નીલા સંઘવી
વૃદ્ધોને પોતાના સંતાન કરતાં પણ સંતાનનાં બાળકો સાથે વધુ લગાવ હોય છે. તેમને પોતાના પૌત્ર-પૌત્રી, દોહિત્ર-દોહિત્રી પર વધુ લાગણી હોય છે. તેથી જ તો કહેવાય છે ને ‘રૂપિયા કરતાં વ્યાજ વધુ વહાલું’!
જીવન સંધ્યાને તીરે બેઠેલી વ્યક્તિને પોતાના પૌત્ર-પૌત્રી, દોહિત્ર-દોહિત્રીને રમાડવામાં તેમની સાથે રમાવામાં, તેમની સાથે વાતો કરવામાં બહુ મજા આવે છે. તેથી જ તો જેવાં દીકરાં કે દીકરીનાં લગ્નને છ-બાર મહિના થાય કે ગુડ-ન્યૂઝની રાહ જોઇને બેઠાં હોય છે. વહુ કે દીકરી સારા સમાચાર આપે એટલે મા-બાપને બત્રીસ કોઠે દીવા થાય.
નયનભાઇ અને નયનાબહેન 65 વર્ષનાં થયાં. દીકરાનાં લગ્ન નક્કી કર્યાં છે. નયનભાઇ અને નયનાબહેન મોટી ઉંમરે પરણ્યાં. બંને ભણતર અને કરિયરમાં મશગૂલ હતાં. પોતાને સંતાન પણ મોટી ઉંમરે થયું. તેથી જ તે હવે છેક 65 વર્ષની વયે દીકરો જયારે 30 વર્ષનો થયો ત્યારે તેના લગ્ન લીધાં છે. નયનભાઇ અને નયનાબહેનની ખુશીનો પાર નથી. બંનેએ ઘણાં સપનાં જોયા છે. આખી જિંદગી કામ કર્યું.
નયનભાઇ એક સ્કૂલમાં પ્રિન્સિપાલ અને નયનાબહેન શિક્ષિકા, વિદ્યાર્થીઓ પ્રત્યે બન્નેને અપાર પ્રેમ. વિદ્યાર્થીઓ આવતી કાલના નાગરિક છે. તેમના જીવન ઘડતર માટે પતિ-પત્ની બન્ને બહુ જ ઉત્સાહી અને વિદ્યાર્થીઓ પણ નયનભાઇ-નયનાબહેનને બહુ માન આપે, પોતાના પ્રશ્નો પોતાની તકલીફ આ લોકો પાસે જઇને કરે અને નયનભાઇ એના પ્રશ્નોનું સમાધાન કરે. નયનાબહેન, પ્રેમથી બાળકને સમજાવે. હવે એકાદ વર્ષમાં બન્ને રિટાયર્ડ થવાનાં છે.
આખી જિંદગી જીવવા માટેના સપનાં બન્નેએ જોયાં છે. આખી જિંદગી કામ કર્યું છે, સખત મહેનત કરી છે. ખૂબ ગરીબીમાંથી ઉપર આવેલા નયનભાઇએ પોતાનું ઘર બનાવ્યું, નયનાબહેને ઘરને મંદિર બનાવ્યું. દીકરા આશિષને ભણાવ્યો, કામે લગાડયો અને હવે આશિષને બહુ ગમતી કન્યા સાથે લગ્ન લીધાં છે. બન્ને ખુશ છે. બસ રિટાયર્ડ થયા પછી શાંતિથી જીવવું છે. પુત્ર-પુત્રવધૂ સાથે સુમેળભર્યું જીવન જીવવું છે અને પૌત્ર-પૌત્રીને રમાડવા છે. એમનામાં સારા સંસ્કારનું સિંચન કરવું છે.
આશિષની વહુ અક્ષતા ઘરમાં આવી. તેની પણ પોતાની કરિયર હતી. લગ્નને બે વર્ષ થયાં. નયનભાઇ-નયનાબહેન રિટાયર્ડ થઇ ગયાં. એક દિવસ નયનાબહેને આશિષ-અક્ષતાને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘જુઓ, તમારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે. હવે બાળકને જન્મ આપવાનો યોગ્ય સમય છે. પછી બહુ મોડું થઇ જશે તો તને તકલીફ પડશે. વળી હું ને તારા પપ્પા છીએ અને અમારું શરીર ચાલે છે ત્યાં સુધીમાં તમારા સંતાનના ઉછેરમાં અમે પણ મદદ કરી શકીશું. એટલે આ વિષયમાં તમે બન્ને વિચારીને નિર્ણય લેજો...’
