ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ - ટીના દોશી
મધુર ગીતસંગીતના સૂર રેલાવાની સાથે રંગમંચ પર રંગરંગી રોશનીનાં વલય રચાયાં. નેપથ્યમાં શ્રીકૃષ્ણની વિશાળ કદની મૂર્તિ. અંગે પીળું પીતાંબર. માથે મુકુટ, મુકુટમાં મોરપીંછ અને હોઠે અડાડેલી વાંસળીમાંથી રેલાતા મધુર સ્વર... મૂર્તિની આગળ દૃશ્યમાન સાત રંગીન રોશનીના પ્રત્યેક વલયમાં એક એક મીરાં મૂર્તિની જેમ ઊભેલી. સાત વલય ને સાત મીરાંબાઈ. કેતકીએ વાદળી કોરવાળી, નંદિનીએ લીલી કોરવાળી, મોહિનીએ નીલી કોરવાળી, અંજલિએ જાંબલી કોરવાળી, સારંગીએ પીળી કોરવાળી, બંસરીએ નારંગી કોરવાળી ને જૂહીએ રાતી કિનારીવાળી એમ સાત રંગીન કોરવાળી શ્વેત સાડી પહેરેલી. એક હાથમાં ખંજરી ને બીજા હાથમાં તંબૂરો. ગળામાં સાડીના કિનારીવાળા રંગની માળા ને પગમાં ઘુંઘરુ.. દર્શકો મંત્રમુગ્ધ બનીને સાતેય મીરાંને નિહાળી રહ્યાં.
નૃત્ય કલામંદિરના રંગભવનમાં પગ ઘુંઘરુ શીર્ષક સાથે મીરાંબાઈના ગીતોભજનોના નવતર પ્રયોગ કહી શકાય એવા કાર્યક્રમનું આયોજન થયેલું. કાર્યક્રમમાં પગ ઘુંઘરુ ઉપરાંત છ ભજનનો સમાવેશ કરાયેલો. આરંભ થયો પગ ઘુંઘરુથી... અનિલે મૃદંગ પર હળવી થપાટ વગાડી, સૂરજે હાર્મોનિયમના સૂર ને જસરાજે સિતારનો તાર છેડ્યો. માલિનીએ મધુર રાગ છેડ્યો. : પગ ઘુંઘરુ બાંધ મીરાં નાચી રે... ગીતસંગીતના સૂર રેલાવાની સાથે જ રંગમંચ જીવંત થઈ ગયો. રંગીન રોશનીનું વર્તુળ કેતકી પર સ્થિર થઈ ગયું. અન્ય વર્તુળની રોશની બુઝાઈ ગઈ. પૂતળામાં પ્રાણ ફૂંકાયા હોય એમ કેતકીના પગ થરક્યા. ઘુંઘરુ બજી ઊઠ્યા. તંબૂરો વગાડતી કેતકીએ કૃષ્ણભક્તિમાં તન્મય થઈને નૃત્ય શરૂ કર્યું. માલિનીએ બીજી પંક્તિ પૂરી કરી : મૈં તો મેરે નારાયણ કી, આપ હી હો ગઈ દાસી રે... મુખડું પૂં થયું એટલે કેતકીના પગ થંભી ગયા. ઘુંઘરુની રણઝણ પણ.
હવે જયમાલાએ ભજનની પંક્તિ લલકારી : મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ... નંદિનીએ નૃત્ય શરૂ કર્યું. થરકતા પગ સાથે ઘુંઘરુ નાદ કરતાં રહ્યાં. રંગીન રોશનીનું વર્તુળ નંદિની પર સ્થિર થઈ ગયું. મુખડું પૂં થતાં નંદિનીના પગ પણ થંભી ગયાં. એ જ રીતે વારાફરતી મોહિનીએ `જૂનું તો થયું રે દેવળ', અંજલિએ `વાગે છે રે વાગે છે વનરાવન મોરલી વાગે છે', સારંગીએ `રામ રાખે તેમ રહીએ ઓધવજી', બંસરીએ `ગોવિંદો પ્રાણ અમારો રે' ને જૂહીએ `ઝેર તો પીધાં જાણી જાણી' પર નૃત્ય કર્યું. ભજન બદલાયું ને નૃત્યાંગના બદલાવાની સાથે રંગીન રોશનીનાં ચકરડાં પણ ઘૂમતાં રહ્યાં. મુખડું પૂં થતાં સહુના પગ થંભી ગયા અને ઘુંઘરુઓનો રણઝણાટ પણ. ન થમ્યો, ન થંભ્યો તો તાળીઓનો ગડગડાટ.
