બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી
આપણે ત્યાં ક્રિકેટનું લોકોને ઘેલું છે. એમ કહેવાય છે કે ક્રિકેટ અને ફિલ્મો આ દેશમાં પૂજાય છે. બંનેમાં હાઈ રિસ્ક હાઈ રિટર્ન્સ છે. રમતગમતને આ દેશમાં તેટલું મહત્ત્વ નહોતું પણ જ્યારથી IPL ની શરૂઆત થઇ આખી બાજી પલટાઈ ગઈ. તેને આધારે બીજી રમતગમતોને પણ બઢાવો મળ્યો અને ક્લબ ક્લ્ચર કે સ્પોર્ટ્સ એક મોટી ઇન્ડસ્ટ્રી તરીકે ઊભરી. વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ વર્ષોથી એક સફળ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાય છે.
આ અઠવાડિયે આપણે આનો પરચો જોયો, આટલા વર્ષોના ઇન્વેસ્ટમેન્ટ પછી IPLની બે ટીમએ પોતાનો સ્ટેક વેચ્યો અને તે ટીમોને નવા માલિકો મળ્યા. `રોયલ ચેલેંજર્સ બેંગ્લોર' અને `રાજસ્થાન રોયલ્સ' એમ બન્ને ટીમ અનુક્રમે 16,660 કરોડ અને 15,501 કરોડમાં વેચાઈ. ખરીદનાર કંપનીઓમાં ભારતીય અને દુનિયાના મોટા વેપારીઓ શામિલ છે. ભારત હવે રમતગમતના વ્યવસાયમાં પણ વૈશ્વિક સ્તરે પોતાની નામના મેળવી રહ્યું છે.
ઉમેરવાની જરૂર નથી કે જયારે આ બંને ટીમનું વૅલ્યુએશન થયું ત્યારે બ્રાન્ડે મોટો ભાગ ભજવ્યો. આ બંને ટીમ નહિ પણ બ્રાન્ડ વેચાણી છે. લોકોએ ટીમ નહિ પણ બ્રાન્ડ ખરીદી છે. આપણે ઘણા સ્ટાર્ટઅપના વેચાણની વાત સાંભળી હશે તેમાં પણ બ્રાન્ડનું મૂલ્યાંકન થયું છે. ક્રિકેટ આપણને વધુ સમજાય છે તેથી આ ટીમોના બ્રાન્ડનું વેચાણ આપણને ચોક્કસ વિચારતા કરી મૂકશે.
આપણે આ કોલમમાં આની વાત ઘણીવાર કરી છે કે, ફક્ત વેપાર ના કરો, બ્રાન્ડ બનાવો જેથી ભવિષ્યમાં બ્રાન્ડ તમને કમાવી આપે. આપણને જાણ છે કે વૅલ્યુએશનમાં બ્રાન્ડ મોટો ભાગ ભજવે છે, છતાં પણ આપણે આપણા વેપારમાં તેની અવગણના કરીયે છીએ. બીજી વાત, આપણે જયારે વેપારની શરૂઆત કરીયે ત્યારે આપણી નજર કેટલો ફાયદો થયો કે ટર્નઓવર કેટલું થયું ત્યાં સુધી સીમિત હોય છે માટે વૅલ્યુએશન વધવાના શું ફાયદાઓ છે તે સમજવું જરૂરી છે. જે વેપારીએ બ્રાન્ડ બનાવવા પાછળ મહેનત કરી છે તેમનો અનુભવ કહે છે કે તેમની બ્રાન્ડમાં રોકાણ કર્યું તેથી જ એ બજારને પાછળ રાખી આગળ વધ્યા છે. મૂલ્યવાન બ્રાન્ડ સકારાત્મક તફાવત લાવે છે અને તેથી તે ભીડમાં અલગ તરી આવે છે. મૂલ્યવાન બ્રાન્ડ ક્નઝ્યુમરની જરૂરિયાત પૂરી કરવાનું કામ કરે છે.
અને આમ તમે ક્નઝ્યુમર સાથેનો કાયમી ભાવનાત્મક સંબંધ બાંધો છો.
