નવી દિલ્હીઃ ભારતીય કેરીઓની નેપાળમાં નિકાસને લઈને અનેક અહેવાલો વહેતા થયા હતા, જેમાં અમુક મીડિયા રિપોર્ટ્સના દાવા અનુસાર નેપાળે ભારતથી આયાત થતી કેરીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે, કાં તો તેને હંગામી ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે, આ મુદ્દે ભારત સરકારના કૃષિ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નેપાળ દ્વારા કોઈ પણ પ્રકરનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.
ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળ દ્વારા ભારતીય કેરીઓ પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા નથી આ ખબરો ભ્રામક અને તથ્ય વિનાની છે. નેપાળે અમુક આયાત નિયમો લાગુ કર્યા છે. આ સ્પષ્ટીકરણથી સામાન્ય ખેડૂતો, નિકાસકારો અને વ્યાપારીઓને મોટી રાહત મળી છે, કેમ કે નેપાળ ભારતીય કેરીઓનું એક મહત્વપૂર્ણ બજાર છે.
ક્યાં નિયમોનું પાલન નેપાળ સરકાર માટે જરૂરી?
નેપાળ સરકારના પ્લાન્ટ ક્વોરન્ટાઇન એન્ડ પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ સેન્ટરે 10 જૂન 2026એ સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય કેરીઓની આયાતો પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. ભારતીય કેરીઓની આયાત અગાઉની જેમ જ ચાલુ છે, પણ આ માટે નક્કી થયેલી ફાઇટોસેનિટરી નિયમોનું પાલન કરવું જરૂરી છે. કેરી આયાતકારોને ભારત સરકાર દ્વારા જાહેર કરેલ માન્ય ફાઈટોસેનિટરી સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. ત્યાર બાદ જ આયાત પરમિટ અને રિલીઝ ઓર્ડર પસાર કરવામાં આવી રહ્યા છે.
બંને દેશો વચ્ચે કેરીઓના વ્યાપાર સામાન્ય
આંકડાઓ પર નજર નાખતા ભારતની કેરીઓની નિકાસ નેપાળમાં એકધારી ચાલી રહી છે. જાન્યુઆરી 2026થી અત્યાર સુધી ભારતથી નેપાળ સુધી 149 ખેપમાં લગભગ 2005 મેટ્રિક ટન કેરીઓ મોકલવામાં આવી હતી. ફક્ત જૂન 2026માં 18 ખેપના માધ્યમથી 266 મેટ્રિક ટન કેરીઓ નેપાળ નિકાસ કરવામાં આવી હતી. આ આંકડાઓ બંને દેશો વચ્ચે કેરીનો વ્યાપાર સામાન્ય રૂપે ચાલી રહ્યો છે અને કોઈ પણ રોક લગાવવામાં આવી નથી તેની સાબિતી આપે છે.
નેપાળે લાગુ કર્યા અમુક આયાતના નિયમો
નેપાળે અમુક આયાતી નિયમો લાગુ કર્યા છે, તેમાં સૌથી મહત્વપૂર્ણ 'હોટ વોટર ટ્રીટમેન્ટ'ની જરૂરિયાત છે. આ પ્રક્રિયા અંતર્ગત કેરીઓની આયાત પહેલા ગરમ પાણીથી સાફ કરવામાં આવે છે, જેથી તેમાં હાજર જંતુઓ અને રોગોને અંકુશમાં લાવી શકાય. ભારત આ નવા નિયમોનું પાલન કરતા આ નિકાસને સુચારુ બનાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બીજી તરફ ભારત સરકારે ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું છે કે નેપાળના આ નવા ફાઈનોસેનિટરી નિયમો લાગુ કરતા પહેલા જરૂરી પરામર્શ કર્યો નથી. આ મુદ્દાને ભારતે વિશ્વ વ્યાપાર સંગઠનમાં યોગ્ય દ્વિપક્ષીય મંચો પર ઉઠાવ્યા છે.
જાણકારોનું માનવું છે કે, નેપાળમાં ભારતીય કેરીની સારી માંગ છે અને બંને દેશો વચ્ચે કૃષિ વેપાર લાંબા સમયથી મજબૂત બની રહ્યો છે. એવામાં કોઈ પણ પ્રકારની અફવાઓ ખેડૂતો અને વેપારીઓ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. આ કારણોસર કૃષિ મંત્રાલય દ્વારા દરેક ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આયાત-નિકાસથી જોડાયેલી જાણકારી ફક્ત અધિકૃત સ્ત્રોતો દ્વારા જ પ્રાપ્ત કરે અને સોશ્યિલ મીડિયા કે કોઈ પણ રિપોર્ટ અંગે કોઈ વિશ્વાસ કરે નહીં.