Mon Oct 05 2026

Logo

આજે કોલકાતાની સતત ત્રીજી હાર કે પંજાબના વિજયની હૅટ-ટ્રિક?

2026-04-06 12:49:00
Author: Ajay Motiwala
આજે કોલકાતાની સતત ત્રીજી હાર કે પંજાબના વિજયની હૅટ-ટ્રિક?

કોલકાતા: આઈપીએલના 19 વર્ષના ઇતિહાસમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની પંજાબ કિંગ્સ (PBKS) સામે એકંદરે સ્થિતિ ઘણી જ સારી છે, પરંતુ ઈડન ગાર્ડન્સમાં આજે (સાંજે 7:30 વાગ્યાથી) કોલકાતાએ પંજાબ સામે જીતીને એ પરંપરા જાળવવા તનતોડ મહેનત કરવી પડશે. કારણ એ છે કે શ્રેયસ ઐયરના સુકાનમાં 2025નું રનર-અપ પંજાબ આ વખતે પહેલી બંને મૅચ જીતીને જબરદસ્ત જોશમાં છે.

બીજી તરફ, ત્રણ ટાઇટલ જીતી ચૂકેલું કોલકાતા આ વખતે પહેલી બંને મૅચમાં પરાજિત થયું છે એટલે આજે એણે સતત ત્રીજો પરાજય કેમેય કરીને ટાળવો જ પડશે. અજિંકય રહાણેની કેપ્ટન્સીમાં કોલકાતાની ટીમની આજે આકરી પરીક્ષા છે.

હેડ-ટુ-હેડ મુકાબલા

બંને ટીમ વચ્ચે આઈપીએલના ઇતિહાસમાં કુલ 35 મૅચ રમાઈ છે જેમાંથી 21 કોલકાતાએ અને 13 મૅચ પંજાબે જીતી છે. એક મુકાબલો અનિર્ણીત રહ્યો છે.

કોલકાતાનો ભૂતપૂર્વ કેપ્ટન શ્રેયસ આજે પંજાબને જિતાડશે?

2024માં કોલકાતાએ શ્રેયસ ઐયરના નેતૃત્વમાં જ ત્રીજું ટાઈટલ જીત્યું હતું અને હવે આજે શ્રેયસ પંજાબના કેપ્ટન તરીકે કોલકાતાને હરાવવા કોઈ કસર બાકી નહીં રાખે.

પંજાબની ટીમમાં મૅચ વિનર્સની ભરમાર

કોલકાતાની સરખામણીમાં પંજાબ પાસે વધુ મૅચ-વિનર્સ છે જેમાં પ્રિયાંશ આર્યા, કૂપર કૉનોલી, માર્કો યેનસેન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહનો સમાવેશ કરી શકાય. આ બાબતમાં કોલકાતા માટે હાલમાં માત્ર ત્રણ ખેલાડીના નામ આપી શકાય. બૅટિંગમાં ફિન ઍલન, અંગક્રિશ રઘુવંશી અને બોલિંગમાં કાર્તિક ત્યાગી.

બંનેની સંભવિત ટીમ:

કોલકાતા: અજિંકય રહાણે (કેપ્ટન), ફિન ઍલન, અંગક્રિશ રઘુવંશી, કૅમેરન ગ્રીન, મનીષ પાંડે/રમણદીપ સિંહ, રિન્કુ સિંહ, અનુકૂલ રૉય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા/નવદીપ સૈની/ઉમરાન મલિક, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી અને (12મો પ્લેયર) બ્લેસિંગ મુઝરબાની

પંજાબ: શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, કૂપર કૉનોલી, નેહલ વઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, માર્કો યેનસેન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને (12મો પ્લેયર) ઝેવિયર બાર્ટલેટ.