Thu May 28 2026

Logo

કાચું હોય તો શાક અને પાકે તો મધ જેવું મીઠું ફળ! 36 કિલોનું આ છે દુનિયાનું સૌથી મોટું ફ્રૂટ, તમે જાણો છો આ અનોખા ફ્રૂટ વિશે?

2026-05-28 18:29:45
Author: Darshana Visaria
Article Image

શાકાહારીઓ માટે 'વેજ બિરયાની' થી લઈને સ્વાદિષ્ટ શાક બનાવવામાં સૌથી લોકપ્રિય એવું ફણસ સોશિયલ મીડિયા પર અવારનવાર જોરદાર ચર્ચા અને વાદ-વિવાદનો વિષય બને છે. ઘણા લોકો તેને શાકભાજી માને છે, તો ઘણા તેને ફળ ગણાવે છે. અંગ્રેજીમાં તેને 'જેકફ્રૂટ' કહેવામાં આવે છે, જેમાં 'ફ્રૂટ' (ફળ) શબ્દ પહેલેથી જ જોડાયેલો છે, જેના લીધે કન્ફ્યુઝન વધુ વધે છે. તમારું આ કન્ફ્યુઝન આજે અમે અહીં દૂર કરવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે જ ફણસને લઈને કેટલાક હિડન ફેક્ટ્સ પણ જણાવીશું... 

પરંતુ, શું તમે જાણો છો કે વિજ્ઞાન એટલે કે બોટનીની નજરમાં ફણસ અસલમાં શું છે? આ રસપ્રદ અને મજેદાર સવાલનો સાચો વૈજ્ઞાનિક જવાબ, તેના છ હજાર વર્ષ જૂનો ઇતિહાસ અને બાંગ્લાદેશ સાથેનું તેનું ખાસ કનેક્શન વિશે આજે આપણે અહીં વિસ્તારથી વાત કરીશું. 

બોટની ફણસને કઈ દ્રષ્ટિએ જુએ છે?

બોટાનિકલ સાયન્સના નિયમો અનુસાર, ફણસ મૂળભૂત રીતે એક ફળ જ છે અને એની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે ફણસના ઝાડ પર પહેલાં ફૂલો આવે છે અને તે ફૂલોમાંથી જ આ ફળનો વિકાસ થાય છે. આ ઉપરાંત ફણસની અંદર મોટા પ્રમાણમાં બીજ (ગોટલા/બીયાં) જોવા મળે છે. બોટનીના નિયમ મુજબ જે પણ વનસ્પતિ ફૂલમાંથી બને અને તેની અંદર બીજ હોય, તેને ફળની કેટેગરીમાં જ મૂકવામાં આવે છે.

કાચું ફણસ છે શાક
જ્યારે ફણસ નાનું અને કાચું હોય છે, ત્યારે તે અંદરથી અત્યંત કઠણ હોય છે અને તેનો રંગ ક્રીમી સફેદ હોય છે. ખાસ વાત એ છે કે કાચા ફણસનો કોઈ સ્વાદ જ નથી હોતો. ન તે ખાટો, મીઠો કે ખારો લાગે છે. ફણસનું ટેક્સચર એકદમ રેશાદાર એટલે કે મીટ જેવું હોય છે. ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા એશિયન દેશોમાં સદીઓથી આ કાચા ફણસનો ઉપયોગ મસાલેદાર શાક, અથાણું કે વેજ બિરયાની બનાવવામાં થાય છે. ટૂંકમાં કહેવાનું થાય તો જો ફણસ કાચું હોય તો તે શાકભાજી છે.

પાકેલું ફણસ છે ફળ

જ્યારે ફણસ ઝાડ પર જ પાકી જાય છે, ત્યારે તેનો રંગ અંદરથી સરસ પીળો થઈ જાય છે. તે એકદમ સોફ્ટ, મુલાયમ અને રસદાર બની જાય છે. તેનો સ્વાદ અનાનસ અને કેળાના મિશ્રણ જેવો અદભુત મીઠો થઈ જાય છે. આ પાકી ગયેલા ફણસને લોકો સીધું જ ફળ તરીકે હોંશે-હોંશે ખાવાનું પસંદ કરે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તમામ ફળ-શાકભાજીમાં ફણસ એ એક એવું અદભુત ફળ છે કે જેનો એક પણ હિસ્સો ફેંકવો પડતો નથી અને તે ઝીરો વેસ્ટેજ ફૂડ આઈટમ્સમાં આવે છે. ફણસનું શાક કે ફળ ખાધા પછી, તેની અંદરથી નીકળતા મોટા બીજને પણ લોકો ઉકાળીને, શેકીને કે તેનું શાક બનાવીને ખૂબ જ સ્વાદથી ખાય છે.

ફણસ વિશેના ત્રણ ક્રેઝી અને રોમાંચક ફેક્ટ્સ


દુનિયાનું સૌથી મોટું ફળ:

ફણસની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને વજનદાર ફળોમાં થાય છે. તે મહત્તમ 90 સેન્ટિમીટર સુધી લાંબુ હોઈ શકે છે અને તેનું વજન 36 કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. એટલું જ નહીં પરંતુ ફણસનું ઝાડ પણ ખૂબ જ ઝડપથી મોટું થાય છે.

બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ફળ:

ફણસને આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તાવાર રીતે 'રાષ્ટ્રીય ફળ'નો દરજ્જો આપવામાં આવ્યો છે અને અહીંના લોકો ફણસને ખૂબ જ માન-સન્માનની નજરે જુએ છે. 

6,000 વર્ષ જૂનો શાહી ઇતિહાસ:

જી હા, કૃષિ વૈજ્ઞાનિકોના મતે ફણસનો ઈતિહાસ આશરે 3,000થી 6,000 વર્ષ જૂનો છે. આ જ કારણ છે કે ફણસની ગણતરી માનવીય ઈતિહાસના સૌથી જૂના અને પરંપરાગત ફળોમાં કરવામાં આવે છે.

વધુ જુઓ...