મુખડા પછી અંતરામાં પણ એ જ ક્રમનું પુનરાવર્તન થયું. રંગમંચની સાથે રંગભવન પણ કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયું. અંતમાં રંગમંચ પર ચમત્કાર સર્જાયો. રંગબેરંગી વર્તુળો એકસાથે ઝબાક ઝબાક થવા લાગ્યાં. માલિની ને જયમાલાએ સૂર છેડ્યા ને સાતેય મીરાં સાતેય ગીત ને ભજનોના મુખડા પર એકસાથે નૃત્ય કરવા લાગી. ગીત, સંગીત ને નૃત્ય એકાકાર થઈ ગયાં. ઘુંઘરુઓના રણકાર વચ્ચે ભક્તિમય વાતાવરણમાં હળવે હળવે પરદો પડ્યો. તંદ્રામાંથી જાગેલા લોકોની તાળીઓથી રંગભવન ગુંજી ઊઠયું.
કેતકી, નંદિની, મોહિની, અંજલિ, સારંગી, બંસરી અને જૂહી પરદો ખસેડીને બહાર આવી. દર્શકોનું અભિવાદન ઝીલ્યું. વળી પરદા પાછળ સરકી ગઈ. રંગમંચની ડાબી બાજુએથી કલામંદિરની ભીતર લઈ જતો રસ્તો ફંટાતો. કલામંદિરને રંગભવન સાથે જોડતો આ રસ્તો નાનકડા કોરિડોર સમો હતો. આ કોરિડોર વટાવતાં કલામંદિરમાં પ્રવેશી શકાય. કલામંદિરમાં જમણી બાજુ વળીએ એટલે પાંચ કક્ષ નજરે ચડે. પહેલા ત્રણ કક્ષમાં અનુક્રમે નૃત્ય, સંગીત અને અભિનય શીખવવામાં આવે. ચોથો કક્ષ ચેન્જિંગ રૂમ કે ડે્રસિંગ રૂમ તરીકે વપરાતો. પાંચમા ઓરડામાં નૃત્યનાં સાધનો અને વાજિંત્રો પડ્યાં રહેતાં.
કેતકી, નંદિની, મોહિની, અંજલિ, સારંગી, બંસરી અને જૂહી પહેલા ત્રણ ખંડ વટાવીને ચોથા કક્ષમાં દાખલ થઈ. સાતેય વસ્ત્રો બદલીને પાંચમા કક્ષમાં ગયાં. પોતાનો નૃત્યનો સરંજામ આ કક્ષમાં મૂકીને બહાર નીકળી એટલામાં તો કલામંદિર ચીસાચીસથી ગુંજી ઊઠયું : `ખૂઉઉઉન...ખૂઉઉ..ન..ખૂન !'
સાતેય નૃત્યાંગનાઓ સહિત સહુ કોઈ અવાજની દિશામાં દોડ્યાં. અવાજ પહેલા કક્ષમાંથી આવી રહેલો. સહુ એ કક્ષમાં ઉતાવળે દાખલ થયાં. એમણે જોયું કે સેવક રઘુ થરથર કાંપી રહેલો. હાથમાં રહેલો ચાનો પ્યાલો છલકાઈ ગયેલો. અને હજુય એ ચીસ પાડી રહેલો. ખૂન...ખૂન..
સહુએ જોયું કે અભિનયશિક્ષક ગૌતમકુમાર એક ખુરસીમાં ઢળી પડેલો. એના માથા પરથી લોહી વહી રહેલું. વહી રહેલા લોહીથી એનો વાદળી રંગનો કુર્તો પણ ખરડેલો. સહુ સ્તબ્ધ થઈને આ વરવું દૃશ્ય જોઈ રહેલાં, ત્યારે જ કલામંદિરના સંસ્થાપક નૃત્યાચાર્ય શિવકૃષ્ણ ગુરુમૂર્તિ આવી પહોંચ્યા. ગૌતમકુમારનું ખૂન થયેલું જોઈને એમણે તરત જ પોલીસને ફોન કરી દીધો.
