Fri Jun 26 2026

Logo

ભારતીય રેલવેએ કર્યો પહેલો 'ટ્રેન ક્રેશ ટેસ્ટ': જુઓ કેવી રીતે થઈ ટક્કર?

2026-06-26 18:14:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ નવી કાર તૈયાર કરવામાં આવી હોય એ સમયે એનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને ક્રેશ ટેસ્ટિંગ વધારે રસપ્રદ અને રોમાંચક હોય છે, આ સાથે તે રિસ્કી પણ એટલું જ હોય છે. હવે માત્ર કાર જ નહીં ટ્રેનનું પણ ક્રેશ ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. પ્રવાસીઓની સુરક્ષા વધારવા માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા આ પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે અકસ્માત થાય છે એ સમયે પ્રવાસીઓના જીવને સૌથી વધારે જોખમ રહે છે. ભારતીય રેલવેની રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશ (આરડીએસઓ)ને ઓટોમોટિવ રિસર્ચ એસો. ઓફ ઈન્ડિયા સાથે મળી એક ક્રેશ ટેસ્ટિંગ ટેસ્ટ શરૂ કરી હતી. 

ટ્રેન કોચનું ક્રેશ ટેસ્ટિંગ

મોર્ડન LHBને જુના ICF કોચની તુલનામાં સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પાછળનું મોટું કારણ એ છે કે, એન્ટી ક્લાઈબિંગ ડીઝાઈન અને બેસ્ટ સ્ટ્રક્ચરને કારણે તે સૌથી બેસ્ટ છે. ટેસ્ટિંગમાંથી જે વિગત સામે આવી છે એમાં આ ટેકનિક કોચને હજુ વધારે સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે. ARAIએ આ અંગેની કેટલીક વિગત સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. આ સંસ્થા કાર ક્રેશિંગ ટેસ્ટ કરે છે. પણ આ વખતે ટ્રેન કોચનું ક્રેશ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. 

આ પરીક્ષણને પ્રવાસીઓની સુરક્ષાની દિશામાં એક માઈલસ્ટોન પગલા સમાન માનવામાં આવે છે. આ ક્રેશ ટેસ્ટ LHB કોચ સાથે કરાવવામાં આવી હતી. કંટ્રોલ્ડ ક્રેશ ટેસ્ટ RDSOએ 24 જૂનના રોજ લખનઊમાં કરી હતી. કમ્પ્યુટર સ્ટિમુલેશન અથવા લેબોરેટરી કોમ્પોનન્ટ ટેસ્ટથી અલગ ફૂલ સ્કેલ ફિઝિકલ પરીક્ષણ હતું. 

ઈન્ટરનેશનલ માપદંડ ફોલો થયા

આ ક્રેશ ટેસ્ટમાં બે LHB સ્પેશ્યલ ડિઝાઈન રેમ્પ પરથી છોડવામાં આવ્યા હતા.ખૂબ જ ગતિથી આગળ વધતા આ કોચ આગળ ઊભા રાખવામાં આવેલા વેગન સાથ અથડાવવામાં આવ્યા હતા. આ ટક્કર વખતે કોચની સ્પિડ 44 કિમી/કલાક નક્કી કરવામાં આવી હતી. આ ક્રેશ ટેસ્ટ ઈન્ટરનેશનલ માપદંડ EN 15227 અનુસાર કરવામાં આવી હતી. આ ક્રેશને ઈરાદાપૂર્વક એટલા માટે કરવામાં આવ્યો કારણ કે, કોચ સ્ટ્રક્ચર કેવી રીતે ક્રેશ એનર્જીને એબસોર્બ કરે છે. એ જાણવા માટે કરાયું હતું. 

આ સાથે ટક્કર દરમિયાન કોચ સ્ટ્રક્ચર પર અસર કેવી થાય છે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આવી સ્થિતિ ઊભી થાય ત્યારે પ્રવાસીઓને બાહર કાઢવા માટે કેટલી સ્પેસ જોઈએ અને સ્પેસ પર શું અસર થાય એને પણ ખાસ રીતે નોંધવામાં આવ્યું છે. આ સમગ્ર ક્રેશ પાછળનો હેતુ રિયલ વર્લ્ડ ડેટાને એકઠો કરવાનો હતો. 

પ્રવાસીની સુરક્ષાને પ્રાથમિકતા

જેના આધાર પર પ્રવાસીઓની સુરક્ષાને વધારે મજબૂત અને માપદંડ અનુસાર વધારે સક્ષમ બનાવી શકાય. આમાં સફળતા મળતા આ જ પ્રકારના મજબૂત કોચને તૈયાર કરવામાં આવશે અને ટ્રેન સાથે પછી જોડી દેવામાં આવશે. આ માટે કોચની આસપાસ ખાસ પ્રકારના સેન્સર મૂકવામાં આવ્યા હતા. 

હાઈસ્પીડ કેમેરામાં સમગ્ર ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી. એક સેટઅપ તૈયાર કરીને કોચના સ્ટ્રક્ચરને થનારા નુકસાન, ટક્કરના સમયે કોચની સ્થિતિને સમજવા તથા નજીકથી જોવા માટે આ સમગ્ર સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. ભવિષ્યમાં પણ આ ડેટા ખૂબ ઉપયોગી સાબિત થશે. સમગ્ર પ્રક્રિયાના અંતે જે ડેટા એકઠો કરવામાં આવ્યો તેનો ઉપયોગ ભવિષ્યમાં કોચના નિર્માણમાં કરવામાં આવશે.