જૂનાગઢ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ છે, દરેક રાજકીય પાર્ટીઓ પોતાનું કાઠું કાઢવા મથી રહી છે. ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતનો ઝંડો ફરકાવવા માટે ભેંસાણમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે નામ લીધા વિના જ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લોકોને પ્રશ્ન કર્યો હતો કે ભેંસાણ અને વિસાવદરના લોકોને શું ઓછું પડ્યું કે આવી ભૂલ ખાધી?
જૂનાગઢ જિલ્લાના ભેંસાણના સેવા સહકારી મંડળી ગોડાઉન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 'વિકાસ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જગદીશ વિશ્વકર્મા, વિમલ ચુડાસમા, હર્ષદ રિબડીયા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. જાગીધસ વિશ્વકર્માએ સભાને સંબોધતા વિધાનસભાની પેટા ચુંટણીને યાદ કરીને કહ્યું હતું કે તે સમયે તમારો કિરીટ પટેલ પ્રત્યેનો પ્રેમ થોડો મોળો પડ્યો પણ તેમ છતાં કિરીટભાઈ અને હર્ષદભાઈની યાત્રા સતત રહી છે.
તેમણે કહ્યું હતું કે ભાજપનો કાર્યકર હમેશાં સંઘર્ષ કરતો રહે છે, આ માટે પશ્ચિમ બંગાળ અને કેરળમનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે 370 કલમો હટાવવા સહિતની બાબતને યાદ કરીને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સરદાર સરોવર ન બને તે માટે કોંગ્રેસે વર્ષો સુધી કામ કર્યું છે તેવો આક્ષેપ કર્યો હતો.
તેમણે આપનું નામ લીધા વિના જ કહ્યું હતું કે ઘણા લોકો છે કે ચૂંટણી આવે એટલે દેખાય અને જતી રહે એટલે ગાયબ થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે તેઓ સફેદ ટોપી વાળાઓની આ ટેવ છે. માણસો એકવાર છેતરાય જાય છે પણ તેમણે વિસાવદર અને ભેંસાણના લોકો પર બીજી વખત નહિ છેતરાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે સિંચાઇ કે જેવી કોઈ સુવિધા ન આપી તે માટે જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાંથી મોટાપાયે સ્થાળાંતર થયું, ભાજપ સરકારે સીંચાઈની યોજનાનો લાભ આપ્યો અને આજે તેનો ફાયદો સૌરાષ્ટ્રના ખેડૂતોને મળ્યો છે. તેમણે કહ્યું હતું કે પંજાબના ખેડૂતો રોકકળ કરી રહ્યા છે, ટેકાના ભાવે પાકની ખરીદી થતી નથી, આ દિલ્હી વાળી પાર્ટી પર એકવાર ભુલા પડ્યા પણ બીજી વાર ભુલા ન પડવા હાકલ કરી હતી.