વળતી જ ક્ષણે પોલીસજીપમાં સવાર થઈને ઈન્સ્પેક્ટર કરણ બક્ષી એમના જુનિયરો જયરાજ જાડેજા અને દેવકી દીક્ષિત સાથે ઘટનાસ્થળે જવા નીકળી પડ્યો. પાંચેક કિલોમીટરનું અંતર કાપતાં જ કલામંદિરની ભવ્ય અને કલાત્મક ગોળાકાર ઈમારત નજરે પડી. કલામંદિરના ગુંબજ પર અત્યંત વિશાળ ઘુંઘરુઓનું નિર્માણ કરાયેલું. અત્યારે ખામોશીમાં ઘુંઘરુઓનો નાદ દૂર દૂર સુધી સંભળાઈ રહેલો.
ઘુંઘરુઓનો મધુર નાદ સાંભળતાં સાંભળતાં કરણ અને જુનિયરો જીપમાંથી ઊતર્યાં. પંદર પગથિયાં ચડીને વિશાળ પટાંગણમાં આવ્યા. ફરતે ગોળાકારમાં અને પટાંગણને કિનારે કિનારે અગિયાર ફૂટ ઊંચા ઘુંઘરુ. ઘુંઘરુમાં લાગેલી તાંબાની ઘૂઘરીઓ રણઝણ કરી રહેલી. પટાંગણમાં વચ્ચે નટરાજની એકવીસ ફૂટ ઊંચી પ્રતિમા. થોડું આગળ વધતાં કલામંદિરનું કમાનાકાર પ્રવેશદ્વાર દેખાય. પ્રવેશદ્વારમાં હાથમાં નાટ્યશાસ્ત્રની કૃતિ સાથે આશીર્વાદ આપતી મુદ્રામાં સત્તર ફૂટ ઊંચા ભરતમુનિ.
પોલીસત્રિપુટી પ્રવેશદ્વાર સુધી પહોંચી એટલામાં નૃત્યાચાર્ય સામે આવ્યા. પોતાનો પરિચય આપ્યો : `ઈન્સ્પેક્ટર સાહેબ, હું કલામંદિરનો સંસ્થાપક શિવકૃષ્ણ ગુરૂમૂર્તિ...' પ્રાચીન ગ્રંથના પૃષ્ઠોમાંથી ચાલ્યા આવેલા ઋષિમુનિ જેવો દેખાવ. નાટ્યશાસ્ત્રના રચયિતા ભરતમુનિ જાણે. તાંબા જેવો રંગ. મસ્તક પર શ્વેત વાળની જટા. ભગવાં વસ્ત્રો ને શ્વેત દાઢીમૂછ. પગમાં ચાખડી ને હાથમાં દંડ.
`હું ઈન્સ્પેક્ટર બક્ષી..' પોતાનો પરિચય આપીને કરણે જુનિયરોની ઓળખાણ કરાવી : `આ જયરાજ જાડેજા અને દેવકી દીક્ષિત.'
`સાહેબ, અમારા અભિનયશિક્ષક ગૌતમકુમારનું ખૂન થયું છે...' ગુરુમૂર્તિ ત્રિપુટીને જ્યાં ખૂન થયેલું એ ખંડ તરફ દોરી જતાં કહેવા લાગ્યા : `આજે અમારે ત્યાં એક નૃત્યનો કાર્યક્રમ હતો. હું જરૂરી કામે બહાર ગયેલો. પાછો ફર્યો ત્યારે જોયું કે ગૌતમકુમારનું ખૂન થયું છે!'
