Mon Jun 15 2026

Logo

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની રૂપિયો ભારતના રૂપિયા સામે 12 ટકા મજબૂત થયો, એશિયાના ચલણોમાં ભારતની હાલત સૌથી ખરાબ

2026-06-04 11:46:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની રૂપિયો ભારતના રૂપિયા સામે 12 ટકા મજબૂત થયો છે. એશિયાના ચલણોમાં ભારતની હાલત સૌથી ખરાબ હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે.

15 મે, 2025ના રોજ વિનિમય દર  ભારતીય રૂપિયા સામે 3.2913 પાકિસ્તાની રૂપિયા  હતો. 18 મે, 2026 સુધીમાં આ દર ઘટીને ભારતીય રૂપિયા દીઠ 2.9010 પાકિસ્તાની રૂપિયા થઈ ગયો હતો. એટલે કે ભારતીય રૂપિયો પાકિસ્તાની રૂપિયા સામે 11.86 ટકા નબળો પડ્યો હતો. માત્ર ચાલુ વર્ષે જ 6.8 ટકા નબળો પડ્યો છે. આ તીવ્ર ઘટાડો સાબિત કરે છે કે ભારતનો આર્થિક પડકાર માત્ર વૈશ્વિક સ્તરે ડૉલરની મજબૂતી અથવા પશ્ચિમ એશિયાની કટોકટીનું પરિણામ નથી. 


વર્ષ 2025માં એશિયામાં ભારતીય રૂપિયાનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું અને ચાલુ વર્ષમાં પણ તે સૌથી ખરાબ પ્રદર્શન કરતું ચલણ રહ્યું છે. આ જ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશી ટાકા સામે પણ ભારતીય રૂપિયો નબળો પડ્યો છે, જે પ્રતિ રૂપિયા 1.42થી ઘટીને 1.28 ટાકા થયો છે, જે વર્ષમાં આશરે 10%નો ઘટાડો દર્શાવે છે.

મોદી સરકાર અવારનવાર રૂપિયાની નબળાઈ માટે માત્ર બાહ્ય દબાણો અને પશ્ચિમ એશિયાની કટોકટીને જવાબદાર ગણાવે છે. જો કે, પાકિસ્તાની ચલણ સામે સતત થઈ રહેલો ઘટાડો સૂચવે છે કે આ સમસ્યા ખાસ કરીને ભારતની જ છે. જો આ ઘટાડો સંપૂર્ણપણે વૈશ્વિક પરિબળો અથવા ડૉલરને કારણે હોત, તો તેની અસર પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત તમામ પ્રાદેશિક ચલણો પર એકસરખી જોવા મળી હોત. અન્ય ઊભરતા બજારોના ચલણોએ પણ આવા જ બાહ્ય આંચકાઓનો સામનો કર્યો હતો, પરંતુ તેઓ પાકિસ્તાની રૂપિયા સામે આ રીતે નબળા પડ્યા નથી.

પાકિસ્તાની રૂપિયા સામે ભારતીય રૂપિયાના ઘટાડાની શરૂઆત ઓપરેશન સિંદૂરથી થઈ હતી.  ત્યારથી સતત ચાલુ જ રહ્યો છે. ભારતીય અર્થતંત્રમાં આંતરિક માળખાકીય સમસ્યાઓ છે, જે વૈશ્વિક પરિબળો દ્વારા ઊભા થયેલા દબાણ કરતાં પણ વધુ ઊંડી હોવાનું દર્શાવે છે. પાકિસ્તાન સાથેની આ સરખામણી ઘણું શીખવી જાય છે. પાકિસ્તાન 2025માં ફરીથી IMFના કાર્યક્રમમાં જોડાયું હતું અને તેને કડક નાણાકીય તેમજ રાજકોષીય પગલાં લાગુ કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે 2012 અને 2013માં ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે, મોદીએ રૂપિયાના ઘટી રહેલા મૂલ્ય માટે યુપીએ સરકારની વારંવાર ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે રૂપિયાનો ઘટાડો એ કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને નબળા શાસનનું સીધું પ્રતિબિંબ છે. તેમણે પોતાની જાતને એક મજબૂત નેતા તરીકે રજૂ કરવા માટે પાકિસ્તાન અંગે સતત આક્રમક રાષ્ટ્રવાદી ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે યુપીએ સરકાર પાકિસ્તાનને ભારતીય હિતોની વિરુદ્ધ કામ કરતું રોકવામાં અસમર્થ છે અને તેમના જેવા મજબૂત નેતા એ સુનિશ્ચિત કરશે કે ભારત પોતાનું પ્રભુત્વ જાળવી રાખે.

વર્તમાન આંકડા તેઓ વડા પ્રધાન તરીકે ચૂંટાયા તે પહેલાં આપેલા નિવેદનો સાથે મેળ ખાતા નથી. તેમની પોતાની સરકાર હવે એવા ચલણની વાસ્તવિકતાનો સામનો કરી રહી છે જે પાકિસ્તાની રૂપિયા સામે પણ નબળું પડી રહ્યું છે. આ ઘટાડો પૂરા એક વર્ષથી સતત ચાલુ રહ્યો છે અને તેમાં વૈશ્વિક આંચકાઓ તેમજ સ્થાનિક નીતિગત પરિસ્થિતિઓ બંનેનો સમાવેશ થાય છે.