Sun Mar 08 2026

Logo

ડોલરના પાવરે ગુજરાતની બેંકોમાં NRI ડિપોઝિટમાં લાવી દીધી સુનામી...

3 days ago
Author: MayurKumar Patel
Article Image

AI-Generated Image


અમદાવાદઃ વૈશ્વિક ડામાડોળ સ્થિતિને લઈ ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે પહેલી જ વાર 92.17 પર પહોંચી ગયો હતો. ભારતીય ચલણે પહેલી જ વાર મનોવૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ 92 સ્તરને તોડી નાખ્યું હતું. આ ઘટાડો જાન્યુઆરી 2026ના અંતમાં નોંધાયેલા 91.99 અને 92.02 ના અગાઉના રેકોર્ડ નીચા સ્તરને પણ વટાવી ગયુ છે. ડોલર મજબૂત થતા ગુજરાતની બેંકોમાં NRI ડિપોઝિટમાં 13 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં ગુજરાતની NRI ડિપોઝિટ વાર્ષિક ધોરણે 13% વધીને ₹1.17 લાખ કરોડ થઈ છે, જે ડિસેમ્બર-2024ના ₹1.05 લાખ કરોડની સરખામણીએ 12.4% નો વધારો દર્શાવે છે. SLBC (સ્ટેટ લેવલ બેંકર કમિટી) રિપોર્ટ મુજબ, ડોલરની સતત મજબૂતી અને NRE ડિપોઝિટ પરના આકર્ષક વ્યાજ દરોને કારણે આ વધારો જોવા મળ્યો છે.

ડોલરનું મૂલ્ય વાર્ષિક ધોરણે અંદાજે 7% વધ્યું 

સૂત્રોએ જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે વિદેશી હૂંડિયામણનું મૂલ્ય રૂપિયામાં વધી ગયું છે, જેનાથી વિદેશમાં વસતા ગુજરાતીઓ સ્થાનિક બેંકોમાં વધુ રકમ જમા કરાવવા માટે પ્રોત્સાહિત થયા છે. ડોલરનું મૂલ્ય વાર્ષિક ધોરણે અંદાજે 7% વધ્યું છે.

NRI ડિપોઝિટમાં અમદાવાદનો સૌથી વધુ હિસ્સો

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું, ઘણા NRI માટે આ વળતરની તક અને કરન્સી હેજ બંને છે. વ્યાજ દરનો તફાવત અને વિનિમય દરનો ફાયદો બંને સાથે મળીને કામ કરી રહ્યા છે. જોકે, આ રોકાણ અમુક ચોક્કસ જિલ્લાઓમાં જ કેન્દ્રિત છે. કુલ NRI ડિપોઝિટમાં અમદાવાદનો હિસ્સો 22% છે, ત્યારબાદ વડોદરા 9%, કચ્છ 7.6% અને સુરત 7.5% નો નંબર આવે છે. આ જિલ્લાઓ મળીને ગુજરાતની કુલ વિદેશી ડિપોઝિટનો મોટો હિસ્સો ધરાવે છે, જે પરંપરાગત બિઝનેસ અને સ્થળાંતરના કેન્દ્રોનું વર્ચસ્વ દર્શાવે છે.

ગાંધીનગરમાં ડિપોઝિટમાં 162% નો તોતિંગ ઉછાળો 

સૌથી વધુ તેજી ગાંધીનગરમાં જોવા મળી છે, જ્યાં ડિપોઝિટમાં વાર્ષિક ધોરણે 162% નો તોતિંગ ઉછાળો નોંધાયો છે. બેંકર્સ આ ઉછાળા પાછળ સંસ્થાકીય રોકાણ અને રિયલ એસ્ટેટના રોકાણો જવાબદાર હોવાનું માને છે. પરંપરાગત રીતે વિદેશી વસવાટ ધરાવતા જિલ્લાઓમાં સાબરકાંઠામાં 29% વધારો, મોરબીમાં 26% વધારો, પંચમહાલમાં 21% વધારો અને મહેસાણામાં 17%ની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે વલસાડમાં પણ 14% નો વધારો થયો છે.

સૂત્રોએ ઉમેર્યું કે, ડિપોઝિટમાં થયેલો આ વધારો પ્રોપર્ટી માર્કેટમાં NRI ના વધેલા રસનો પણ નિર્દેશ કરે છે. ખાસ કરીને પ્રીમિયમ સેગમેન્ટ, પ્લોટેડ ડેવલપમેન્ટ અને સેકન્ડ હોમ માટે વિદેશી ગુજરાતીઓની ઈન્કવાયરીમાં વધારો થયો છે. ઘણા NRI લિક્વિડિટી  NRE ડિપોઝિટમાં રાખવાનું અને જરૂર મુજબ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.