ગુરુમૂર્તિનું વાક્ય પૂં થયું ત્યાં તો કરણ અને જુનિયરો ખૂન જ્યાં થયેલું એ ખંડ સુધી પહોંચી ગયા. પોલીસત્રિપુટી તરત જ કામે વળગી. પ્રથમ નજરે જ ખબર પડી ગઈ કે ગૌતમકુમારના માથા પર આગળના ભાગમાં જમણી બાજુએ ત્રણેક ઈંચમાં ઊંડો ઘા થયેલો. બીજી નજરે જોતાં ઘામાં થોડી વિચિત્રતા જણાઈ. ત્રણ ઈંચના ઘેરાવામાં થયેલો એ ઘા એકસરખો નહોતો. ત્રણ ઈંચમાં સમાન અંતરે નરી આંખે ન દેખાય એવી જગ્યા પડતી. આ પ્રકારના કોઈ હથિયાર અંગે કરણ બક્ષીએ પહેલાં સાંભળ્યું નહોતું. એણે કમરામાં ચારેકોર નજર નાખી. ખૂણામાં પડેલા મેજ પર ધાતુની મૂર્તિઓ પડેલી. તાંબાની સરસ્વતીની, પિત્તળની લક્ષ્મીની અને સ્ટીલની પાર્વતીની...મૂર્તિઓને જોઈને કરણ બક્ષીના મનમાં ચમકારો થયો : ધાતુની કોઈ ચીજ વડે જ ગૌતમકુમારના મસ્તક પર ફટકો પડ્યો હોય એવું લાગે છે. કદાચ આમાંની કોઈ મૂર્તિથી જ ખૂન કરાયું હોય એમ પણ બને. જોકે ખૂન કરીને ખૂની હથિયાર ફરીને મેજ પર મૂકવા ન જાય. છતાં કોઈ મૂર્તિ પર લોહીના છાંટા અથવા લોહીના ડાઘ મળી આવે તો ખૂનનું હથિયાર નિશ્ચિત થઈ જાય. કરણે ઈશારો કર્યો એટલે હાથમોજાં ચડાવીને જયરાજ અને દેવકીએ મૂર્તિની તપાસ કરવા માંડી.
દરમિયાન કરણ બક્ષીએ તપાસ આદરી. ગુરુમૂર્તિને પૂછ્યું : `તમને કોઈના પર શંકા છે... આ ખૂન કોણે કર્યું હોઈ શકે એ વિશે?'
`ના, ઈન્સ્પેક્ટર..' ગુરુમૂર્તિએ કહ્યું : `મને તો ગૌતમકુમારનું ખૂન થયું એ જ માનવામાં આવતું નથી. ગૌતમ થોડો ગરમ સ્વભાવનો હતો એથી ક્યારેક કોઈની સાથે ખટપટ જરૂર થતી. પણ એ કારણસર કોઈ એનું ખૂન તો ન જ કરે.'
`ગૌતમની કોની સાથે ખટપટ થતી?' જયરાજે પૂછ્યું.
`ઈન્સ્પેક્ટર, પહેલાં તો હું મારા કર્મચારીઓ વિશે કહું....' ગુરુમૂર્તિ કહી રહ્યા : `અમારે ત્યાં ગૌતમકુમાર ઉપરાંત કનકલતા, નયનતારા અને પત્રલેખા એમ ત્રણ નૃત્યશિક્ષિકાઓ છે. માલિની અને જયમાલા સંગીતશિક્ષિકાઓ. તબલાવાદક અનિલ, હાર્મોનિયમ વગાડનાર સૂરજ અને સિતારવાદક જસરાજ. એકાઉન્ટન્ટ સુનીલકુમાર અને ક્લાર્ક અશોક. રિસેપ્શન પર કંચન. સેવકોમાં કાશી અને રઘુ. ચોકીદાર બહાદુરસિંહ. એમાંથી કોઈ સાથે ક્યારેક ગૌતમકુમારની ચણભણ થઈ જતી. પણ પછી વાત આગળ ન વધતી. મામલો શાંત થઈ જતો.'
`પણ ચડભડ કયા મુદ્દે થતી?' દેવકી બોલી.
