Wed Jun 10 2026

Logo

વિદેશી એરપોર્ટ પર ગરબા અને હંગામો કરનારા ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવો! IPS અધિકારીએ કરી મોટી માંગ

2026-06-04 11:22:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: વિદેશ પ્રવાસ દરમિયાન ભારતીય સંસ્કૃતિના નામે જાહેર સ્થળો પર અરાજકતા અને હંગામો મચાવવો હવે કેટલાક પ્રવાસીઓને ભારે પડી શકે છે. હાલમાં જ વિયેતનામના એક એરપોર્ટના રનવે પાસે કેટલાક ભારતીય પર્યટકો દ્વારા ગરબા રમવાનો વીડિયો વાયરલ થયો હતો. સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા એરપોર્ટ એરિયામાં ભારતીયોના આવા વર્તનની વૈશ્વિક સ્તરે આકરી ટીકા થઈ રહી છે. આ ઘટના બાદ વરિષ્ઠ આઈપીએસ અધિકારી અરુણ બોથરાએ કડક વલણ અપનાવતા આવા પ્રવાસીઓ પર વિદેશ પ્રવાસનો પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

ભારતીય પાસપોર્ટ અને શું બોલ્યાં IPS અરુણ બોથરા?

આઈપીએસ અધિકારી અરુણ બોથરાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘વિદેશ જઈને ખોટા આચરણ દ્વારા ભારતની છબી ખરડનારા લોકોને કડક સજા મળવી જોઈએ. ગંભીર મામલાઓમાં સરકારે આવા લોકો પર કેટલાક વર્ષો માટે વિદેશ પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવા અંગે વિચાર કરવો જોઈએ. ભારતીય પાસપોર્ટ હોવો એ માત્ર એક અધિકાર નથી, પરંતુ એક મોટી જવાબદારી પણ છે. દરેક નાગરિકની એ ફરજ છે કે તે જે દેશમાં જાય ત્યાંના સ્થાનિક કાયદાઓનું સન્માન કરે’.

વિયેતનામ એરપોર્ટ પર શું બન્યું હતું?

વિયેતનામમાં વિયેતજેટ એરના પ્લેન પાસે ભારતીય પ્રવાસીઓનું એક જૂથ ભારે ઉત્સાહમાં આવીને ગરબા રમતું જોવા મળ્યું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકો તેને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર ગણાવી રહ્યા છે, તો લોકોએ વાંધો ઉઠાવતા કહ્યું કે, ગરબા રમવા સામે કોઈ વિરોધ નથી, પરંતુ એરપોર્ટનો રનવે તેના માટે યોગ્ય જગ્યા નથી. આ વિવાદમાં આરપીજી ગ્રુપના ચેરમેન હર્ષ ગોયંકાએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમણે ભારતીય પ્રવાસીઓમાં નાગરિક ભાવનાના અભાવ પર સવાલો ઉઠાવ્યા છે.

હર્ષ ગોયંકાએ વર્ષ 2019ની સ્વિટ્ઝર્લેન્ડની એક હોટેલનો કિસ્સો શેર કર્યો, જ્યાં ભારતીય મહેમાનો માટે ખાસ નોટિસ લગાવવામાં આવી હતી કે - 'બુફેમાંથી ખાવાનું પેક કરીને રૂમમાં ન લઈ જવું, કોરિડોરમાં જોરજોરથી બૂમો ન પાડવી અને શાંતિ જાળવવી.' જેવા સુચનાઓ સામેલ હતી. આ વિવાદ બાદ હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ભવિષ્યમાં ભારત સરકાર વિદેશમાં દેશનું નામ ખરાબ કરનારા બેજવાબદાર નાગરિકોના પાસપોર્ટ સસ્પેન્ડ કે બ્લેકલિસ્ટ કરવા જેવા કોઈ કડક નિયમો લાવશે કે નહીં?

જાપાન પાસેથી શિસ્ત શીખવાની જરૂર: ગોયંકા

હર્ષ ગોયંકાએ કહ્યું કે, ‘ફ્લાઇટના કેબિનને પિકનિક સ્પોટમાં ફેરવી દેવું, એરપોર્ટ પર જોરજોરથી વાતો કરવી, રેસ્ટોરન્ટમાં ગરબા કરવા કે સ્વિટ્ઝર્લેન્ડ જેવા શાંત દેશમાં જોરજોરથી પંજાબી ગીતો વગાડી આખા શહેરને માથે લેવું યોગ્ય નથી. આપણે જાપાન જેવા દેશો પાસેથી શિસ્ત શીખવાની જરૂર છે. આપણા દેશના લોકોએ પોતાની સિવિક સેન્સ તાત્કાલિક સુધારવી પડશે’.