Tue Mar 10 2026

Logo

કીટી પાર્ટીનું કલ્ચર ફાયદાકારક કે પછી...

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

જૂઈ પાર્થ

સાતડ પાંચડ પિંચોતેર ઓહ! અનલકી ફોર સમ, નંબર થર્ટીન અડધી સદી, પચ્ચાસ. ચાલો ચાલો,

બકઅપ ફર્સ્ટ લાઈન, સેક્ધડ લાઈન, થર્ડ લાઈન, ફોર કોર્નર્સ એન્ડ થ્રી ફુલ-હાઉસ!

હા, આ છે મમતાબહેનની કીટી પાર્ટી. મમતાબહેન ચાર કીટીમાં જોડાયા છે, સોસાયટીની, સ્કૂલ ફ્રેન્ડ્સની, કઝીન્સની અને ફેમિલીની. 

સોસાયટીની 2000₹ની, કઝીન અને ફેમિલીની 5000ની કીટી દર મહિને હોય. સ્કૂલ ફ્રેન્ડ્સની 12,000₹ની કીટી બે મહિને એકવાર આવે. એકેય કીટી ઘેર ના હોય. બધુંય બારોબાર કોઈ સારા કેફે, ક્લબ કે રેસ્ટોરન્ટમાં જ પતાવી દેવાનું.

કીટીવાળી બધી બહેનો કહે કે આખા દિવસનાં વૈતરામાંથી છૂટવા તો કીટીમાં જોડાઈએ છીએ. માટે એ તો ઘેર નહીં જ થાય. આમ ચાર કીટી અને બીજા સામાજિક કાર્યક્રમોનાં કારણે મમતાબહેન ખૂબ વ્યસ્ત રહે. કીટીનાં રૂપિયા પતિ આપે પણ કીટી લાગે એ રૂપિયા પતિ -પત્ની અડધા અડધા વહેંચી લે.

મમતાબહેન સ્વભાવે મળતાવડા અને આનંદી.  કીટી પાર્ટીમાં હાઉસી ઉપરાંતની રમતો એવી સરસ રમાડે કે ત્યાં હાજર સહુને મજા પડે. ધીમે ધીમે મમતાબહેનને શહેરનાં વિવિધ ગ્રુપની કીટીમાં જોડાવાનું આમંત્રણ મળવા લાગ્યું.

એક-બેમાં તો એ આંખની શરમે જોડાયા પણ ખરા. પણ બે-ત્રણ મહિનામાં એમને પોતાને ખ્યાલ આવ્યો કે આવા સોશિયલાઈઝિંગનો તો કોઈ અંત જ નથી, કારણ કે પહેલાની ચાર અને બીજી બે એમ છ કીટીમાં મમતાબહેનન ઘર,બાળકો, પતિ, પરિવાર પ્રત્યે બેદરકાર થઈ રહ્યા હતાં. માટે છેવટે થાકીને એ નવી બે કીટીમાંથી નીકળી ગયાં 

ભારતનાં નાનાં-મોટાં શહેરોમાં કીટી પાર્ટીનો વ્યાપ વધ્યો છે. મોટભાગની બધી બહેનો વધારે નહીં તો એક કીટીમાં તો જોડાયેલી હોય છે  તો આ કીટી પાર્ટી, કીટી કલ્ચર એટલે શું અને એની શરૂઆત કેવી રીતે થઈ હશે એ જાણવાની જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. એવું કહેવાય છે કે ભારતમાં કીટી પાર્ટીની શરૂઆત 1947ના ભાગલા સમયે થઈ હતી. એ એક એવો સમય હતો કે જ્યારે આર્થિક અસ્થિરતા સમાજમાં પ્રવર્તમાન હતી. કોઈની જમીન ગઈ હતી તો કોઈનું ઘર, કોઈએ સગાં ગુમાવ્યા હતાં તો કોઈ પોતાના લોકોથી દૂર થયા હતાં. 