`એ તો તમે અમારા સ્ટાફને પૂછો તો સાં.' ગુરુમૂર્તિ નિસ્પૃહ ભાવે બોલ્યા : `હું તો નજીવી બાબતો તરફ ઝાઝું ધ્યાન આપતો નથી.' કહીને કોઈના ફોનનો જવાબ આપવા શિવકૃષ્ણ ગુરુમૂર્તિ ચાખડી ચટકાવતા ચાલવા માંડ્યા. ગુરુમૂર્તિ પર શંકા કરવાનું કોઈ કારણ નહોતું. અનિલ, સૂરજ અને જસરાજને તો પોતપોતાના વાજિંત્રો પેક કરીને મોડા આવેલા. એથી શકમંદોમાંથી ત્રણેયના નામની બાદબાકી કરી. સાફસફાઈમાં પરોવાયેલી કાશીએ કહ્યું કે `સુનીલકુમાર, અશોક અને બહાદુરસિંહે પોતાની જગ્યા છોડી નહોતી. એ બેય આવ્યા ત્યારથી જ કામમાં પરોવાઈ ગયેલા.' એ સહુનાં નામ પણ શકમંદોમાંથી બાદ કર્યા.
કરણ, જયરાજ અને દેવકીએ પૂછપરછનો આરંભ કર્યો માલિની અને જયમાલાથી. પૂછ્યું : `તમારા બેયની ગૌતમકુમાર સાથે કોઈ બાબતે ટપાટપી થયેલી કે?'
માલિનીએ સ્પષ્ટ નનૈયો ભણ્યો. પણ જયમાલાએ કહ્યું : `બે દિવસ પહેલાં મારા ગીતને ગૌતમે જાહેરમાં ઉતારી પાડેલું. એથી હું ખૂબ ગુસ્સે થઈ ગયેલી. એને બધાંની સામે એક લાફો ચોડી દીધેલો. પછી તો એણે મારી માફી માંગી લીધી ને વાત પૂરી થઈ ગઈ.' પછી વારો આવ્યો નૃત્યશિક્ષિકાઓ કનકલતા, નયનતારા અને પત્રલેખાનો. ત્રણેયને પુછાયેલો પહેલો પ્રશ્ન : `ઘટના બની ત્યારે તમે ત્રણ ક્યાં હતા?'
કનકલતા અને નયનતારાએ કહ્યું : `આજે અમારે ત્યાં પગ ઘુંઘરુના શીર્ષક સાથેનો કાર્યક્રમ હતો. એમાં ભાગ લેનારી વિદ્યાર્થિનીઓને અમે જ નૃત્ય શીખવેલું. એથી કાર્યક્રમ દરમિયાન અમે રંગમંચ પર હતા. પછી અમે અમારા કક્ષમાં ચાલ્યાં ગયાં. એની થોડી વારમાં જ ચીસો સાંભળીને અમે બહાર દોડી આવ્યાં.'
`સાહેબ...' પત્રલેખાએ કહ્યું : `હું વિદ્યાર્થિનીઓને નૃત્ય શીખવી રહેલી. પણ તમે પૂછો એ પહેલાં હું જણાવી દઉં કે ચાર દિવસ પહેલાં મારો ને ગૌતમકુમારનો ઝઘડો થઈ ગયેલો. એણે મારાં વસ્ત્રો વિશે ટિપ્પણી કરેલી. મને ન ગમ્યું. એથી હું એના પર ગુસ્સે થઈ ગયેલી. પણ એવડી અમથી બાબત માટે હું એનું ખૂન તો ન જ કં ને ?'
`ખૂન અંગે સૌ પ્રથમ કોને ખબર પડી?' કરણ બક્ષીએ મૂળ મુદ્દાનો પ્રશ્ન કર્યો.
`રઘુને. એ કલામંદિરમાં સેવક તરીકે નોકરી કરે છે..' કહીને પત્રલેખાએ રઘુને બોલાવ્યો. ને કહ્યું : `તારે ચિંતા કરવાની જરૂર નથી. તેં જે જોયું હોય એ ઈન્સ્પેક્ટર સાહેબને જણાવ.'
`સાહેબ...' બે હાથ જોડીને રઘુ ઊભો રહ્યો. ચહેરા પર ભય વ્યાપેલો. એનો અવાજ ધ્રૂજી રહેલો : `સાહેબ, ગૌતમકુમારને ચાનું વળગણ હતું. એમણે મારી પાસે ચા મંગાવેલી. પણ હું ચા આપવા ગયો ત્યારે..ત્યારે એ તો સ્વર્ગે સિધાવી ગયેલા.'
