Thu May 07 2026

Logo

અમેરિકા-ઈરાન સીઝફાયર વચ્ચે ઈઝરાયલે કર્યો મોટો દાવો, હિઝબુલ્લાહના વડા નઈમ કાસિમને કર્યો ઠાર

Tel Aviv   2026-04-09 14:56:00
Author: Mayur Patel
Article Image

તેલ અવીવઃ અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર મુદ્દે સહમતિ ભલે બની હોય પરંતુ મિડલ ઈસ્ટમાં તણાવ હજુ પણ છે. આ દરમિયાન ઈઝરાયલે મોટો દાવો કર્યો છે. હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના ભત્રીજા અલી યુસુફ હારશીને માર્યાનો મોટો દાવો કર્યો છે. જોકે હજુ સુધી હિઝબુલ્લાહ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ઈઝરાયલી સેનાએ કહ્યું, આઈડીએફના બેરુત વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો અને હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના પર્સનલ સેક્રેટરી તથા ભત્રીજા અલી યુસુફ હારશીને ઠાર કર્યો હતો.

એક રિપોર્ટ મુજબ, ઈઝરાયલે લેબનાનની રાજધાની બેરુતમાં રાતભર હુમલા કરીને હિઝબુલ્લાહની ચીફ નઈમ કાસિમને માર્યો હતો. જો હિઝબુલ્લાહ નઈમ કાસિમના ભત્રીજાના મોતની પુષ્ટિ કરે તો આ સશસ્ત્ર ગ્રુપ અને તેહરાનને મોટો ઝટકો હશે. હિઝબુલ્લાહ મિડલ ઈસ્ટમાં ઈરાનના મુખ્ય સહયોગીઓ પૈકીનું એક છે.

કોણ છે નઈમ કાસિમ

નઈમ કાસિમનો જન્મ દક્ષિણ લેબનોનના નબાતીયેહ પ્રાંતના કફર કિલા ગામમાં થયો હતો. કાસિમ હિઝબુલ્લાહના મુખ્ય વિચારકોમાંના એક અને તેના સ્થાપક સભ્યોમાંના એક છે. કાસિમે 1970માં લેબનીઝ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી હતી, સાથે જ ઇસ્લામિક વિદ્વાન આયાતુલ્લા મોહમ્મદ હુસૈન ફદલલ્લાહના માર્ગદર્શન હેઠળ પોતાનો ધાર્મિક અભ્યાસ પણ આગળ વધાર્યો હતો. તેઓ 1974-1988 સુધી 'એસોસિએશન ફોર ઇસ્લામિક રિલિજિયસ એજ્યુકેશન'ના વડા હતા અને લેબનીઝ મુસ્લિમ સ્ટુડન્ટ્સ યુનિયનના સ્થાપક સભ્ય પણ હતા.

ઈરાન સાથે સીઝફાયર પર થયેલી સહમતિ બાદ પણ લેબનાન પર ઈઝરાયલે હુમલા કર્યા છે. તેમાં 250થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલામાં લેબનાનના ઈમામનું પણ મૃત્યુ થયું છે. ઈઝરાયલાના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, સીઝફાયરમાં લેબનાન સામેલ નહીં થાય.

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ લેબનાન પર હુમલા રોકવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો લેબનાન પર હુમલા નહીં રોકવામાં આવે તો ઈરાન સીઝફાયરની સમજૂતીને રદ્દ કરશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ઈરાન-અમેરિકા યુદ્ધવિરામની શરતો સ્પષ્ટ છે.