આશિષ-અક્ષતાને પણ મમ્મીની વાત યોગ્ય લાગી. બાળક માટે પ્લાનિંગ શરૂ કર્યું. થોડા જ સમયમાં અક્ષતાએ નયનાબહેનને શુભ સમાચાર આપ્યા. રાજી થઇને નયનાબહેને અક્ષતાને હીરાનું બ્રેસ્લેટ ભેટ આપ્યું. ઘરમાં ખુશીનો માહોલ થઇ ગયો. આશિષ-અક્ષતા, નયનભાઇ-નયનાબહેન બધાં આવનાર બાળકની પ્રતીક્ષામાં બાળક આવશે પછી શું કરીશું? કેમ કરીશું? ની ચર્ચા કરતાં રહેતાં હતાં.
ઘરમાં પણ બધા જરૂરી ફેરફાર કરાવી લીધા, જેથી નાનું બાળક ઘરમાં હોય તો કોઇ તકલીફ ન થાય. આવનાર બાળક માટે રમકડાં, પારણું વગેરેની ખરીદી પણ થઇ ગઇ. થોડા દીકરાનાં અને થોડા દીકરીનાં કપડાં પણ ખરીદી લીધાં. આ બધું નયનભાઇ-નયનાબહેન કરતાં હતાં. આશિષ અને અક્ષતા હસતાં હતાં, બાળકને આવવા તો દો. તમે લોકો તો કપડાં પણ લઇ આવ્યાં. એ પણ દીકરા-દીકરી બન્નેના ખરા છો તમે બંને.
હા, ખરા જ છે નયનભાઇ-નયનાબહેન. પોતાનો પુત્ર જન્મવાનો હતો. ત્યારે બન્ને પાસે સમય ન હતો. પૈસાની પણ ખેંચ હતી. હવે એવું નથી ત્યારે પોતાના અરમાન પોતાના સંતાનના સંતાન સાથે પૂરાં કરશે અને સમય થતા અક્ષતાને પુત્ર જન્મ્યો. પૌત્રને જોઇને દાદા-દાદી તો ગાંડા થઇ ગયા. નયનાબહેન અક્ષતાની બહુ જ સંભાળ રાખતાં. પૌત્રની પણ સંભાળ રાખતાં હતાં.
અક્ષતાની રીત જુદી હતી. તે ડોકટર અને ડાયેટિશિયનના કહેવા પ્રમાણે પુત્રને ઉછેરવા માગતી હતી. બાળક રડે તો પણ એના સમય ઉપર જ દૂધ આપવાનું, જયારે નયનાબહેનનો જીવ બળી જાય. બાળક ભૂખ્યું થયું છે બિચારું રડે છે. અક્ષતાએ ચોખ્ખું સંભળાવી દીધું : ‘મારું બાળક છે, મારી રીતે ઉછેરીશ તમારે ઇન્ટરફીયર નહીં કરવાનો...’ નયનાબહેન કંઇ બોલી શકતાં નહીં. અક્ષતાએ બાળક માટે તેની આયા રાખી લીધી હતી. આખો દિવસ બાળક તેની પાસે જ રહેતું,. દાદા-દાદી પાસે બાળક ભાગ્યે જ આવતું. આમ જ પૌત્ર મોટો થતો ગયો.
પૌત્ર ચાર-પાંચ વર્ષનો થયો એટલે દાદા-દાદીને થયું લાવ એની સાથે ગુજરાતીમાં વાત કરીએ, તેને વાર્તા સંભળાવીએ, સંસ્કૃત શ્ર્લોક શીખવીએ અને સારા સંસ્કારનું સિંચન કરીએ, પણ ના, અક્ષતાએ દીકરાને શીખવી દીધું હતું કે દાદા-દાદી પાસે નહીં જવાનું. જઇશ તો તને માર પડશે. ડરનું માર્યું બાળક દાદા-દાદીને દૂરથી જોઇ રહેતું અને સ્મિત કરતું, આ લોકો બોલાવે તો દોડીને રૂમમાં ચાલ્યું જતું.
અક્ષતાને લાગતું હતું કે તેનો પુત્ર દાદા-દાદી સાથે ગુજરાતીમાં વાત કરશે તો પછી અંગ્રેજી નહીં બોલે. એટીકેટ નહીં શીખે. જુનવાણી વિચારો એના મનમાં ઘર કરી જશે. એ લોકો પાસે જઇને ચોકલેટ-આઇસક્રીમ ખાશે...વગેરે.
પૌત્રને રમાડવાની, સંસ્કાર રોપવાની ઇચ્છાને મનમાં ધરબીને આજે નયનભાઇ-નયનાબહેન જીવી રહ્યાં છે. એમનેય રૂપિયા કરતાં વ્યાજ વહાલું, પણ...