નવી દિલ્હીઃ વર્તમાન રવી મોસમમાં ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કમોસમી વરસાદ અને કરાં પડવાને કારણે વર્ષ 2025-26ની મોસમમાં ઘઉંનું ઉત્પાદન 11થી 12 કરોડ ટન આસપાસ રહેવાની શક્યતા ખાદ્ય સચિવ સંજીવ ચોપ્રાએ વ્યક્ત કરી હતી.
નોંધનીય બાબત એ છે કે રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ વર્ષ 2025-26ની મોસમ માટે ઘઉંના ઉત્પાદનનો અંદાજ આગલી મોસમના 10.963 કરોડ ટનના ઉત્પાદન સામે વધીને 11.065 કરોડ ટનનો મૂક્યો છે. જોકે, આ અંદાજમાં હવામાનની માઠી અસરને ધ્યાનમાં લઈને મૂકવામાં આવ્યો છે.
અગાઉ કૃષિ મંત્રાલયે પ્રતિકૂળ હવામાનની સ્થિતિ પૂર્વે વર્તમાન મોસમ માટે ઘઉંના ઉત્પાદનનો અંદાજ ગત સાલના 11.794 કરોડ ટન સામે 12.021 કરોડ રહેવાનો અંદાજ મૂક્યો હતો, જ્યારે ફેડરેશને અગાઉ 12 કરોડ ટનના ઉત્પાદનનો અંદાજ મૂક્યા બાદ પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં લઈને 11 કરોડ ટનનો અંદાજ મૂક્યો છે. તેમ છતાં વાસ્તવિક ઉત્પાદન 11થી 12 કરોડ ટન વચ્ચે રહેવાની શક્યતા ચોપ્રાએ વ્યક્ત કરી હતી.
અત્યાર સુધીમાં ઘઉંની સરકારી પ્રાપ્તિ 1.64 કરોડ ટનની થઈ છે અને સરકારે પ્રાપ્તિનો અંદાજ જે અગાઉ ત્રણ કરોડ ટનનો મૂક્યો હતો તે વધારીને 3.45 કરોડ ટનનો મૂક્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઉત્તરાખંડમાંથી એકમાત્ર ઉત્તરાખંડને બાદ કરતાં અન્ય ચાર રાજ્યોમાં પ્રાપ્તિના ધોરણો હળવા કરવામાં આવ્યા હોવાથી પ્રાપ્તિનો અંદાજ વધારવામાં આવ્યો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સરકારે 50 લાખ ટન ઘઉં અને 10 લાખ ટન ઘઉંના ઉત્પાદનોની નિકાસને મંજૂરી આપી છે. જોકે, હાલ ભાવ પેરિટીમાં ન હોવાને કારણે શિપમેન્ટોની ગતિ મંદ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે નિર્દેશ આપ્યો હતો કે સરકાર ઘઉં માટેની નવી ઓપન માર્કેટ સેલની નીતિ આગામી બે મહિનામાં જાહેર કરશે અને મિલોને પુરવઠા માટે સ્કીમો પર દારોમદાર રાખવાને બદલે પ્રાપ્તિમાં વધુ સક્રિય થવાનો અનુરોધ કર્યો હતો.