Sun May 24 2026

Logo

ભીષણ ગરમી વચ્ચે મોનસૂનની એન્ટ્રી, UP-બિહાર સહિત 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

2026-05-24 08:49:00
Author: Vimal Prajapati
Article Image

Ai Image


 

નવી દિલ્હીઃ દેશના અનેક ભાગોમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. 23 મે 2026ના રોજ ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડી અને અંડમાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે.

આ મોનસૂન એક્ટિવિટીને કારણે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સહિત દેશના 19 રાજ્યોમાં તીવ્ર આંદી, વાવાઝોડું અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે.

દિલ્હીમાં આજે કેવું રહેશે હવામાન?

દિલ્હીમાં હવામાન વિભાગે પ્રચંડ ગરમી અને વરસાદનું એલર્ટ આપ્યું છે. આજે આકાશ ચોખ્ખું રહેશે અને લૂ ચાલશે. જોકે, 25 મેના રોજ દિલ્હી-NCRમાં હવામાન પલટાશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠ, શામલી, બુલંદશહર અને સહારનપુર સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે પૂર્વીય અને પશ્ચિમી યુપીમાં 24થી 29 મે દરમિયાન તીવ્ર લૂ ચાલવાનું એલર્ટ પણ યથાવત છે.

 

બિહારની વાત કરવામાં આવે તો, પટના, ગયા, મુઝફ્ફરપુર, પૂર્ણિયા, ભાગલપુર અને રાજગીરમાં વરસાદનો માહોલ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. બિહારમાં તારીખ 24, 28 અને 29 મેના રોજ વરસાદની સંભાવના છે, જ્યારે 25 અને 26 મેના રોજ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હાલમાં પંજાબ ભીષણ ગરમીની ચપેટમાં છે. જોકે, આજે અને 29 મેના રોજ તેજ પવન સાથે વરસાદ થવાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

હિમાચલ પ્રદેશમાં શિમલા, મનાલી, ધર્મશાલા, મંડી અને ચંબામાં 29 મે સુધી ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ અને કરા પડવાનું એલર્ટ છે. ઉત્તરાખંડમાં દેહરાદૂન, નૈનીતાલ, રુદ્રપ્રયાગ અને હરિદ્વારમાં આવતીકાલે વેધર ચેન્જ થશે અને વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે ઝારખંડમાં રાંચી, જમશેદપુર અને ધનબાદમાં 26 થી 29 મે દરમિયાન વાવાઝોડું અને વરસાદ આવવાની શક્યતા છે.

ઉત્તરમાં જમ્મુ-કાશ્મીરની વાત કરવામાં આવે તો, શ્રીનગર, જમ્મુ,પહેલગામ, બારામૂલા, અનંતનાગ અને કઠુઆ સહિતના વિસ્તારોમાં 24  અને 25 મેના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળ, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પૂર્વોત્તર ભારતમાં આગામી 3થી 4 દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જે મોનસૂન સંપૂર્ણ રીતે સક્રિય હોવાના સંકેત છે.