Fri Sep 04 2026

Logo

ઈરાનના સમર્થનમાં હિઝબુલ્લાહ મેદાને, ઈઝરાયલના વળતા હુમલાથી તણાવ ચરમસીમાએ

Jerusalem   2026-03-02 08:28:00
Author: Devayat Khatana
ઈરાનના સમર્થનમાં હિઝબુલ્લાહ મેદાને, ઈઝરાયલના વળતા હુમલાથી તણાવ ચરમસીમાએ

જેરૂસલેમ: ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મૃત્યુ બાદ હિઝબુલ્લાહે ઈઝરાયેલ વિરુદ્ધ જંગ છેડી દીધી છે. ખામેનેઈના મોતથી રોષે ભરાયેલા હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા છે, જેના જવાબમાં ઈઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતમાં એર સ્ટ્રાઈક કરીને ભારે તબાહી મચાવી છે. અમેરિકા અને ઈઝરાયેલ હાલ ઈરાન પર સતત હુમલા કરી રહ્યા છે, જ્યારે ઈરાન પણ ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે. 

હિઝબુલ્લાહના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલમાં સાયરન ગુંજી ઉઠ્યા હતા, ખાસ કરીને ઉત્તરી સરહદ નજીકના વિસ્તારોમાં મિસાઈલો પડી હતી. જોકે, પ્રારંભિક અહેવાલો મુજબ આ મિસાઈલો ખુલ્લા વિસ્તારોમાં પડતા કોઈ મોટું નુકસાન થયું નથી. ઈરાનના સમર્થનમાં ખુલ્લેઆમ ઉતરેલા હિઝબુલ્લાહે આ યુદ્ધમાં ઈરાનને સંપૂર્ણ સાથ આપવાની જાહેરાત કરી છે.

 ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં અગાઉ પણ ઘણા કમાન્ડરો માર્યા ગયા છે, અને હવે આ નવી કાર્યવાહીએ બંને વચ્ચેની જૂની દુશ્મનાવટની જ્વાળાઓ ફરી ભડકાવી દીધી છે. જો કે હવે આ હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયલે પણ હુમલો કર્યો હતો. મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આજે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર ઈઝરાયેલે મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સંઘર્ષની શરૂઆત અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાઓથી થઈ હતી, જેમાં ખામેનેઈ અને અનેક ટોચના સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા હોવાનું મનાય છે. ઈરાને વળતો જવાબ આપતા ઈઝરાયેલ તથા ગલ્ફના આરબ દેશો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ સ્થિતિને પગલે અમેરિકા, બહેરીન, જોર્ડન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈએ સંયુક્ત નિવેદન બહાર પાડીને ઈરાનના આ હુમલાઓની આકરી નિંદા કરી છે અને ક્ષેત્રમાં સ્થિરતા જાળવવા પર ભાર મૂક્યો છે.