Fri Sep 04 2026

Logo

જબલપુર ક્રૂઝ દુર્ઘટના: મેં પપ્પાનો હાથ પકડી લીધો, મમ્મી-ભાઈ લાપતા છે; બાળકીએ વર્ણવી આપવીતી

2026-05-01 12:48:00
Author: Mayur Patel
જબલપુર ક્રૂઝ દુર્ઘટના: મેં પપ્પાનો હાથ પકડી લીધો, મમ્મી-ભાઈ લાપતા છે; બાળકીએ વર્ણવી આપવીતી

જબલપુરઃ મધ્ય પ્રદેશના જબલપુરમાં ગુરુવારે સાંજે  એક ક્રૂઝ અચાનક આવેલા ભારે વાવાઝોડાને કારણે ડૂબી ગયું હતું. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. 24 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 9થી વધુ લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટના સમયે ક્રૂઝમાં લગભગ 40 થી 45 પ્રવાસીઓ સવાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

મા અને ભાઈ મળતા નથી, નાની મરી ગયા

સામે આવેલા વીડિયોમાં બાળકીને પૂછવામાં આવ્યું કે શું થયું હતું? રેસ્ક્યૂ ટીમની વેનમાં ગભરાયેલી બેઠેલી બાળકીએ ધ્રૂજતા અવાજે કહ્યું- અચાનક ક્રૂઝ પલટી ગયું હતું, આખા ક્રૂઝમાં પૂર જેવું પાણી આવી ગયું. બધા વેરવિખેર થઈ ગયા. મને ગમે તેમ કરીને મારા પપ્પા મળી ગયા તો મેં તેમનો હાથ પકડી લીધો. મારી મા અને ભાઈ મળતા નથી. નાના મળી ગયા છે, પણ નાની મરી ગયા છે, તેમની ડેડ બોડી મળી છે.

કેમ થયો આટલો મોટો અકસ્માત?

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ક્રૂઝ પહેલેથી જ ડોલવા લાગ્યું હતું, પરંતુ તેમ છતાં ચાલકે તેને તરત જ કિનારે લાવવાનો પ્રયાસ કર્યો નહીં, જે અકસ્માતનું કારણ બન્યું હતું.

એક પરિવારના 15 લોકો સવાર હતા

આયુધ નિર્માણી ખમરિયાના A3 સેક્શનમાં કાર્યરત કર્મચારી કામરાજ આર્ય પરિવારના 15 લોકો સાથે ફરવા ગયા હતા. કામરાજના માતા-પિતા પણ સાથે હતા, પરંતુ તેઓ ડેમના કિનારે બેઠા હતા. કામરાજ સાથે તેમની પત્ની, ભાભી અને બાળકો ક્રુઝમાં ફરવા ગયા હતા. કામરાજ મૂળ કર્ણાટકના રહેવાસી છે. કામરાજના એક પુત્રને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે કામરાજ, તેમની પત્ની અને પુત્ર હજુ પણ ગુમ છે.

મુખ્ય પ્રધાને વળતરની જાહેરાત કરી

આ ક્રૂઝ દુર્ઘટનામાં મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પીડિતો અને તેમના પરિવારજનોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.