નવી દિલ્હી : મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. જેમાં શિપ-ટ્રેકિંગ ડેટા અનુસાર બે ભારતીય ધ્વજવાળા LPG ટેન્કર પાઈન ગેસ અને જગ વસંત સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ગયા છે. સોમવારે બપોરે બંને જહાજો ઈરાની ટાપુઓ લારક અને કેશ્મ વચ્ચે જોવા મળ્યા હતા.
જ્યાં ઈરાની અધિકારીઓને તેની તપાસ કરી રહ્યા હતા. આ બે જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા 22 ભારતીય જહાજોમા હતા. આ જળમાર્ગ ઈરાન અને ઓમાન વચ્ચે સ્થિત છે અને ખાડી દેશોમાંથી ક્રુડ ઓઈલ અને ગેસના વૈશ્વિક પુરવઠા માટે પ્રાથમિક જળ માર્ગ છે.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી બે ભારતીય જહાજ ભારત પહોંચ્યા
આ પૂર્વે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ત્રણ ભારતીય જહાજ ભારત પહોંચ્યા છે. જેમાં એલપીજી જહાજ શિવાલિક 16 માર્ચે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું, જ્યારે નંદા દેવી 17 માર્ચે કંડલા બંદરે પહોંચ્યું હતું. આ બંને જહાજોમાં આશરે 92,712 ટન LPG હતો. જે દેશના ઘરેલુ ગેસ વપરાશનો એક દિવસના પુરવઠા જેટલું હતું.
આ ઉપરાંત જગ લાડકી નામનું એક ભારતીય તેલ ટેન્કર UAE થી 80,886 ટન ક્રૂડ ઓઇલનું પરિવહન કરી રહ્યું હતું કે 18 માર્ચે મુન્દ્રા પહોંચ્યું હતું. તેમજ જગ પ્રકાશ નામનું બીજું ટેન્કર ઓમાનથી પેટ્રોલ લઈને આફ્રિકા માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે અને હાલમાં તાંઝાનિયા તરફ આગળ વધી રહ્યું છે.
આ પ્રદેશમાં કુલ 28 ભારતીય જહાજો હતા
અમેરિકા ઈરાન યુદ્ધની શરુઆત થઈ ત્યારે આ પ્રદેશમાં કુલ 28 ભારતીય જહાજો હતા. જેમાં 24 હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમી ક્ષેત્રમાં સ્થિત હતા અને ચાર પૂર્વીય ક્ષેત્રમાં હતા. તાજેતરના દિવસોમાં બંને બાજુથી બે જહાજો સફળતાપૂર્વક આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયા છે. જોકે મૂળ 24 જહાજોમાંથી 22 જેમાં 611 ખલાસીઓ છે તે પશ્ચિમી ક્ષેત્રમાં ફસાયેલા છે. જ્યારે બે જહાજો પૂર્વીય ક્ષેત્રમાં ફસાયેલા છે.