન્ટરનૅશનલ સિરીઝ રમી રહ્યો છે એટલે આયરલૅન્ડના ક્રિકેટ બોર્ડ સાથે (ટીમના ટોચના ખેલાડીઓની જેમ) તેનો કોઈ સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ પણ નથી. તેને ભારત સામેની શુક્રવારની અને રવિવારની મૅચની માત્ર મૅચ-ફી મળશે. જોકે શુક્રવારે ભારતને શર્મનાક પરાજય અપાવવામાં જય મુંદરાએ જે મહત્ત્વની ભૂમિકા ભજવી એ જોતાં તેને બહુ જલદી વર્ક પરમિટ મળી જવાની ધારણા છે.
Jai Moondra, who made his Ireland debut yesterday was born in Rajasthan. He had a dream start to his international career, dismissing Sanju Samson with the very first ball he bowled. He later removed Dube as well and finished with figures of 2/25. Jai moved to Ireland in 2021 to… pic.twitter.com/v0dFYdEbxk
— Vijay Anaparthi (@VijayCricketFan) June 27, 2026
સૅમસન અને બર્થ-ડે બૉય શિવમની વિકેટ, ત્રીજી વિકેટ પણ મળી હોત!
29 વર્ષીય એન્જિનિયર જય મુંદ્રા (4-0-25-2)એ આયરલૅન્ડ તરફથી ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારતીય ટીમની ઈનિંગ્સની બીજી ઓવરના પ્રથમ બૉલ પર જ વિકેટ લીધી હતી. રાજસ્થાનના ટોંકના રહેવાસી જયે સંજુ સૅમસનને પાંચ રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. કલાકે 139 કિમીની ઝડપવાળો બૉલ ફેંકીને તેણે આ વિકેટ હાંસલ કરી હતી. પછીથી તેણે બર્થ-ડે બૉય શિવમ દુબે (પચીસ રન)નો પોતાના જ બૉલમાં કૅચ ઝીલ્યો હતો. મુંદરાની અંતિમ ઓવરના આખરી બૉલમાં જો હૅરી ટેક્ટરે હર્ષિત રાણાનો આસાન કૅચ ન છોડ્યો હોત તો મુંદરાના નામે બેને બદલે ત્રણ વિકેટ લખાઈ હોત અને કદાચ તે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હોત.
સાથી ખેલાડી હૅમ્ફ્રેઝની જેમ `પ્રથમ વિકેટ'
મૅટ હૉલાર્ડ (4-0-28-3) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો, પણ જય મુંદરાનું જીતમાં મહત્ત્વનું યોગદાન હતું. મુંદરાની માફક અગાઉ (2023માં) પોતાની પહેલી જ ટી-20 ઇન્ટરનૅશનલ મૅચના પહેલા બૉલ પર વિકેટ લેનાર મૅથ્યૂ હમ્ફ્રેઝે પણ શુક્રવારે હૉલાર્ડની જેમ ત્રણ વિકેટ લીધી હતી. ભારત 183 રનના લક્ષ્યાંક સામે 148 રન પર ઑલઆઉટ થતાં 34 રનથી હારી ગયું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામે આયરલૅન્ડની આ પહેલી જ જીત હતી.