`રઘુ, હવે વિચારીને જવાબ આપજે કે ગૌતમકુમારે તને ચાનો ઓર્ડર આપ્યો ત્યારે કે તું ચા આપવા ગયો ત્યારે એમની સાથે કોઈ હતું ખં? કરણ પૂછી રહ્યો : `અથવા તો તું ચા આપવા ગયો ત્યારે કમરામાંથી કોઈ બહાર નીકળી રહ્યું હોય એવું કોઈ જોયેલું ?'
`સાહેબ એ તો...' રઘુ માથું ખંજવાળી રહ્યો. કહેવું ન કહેવુંની ગડમથલ દૂર થઈ હોય એમ બોલ્યો : `સાહેબે મને ચાનો ઓર્ડર આપ્યો ત્યારે એમની સાથે કંચન બેઠેલી. મને એવું લાગ્યું કે બે વચ્ચે કોઈ બાબતે રકઝક થઈ રહેલી. પણ હું તો આંખ આડા કાન કરીને બહાર નીકળી ગયો. પાંચ-સાત મિનિટ પછી હું ચા આપવા ગયો ત્યારે મને ઝીણો ઝીણો રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો. પણ કમરાની ભીતર તો કોઈ નહોતું. એથી કદાચ મારો ભ્રમ પણ હોઈ શકે.'
`હં, આ મહત્ત્વનો મુદ્દો ખરો...' કરણ મનોમન ગણગણ્યો. કનકલતાને કહીને કંચનને બોલાવી. એ તો આવતાંવેંત એકશ્વાસે કહી રહી : `મહિના પહેલાં મેં મજબૂરીના માર્યા ગૌતમકુમાર પાસેથી દસ હજાર રૂપિયા ઉધાર લીધેલા. એ પૈસા હજુ પાછા વાળી શકી નહોતી. એ બાબતે થોડી ખટપટ થઈ ગયેલી અમારી. પણ મારા પગારમાંથી ટુકડે ટુકડે પૈસા ચૂકવી દેવાની મેં વાત કરી. એથી ગૌતમકુમાર ટાઢા પડેલા. અમારી વચ્ચે સમાધાન થઈ ગયેલું. હવે આવી નજીવી બાબત માટે હું કાંઈ એમનું ખૂન કં એવી મૂર્ખ થોડી છું?' શ્વાસ લઈને ફરી બોલી : `એમ તો આજે સવારે કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં નંદિની અને મોહિનીની ગૌતમકુમાર સાથે ઉગ્ર બોલાચાલી થયેલી. તો ખૂની તો એ બે પણ હોઈ શકે ને?'
`નંદિની અને મોહિનીને બોલાવો.' કરણ બક્ષીએ કહ્યું. બેય હાજર થઈ. પોલીસત્રિપુટીએ બંનેને નખશિખ નિહાળી. ખૂબસૂરત નહોતી, પણ લાવણ્યમયી તો હતી જ. બેચેન બની ગયેલી નંદિની બોલી: `અમને શું કામ બોલાવ્યા છે?'
`ગૌતમકુમાર સાથે તમારી બોલાચાલી થયેલી, એ વાત સાચી?' કરણ આંખમાં આંખ પરોવીને બોલ્યો.
`જી સાહેબ...' આંખ ઢાળીને નંદિની બોલી : `ગૌતમકુમાર કાયમ મને ટપારતા રહેતા કે મને અભિનય કરતાં આવડતું નથી. આજે કાર્યક્રમ પહેલાં એ મારી ઠેકડી ઉડાડવા લાગ્યા. એથી હું રોષે ભરાયેલી. ઊંધી જ ચોંટી. મેં ચોપડાવી દીધેલું કે એમને જ અભિનય શીખવતાં આવડતો નથી. સાંભળીને એ જોરજોરથી બડબડ કરવા માંડ્યા. પણ હું તો ત્યાંથી નીકળી ગઈ.'
`મોહિની, તમારે શું કહેવાનું છે ?' દેવકી બોલી.