અહીં એ પણ જાણી લો કે બ્રાન્ડની વૅલ્યુ રાતોરાત નથી બની જતી. તેના માટે સમય જોઈયે અને ક્લિયર વિઝન જોઈયે. તેના માટે પોતાને પ્રશ્નો પૂછો, તમે શેના દ્વારા ઓળખાવ છો? તમે શેને વધુ મહત્ત્વ આપો છો? એક કંપની તરીકે તમે શેમાં માનો છો? આવા પ્રશ્નોના જવાબોને રિફાઇન કરતા જશો- ઊંડું પૃથક્કરણ કરતા જશો તો તમારી બ્રાન્ડ વૅલ્યુએબલ બનવાની યાત્રા શરૂ થઇ જશે. વૅલ્યુ એવી ક્રિયેટ કરો કે તમારા સિવાય બીજું કોઈ તેનો દાવો ન કરી શકે. આનાથી તમારી બ્રાન્ડ બીજા કરતાં અલગ તરી આવશે.
જોકે ફક્ત બ્રાન્ડની કીંમત વધારવાથી કશું નહીં થાય. કદાચ તાત્પૂરતો ફાયદો થશે, પણ જો બ્રાન્ડની વૅલ્યુ વધશે.
ક્નઝ્યુમર બ્રાન્ડને વારંવાર ખરીદશે, જેનાથી બ્રાન્ડની વૅલ્યુ વધશે.
વૅલ્યુ બેઝડ બ્રાન્ડ અને વેલ્યુ વગરની બ્રાન્ડનો ફરક સમજવાની કોશિશ કરીયે. બ્રાન્ડ વૅલ્યુ સાંભળતા જ આપણે તેને પૈસાની ગણતરીમાં સમજી લેશું, બ્રાન્ડની કીંમત શું છે, પ્રાઇઝ શું છે તેમ સમજશું. ફલાણી ફલાણી બ્રાન્ડ કેટલાની છે? આ પ્રશ્ન ઘણીવાર બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ પ્રોડક્ટ માટે પણ ઊભો થાય. ધારો કે એક પ્રોડક્ટ જેને બ્રાન્ડ નેમ નથી તે 50 રૂપીયાની હોય પણ તેવં ુજ પ્રોડક્ટ જો બ્રાન્ડ નેમ સાથે હશે તો કદાચ 500 રૂપીયાનું હશે. અહીં આપણે બ્રાન્ડ વૅલ્યુને સમજવાની કોશિશ કરીશું. બ્રાન્ડ વૅલ્યુનો મતલબ ફક્ત તે નથી કે બ્રાન્ડને પ્રાઇઝમાં એક્સ્ટ્રા પ્રીમિયમ મળે છે પણ લોકો કેટલી વાર તે બ્રાન્ડને ખરીદે છે. રિપીટ પર્ચેસ થાય છે તે બ્રાન્ડનું? જ્યારે આમ થાય ત્યારે કહી શકાય કે અમુક બ્રાન્ડની બ્રાન્ડ વૅલ્યુ વધી છે. વધુ પૈસા આપવા અને એક જ વાર ખરીદી અમુક બ્રાન્ડની થાય તો બ્રાન્ડની વૅલ્યુ છે તેમ ન કહી શકાય.
વૅલ્યુએશનમાં રિપીટ પર્ચેઝનું મહત્ત્વ છે. એમાં તમારા કસ્ટમરનો રિટેન્શન રેશિઓ જોવામાં આવશે. આને જે બે ટીમ તાજેતરમાં વેચાઈ તેના સંદર્ભમાં જુવો તો સમજાશે કે તેમના ફેન ફોલોઇંગે કેટલો મોટો ભાગ ભજવ્યો છે તેમના વૅલ્યુએશનમાં. તેમના માટે આ ફેન્સ જ રિપીટ પરચેઝ કહી શકાય.
આમ, બ્રાન્ડનું મહત્ત્વ સમજવું જરૂરી છે. બ્રાન્ડ લોકોના મનમાં અસ્તિત્વ ધરાવે છે. મજબૂત, સારી રીતે જાળવવામાં આવેલી બ્રાન્ડ મેમરીમાં ટકી રહે છે અને સમય જતાં તેના મૂલ્યો વર્ષો સુધી યાદ રહે છે.
ટૂંકમાં લાંબાગાળાનો વિચાર કરો છો ત્યારે તમે હાર જીતથી પરે, માર્કેટ લીડરથી પરે, નફાની પરે એક વૅલ્યુએબલ બ્રાન્ડ બનો છો. ખરા અર્થમાં લોકોની ચાહિતી બ્રાન્ડ તરીકે સ્થાપિત થાવ છો, જે તમને તમારી બ્રાન્ડ માટે વૅલ્યુ અને વૅલ્યુએશન બંને પ્રદાન કરે છે.