Thu Jun 18 2026

Logo

ઓમાનના દરિયામા મિસાઈલ હુમલામા મૂળ દીવના યુવાનનું મોત, પરિવારમાં માતમ...

2026-03-03 21:06:08
Author: pooja shah
Article Image

Reuters


(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં એક 25 વર્ષીય ભારતીય યુવાનનું મોત નિપજ્યું હોવાના દુઃખદ સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. આ યુવક મૂળ દીવનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કર શિપ એમ.ટી.સ્કાયલાઈટ પર થયેલા મિસાઈલ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું. 

મૂળ દીવના ભાવસારવાડાના વતની દિક્ષિત અમરિક સોલંકીનો પરિવાર હાલમાં મુંબઈ ખાતે કાંદિવલીમાં રહે છે. મૃતક અપરિણિત હતો. વધારે દુઃખદાયક બાબત એ છે કે તેના માતા એકાદ મહિના પહેલા જ મૃત્યુ પામ્યાં હતાં. જૂવાનજોધ દીકરીના મોતના સમાચારથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. 

યુદ્ધ શરૂ થતાં ઓમાનના પોર્ટ સુલ્તાન કાબૂસના સમુદ્રમાં એમ.ટી.સ્કાયલાઈટ કંપનીનું ઓઈલ ટેન્કર શિપ જઈ રહ્યું હતું, જેમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી અને 1 યુક્રેની સભ્ય સવાર હતા. દીવનો દિક્ષિત શિપના એન્જિન રૂમમાં રિડિંગ લેવા ગયો હતો ત્યારે શિપ પર મિસાઈલ હુમલો થયો હતો અને વિસ્ફોટ સાથે આગ લાગી હતી.

અન્ય 21 સભ્યને બચાવી લેવાયા હતા, પરંતુ કમનસીબે દિક્ષિતનું મોત થયું હતુ. હાલમાં દિક્ષિતનો મૃતદેહ મુંબઈસ્થિત પરિવારને સોંપવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 
પરિવાર સહિત દીવ અને ધોધલાનો ખારવા સમાજ આ ઘટનાથી શોકમાં ગરકાવ થઈ ગયો છે.