`મારે ગૌતમકુમાર સાથે લડવાનું કારણ જુદું હતું..' મોહિનીના ગળે ડૂમો ભરાયો : `ગૌતમકુમાર મારી પાછળ પડી ગયેલા. મેં એમને કહ્યું કે મારાં લગ્ન નક્કી થઈ ગયાં છે. એથી મારો પીછો છોડી દે. પણ એ સાંભળવા તૈયાર જ નહોતા. મને ધમકી આપતા કે મારા મંગેતરને મારી વિરુદ્ધ ઉશ્કેરશે. એ એવું કરે તો મારાં લગ્ન તૂટી જાય. એથી આજે સવારે તક મળતાં જ હું એમને અંતિમ વાર સમજાવવા ગયેલી. વાતચીત બોલાચાલીમાં પલટાઈ ગઈ. છતાં એ ન જ માન્યા. ને મારો કાર્યક્રમ હોવાથી હું નીકળી ગઈ.'
એટલામાં લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીની મૂર્તિની તપાસ કરીને આવેલા જયરાજ અને દેવકીએ કહ્યું : `સર, અમે બિલોરી કાચથી મૂર્તિઓનું એકદમ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું છે. ત્રણેય મૂર્તિઓ પરથી લોહીનો અંશ સુધ્ધાં મળ્યો નથી. એટલે ખૂનનું હથિયાર કોઈ ધાતુ હોય તો પણ આ મૂર્તિઓ તો નથી જ.'
`ધાતુ... પણ કઈ ધાતુ... કયું હથિયાર?' કરણ મૂંઝવણ અનુભવી રહ્યો. એવામાં એક વિદ્યાર્થિની પત્રલેખાને બોલાવવા ઘુંઘરુ રણઝણાવતી દોડી આવી. નૃત્યવર્ગ છોડીને આવેલી પત્રલેખા કરણ બક્ષીની રજા લઈને ચાલી ગઈ. ગુશિષ્યાને જતાં જોઈને કરણના મનમાં વીજળીનો ઝબકારો થયો. એણે નંદિની અને મોહિનીને પૂછ્યું : `આજનો કાર્યક્રમ પગ ઘુંઘરુ. પગ ઘુંઘરુ એટલે મીરાંબાઈનું પાત્ર તમે ભજવ્યું હશે. ખંને?'
`હા જી ...અમે મીરાંબાઈનાં ગીતો ને ભજનો પર નૃત્ય કરેલું.' બંને એકસાથે બોલી. એટલે કરણે કહ્યું : `નૃત્ય કરવા માટે તમે ઘુંઘરુ તો પહેર્યાં જ હશે.'
`જી સાહેબ... પગ ઘુંઘરુમાં ઘુંઘરુ વિના તો ચાલે જ નહીં ને ?'બંનેએ કહ્યું. એટલે કરણે પૂછ્યું : `એ ઘુંઘરુ ક્યાં છે ?'
`અમે ઘુંઘરુ એને ઠેકાણે મૂકી દીધાં છે.' બંને કહી રહી.
`અમને બતાડો એ જગ્યા..' કરણ, જયરાજ અને દેવકીએ નંદિની અને મોહિનીને આગળ કર્યા. કનકલતા અને નયનતારાને પણ સાથે લીધી. સાતેય સાથે ચાલી નીકળ્યાં. કેતકી, બંસરી, સારંગી, અંજલિ અને જૂહી પણ પાછળ ચાલ્યાં. નૃત્યનાં સાધનો અને વાજિંત્રો પડ્યાં રહેતાં એ પાંચમા કક્ષ પાસે આવીને અટક્યાં.
`કક્ષની એક દીવાલને અડીને સ્ટીલના મોટા બોક્સ પડેલા. પ્રત્યેક બોક્સમાં ઘુંઘરુ, ખંજરી, માળા અને તંબૂરો પડેલાં. જયરાજ અને દેવકીએ દરેક બોક્સમાં મૂકેલા ઘુંઘરુની ફેરવીને તપાસ કરવા માંડી. થોડી વાર પછી દેવકીએ એક ઘુંઘરુ કરણ સામે ઝુલાવ્યું : `સર, આ ઘુંઘરુની તાંબાની ઘૂઘરીઓ પર લોહીના ડાઘ છે.' ખૂનનું હથિયાર મળી ગયું. તાંબાની ધાતુના બનેલા ઘુંઘરુ!
