Sat Aug 29 2026

Logo

દ્વારકાના દરિયામાંથી 5 કરોડની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ; 4 શખ્સો ઝડપાયા

2026-02-22 15:02:00
Author: Devayat Khatana
દ્વારકાના દરિયામાંથી 5 કરોડની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ; 4 શખ્સો ઝડપાયા

પોરબંદર: ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં દ્વારકાથી પશ્ચિમમાં અંદાજે ૧૧૫ નોટિકલ માઈલ દૂર ભારતીય જળસીમામાંથી એક શંકાસ્પદ વિદેશી બોટને ઝડપી પાડવામાં આવી હતી. 'અલ મુખ્તાર' નામની આ ઈરાની બોટમાં ચાર ક્રૂ મેમ્બરો સવાર હતા. કોસ્ટ ગાર્ડના જહાજ દ્વારા બોટને અટકાવીને તેની તપાસ કરવામાં આવતા, બોટના ગુપ્ત ખાનાઓમાંથી વિદેશી બ્રાન્ડની સિગારેટના ૨૦૦ કાર્ટન મળી આવ્યા હતા, જેમાં અંદાજે એક લાખ જેટલા પેકેટ છુપાવવામાં આવ્યા હતા.
 

આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા જથ્થાની કિંમત આશરે રૂ. ૨.૫ થી ૫ કરોડ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ વિદેશી બોટ અને તેના ચાર ઈરાની ક્રૂ સભ્યોને વધુ તપાસ અને પૂછપરછ માટે પોરબંદર બંદરે લાવવામાં આવી રહ્યા છે. આ મામલે વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવશે, જેથી આ દાણચોરી પાછળના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે જ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદર નજીક અરબી સમુદ્રમાં એક સફળ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં એક શંકાસ્પદ ફિશિંગ બોટમાંથી ૨૦૦ કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો.  આ ઓપરેશન દરમિયાન ઈરાનથી આવી રહેલી એક શંકાસ્પદ ફિશિંગ બોટને આંતરવામાં આવી હતી, જેમાંથી ૨૦૦ કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો. 

આ કાર્યવાહી દરમિયાન ફિશિંગ બોટમાં સવાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ આ ડ્રગ્સના જથ્થાને દરિયાઈ માર્ગે ઘુસાડવાની પેરવીમાં હતા. પકડાયેલા બંને આરોપીઓ અને જપ્ત કરાયેલા ડ્રગ્સના જથ્થાને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યા હતા.