Wed Jun 17 2026

Logo

ઈરાનમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ: કુદરતી આફત કે પરમાણુ પરીક્ષણ?

Tehran   2026-03-07 11:59:00
Author: MayurKumar Patel
Article Image

તેહરાન: અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રણભૂમિમાં મિસાઈલોના ધડાકાઓ વચ્ચે આવેલા આ ભૂકંપે સ્થાનિક રહેવાસીઓ સહિત વૈશ્વિક નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને યુદ્ધની સ્થિતિમાં જ્યારે ઈરાન ચોતરફથી ઘેરાયેલું છે, ત્યારે આ ભૂકંપના આંચકાઓએ અનેક તર્ક-વિતર્ક અને આશંકાઓને જન્મ આપ્યો છે.

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) ના અહેવાલ મુજબ શનિવારે ઈરાનના દરિયાકાંઠાના શહેર બંદર અબ્બાસના પશ્ચિમ વિસ્તારમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ આંચકા એટલા પ્રબળ હતા કે લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. બંદર શહેર હોવાને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા પગલાંની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઈ મોટી જાન-માલની નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

ભૂકંપ કે પરમાણુ પરીક્ષણ? 
છેલ્લા ચાર દિવસમાં ઈરાનમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેને કારણે સંરક્ષણ વિશ્લેષકોમાં શંકા જન્મી છે. ઘણા નિષ્ણાતો માની રહ્યા છે કે આ માત્ર કુદરતી ઘટના હોઈ શકે, પરંતુ વર્તમાન તણાવને જોતા તેને ઈરાનના સંભવિત 'અન્ડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ટેસ્ટ' સાથે પણ જોડીને જોવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે 4.5 કે તેથી વધુની તીવ્રતા પરમાણુ ધડાકાનો સંકેત ગણાય છે, જોકે આ ભૂકંપ પરમાણુ પરીક્ષણ હતું કે કેમ તેની વૈજ્ઞાનિક પુષ્ટિ હજુ બાકી છે.

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના ફેબ્રુઆરી 2026 ના રિપોર્ટ અનુસાર, ઈરાન પાસે હાલમાં 60 ટકા સુધી સમૃદ્ધ કરાયેલું લગભગ 440.9 કિલોગ્રામ યુરેનિયમ ઉપલબ્ધ છે. હથિયાર બનાવવા માટે 90 ટકા શુદ્ધતાની જરૂર હોય છે, જેની ઈરાન અત્યંત નજીક હોવાનું મનાય છે. જો આ જથ્થાને વધુ સમૃદ્ધ કરવામાં આવે તો ઈરાન ઓછા સમયમાં 10 જેટલા પરમાણુ હથિયારો તૈયાર કરી શકે છે, જે અમેરિકા અને ઈઝરાયલ માટે ચિંતાનો વિષય છે.