`આ ઘુંઘરુ કોના છે ?' કરણના સ્વરમાં કરડાકી ભળી. પણ કોઈ કાંઈ બોલ્યું નહીં. એવામાં જયરાજે જોયું કે દરેક બોક્સમાં પડેલી માળાઓ જુદા જુદા રંગની હતી. દેવકીએ ઘુંઘરુ ઉપાડેલું એ બોક્સમાં નીલા રંગની માળા હતી. નયનતારાને એ વિશે પૂછતાં ખબર પડી કે સાડીની કિનારીના રંગની માળા સહુએ પહેરેલી.
`નીલી કિનારીવાળી સાડી કોણે પહેરેલી ?' કરણના અવાજમાં તીક્ષ્ણતા હતી, છતાં કોઈ કાંઈ બોલ્યું નહીં. કનકલતા અને નયનતારાને પણ યાદ નહોતું કે નીલી કોરવાળી સાડી કોણે પહેરેલી. એટલે જયરાજે જુદી રીતે એ જ સવાલ કર્યો : `કોણે કયા રંગની કિનારીવાળી સાડી પહેરેલી?'
પાસા પોબાર. ફટાફટ જવાબ મળવા માંડ્યા. કેતકી બોલી, વાદળી કોરવાળી, નંદિની બોલી, લીલી કોરવાળી, અંજલિ બોલી, જાંબલી કોરવાળી, સારંગી કહે પીળી કોરવાળી, બંસરી કહે નારંગી કોરવાળી ને જૂહી બોલી, રાતી કિનારીવાળી.. છ વિદ્યાર્થીનીઓએ કયા રંગની કિનારીવાળી સાડી પહેરેલી એ ખબર પડી એટલે જેણે જવાબ ન આપ્યો એ સાતમી મોહિનીએ નીલી કોરવાળી સાડી પહેરેલી એ આપોઆપ સ્પષ્ટ થઈ ગયું. ખૂની મોહિની હતી !
મોહિની ભાંગી પડી : `હા, મેં જ ખૂન કર્યું છે... ગૌતમકુમાર મારી જિંદગી બરબાદ કરવા બેઠેલો. એથી મેં એનું કાસળ કાઢવાનું વિચારી લીધેલું. આજે મોકો મળી ગયો. એ જ્યાં અભિનય શીખવે છે એની બાજુના આ ખંડમાં અમે વસ્ત્રો બદલવા આવેલાં. અભિનયકક્ષમાં કોઈ નહોતું. એટલે આ કમરાના છ ચેન્જિંગ રૂમમાં અન્ય વિદ્યાર્થીનીઓ કપડાં બદલવા ગઈ, ત્યારે હું ચૂપચાપ બહાર નીકળી. બાજુના ખંડમાં ગઈ. અને સામે બેઠેલા ગૌતમકુમારને કાંઈ ખબર પડે એ પહેલાં એના માથા પર ઘુંઘરુનો જોરદાર પ્રહાર કર્યો. બે ફટકામાં જ એ ઢળી પડ્યો. હું પાછી ચેન્જિંગ રૂમમાં ગઈ, ત્યારે કોઈ વસ્ત્રો બદલીને બહાર આવ્યું નહોતું.. એથી મને એમ થયું કે કોઈને મારા ખૂની હોવા અંગે ખબર નહીં પડે...'
`દરેક ગુનેગારને એવો જ ફાંકો હોય છે...'કરણ કહી રહ્યો : `પણ ગુનો કરતી વખતે એ ભૂલી જાય છે કે કાનૂનના હાથ ખૂબ લાંબા હોય છે. એ ગમે તેટલા ચાલાક ગુનેગારને પાતાળમાંથી પણ પકડી જ લે છે !'
મોહિની શું બોલે? ધાતુની બનેલી હાથકડી પહેરવા એણે દેવકી સામે હાથ લંબાવી દીધો!
આવતા અઠવાડિયે નવી કથા