આવા સમયે સ્ત્રીઓએ નાની નાની બચત કરી આર્થિક સ્થિરતા મેળવવાનાં પ્રયત્નો કર્યાં. એમાંનો એક પ્રયત્ન એટલે કીટી પાર્ટી. એમાં જોડાયેલી દરેક સ્ત્રી નક્કી કરેલ રૂપિયા લાવે છે. બધાનાં રૂપિયા ભેગા કરીને દરેકનાં નામની ચિઠ્ઠી બનાવી એક ચિઠ્ઠી ઉપાડવામાં આવે છે. એ ચિઠ્ઠીમાં જેનું નામ આવે એ સ્ત્રી ભેગા થયેલાં બધાં રૂપિયા લઈ જાય છે. આ રીતે એક દરેક સ્ત્રીનો વારો આવે છે. દર મહિને થોડા થોડા રૂપિયા આપી જે સમયે કીટી લાગે એ સમયે બધા રૂપિયા એકસાથે મળે એ બચતનો ભાગ બને.

જો કે બચત એ કીટીનો એકમાત્ર લાભ નથી. કીટી પાર્ટીનાં બહાને સ્ત્રીઓને ઘરની બહારની દુનિયા જોવાનો પણ મોકો મળે છે જેમાં એ પોતે કોઈ પણ પ્રકારની જવાબદારી વિના મરજી મુજબનું હસી બોલી ખાઈ પી શકે છે. સાથે એવી બહેનપણીઓ પણ બનાવી શકે છે જેમની સાથે એ મનની વાત કરી શકે. લગભગ સરખી ઉંમરની સ્ત્રીઓ હોય તો શક્ય છે એમની મુંઝવણ અને મુશ્કેલીઓ પણ સરખા હોય, તો કીટી ગ્રુપમાં મળીને એમને લાગે છે કે સામાજિક, સ્ત્રી લક્ષી કે સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ એમને એકલાને નહીં પણ એમના જેવા ઘણા બધાને હોય છે. કીટી પાર્ટીમાં સ્ત્રીઓ છૂટથી બોલી શકે છે અને મુક્ત મને હસી પણ શકે છે, કારણ કે એ જાણે છે કે ત્યાં બીજી સ્ત્રીઓ પણ પોતાના જેવી જ છે. મોકળામને એ પોતાની મુશ્કેલી માટે સલાહ પણ માગી શકે છે, જે એના માટે કોઈ એક થેરાપીથી ઓછું નથી. કીટી પાર્ટીમાં જતી સ્ત્રી પોતાની જાત માટે સમય ફાળવે છે જે દુનિયાનાં સૌથી મોંઘા રોકાણ કરતાં પણ વધુ કીમતી છે.

જો કે કીટી પાર્ટીની શરૂઆત થઈ એ સમય કરતાં અત્યારની કીટી પાર્ટી અલગ છે. કોઈ ઠેકાણે આ પાર્ટીઓનો અતિરેક પણ જોવા મળે છે. પહેલાંનો બચતનો મુદ્દો ગૌણ અને દેખાડો વધી ગયો હોય એમ પણ લાગે છે. કોણે કઈ બ્રાન્ડના કપડાં પહેર્યા છે, કઈ ગાડીમાં આવ્યા, વેકેશનમાં ક્યાં ફરવા જવાના વગેરે વાતો પરથી સામેવાળી સ્ત્રીની આર્થિક પરિસ્થિતિ માપવામાં આવતી હોય છે. આને કારણે એવું કોઈને લઘુતાગ્રંથિ થાય તો કોઈ ખેંચાઈને કે સોશ્યલ-ઈમોશનલ દબાણ હેઠળ કીટીનાં રૂપિયા ભરતું હોય એવું પણ થાય છે. આમ દરેક વ્યવસ્થા દરેક સ્ત્રીને દરેક સ્તરે માફક આવે એ જરૂરી તો નથી તો પછી કીટી પાર્ટી વિશે બોલો, 

તમે શું કહો છો?