Fri May 01 2026

Logo

ગુજરાતમાં વધી ગરમી, યુપી-બિહારના વાતાવરણમાં આવશે પલટો, જાણો દેશભરનું હવામાન

2026-03-31 08:38:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ/નવી દિલ્હીઃ સમગ્ર ભારતમાં હવામાન પલટાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમગ્ર દેશના વાતાવરણને અસર કરી રહ્યું છે. હવામાન વિભાગે 31 માર્ચથી 5 એપ્રિલ સુધી ભારે વરસાદ, ગાજવીજ સાથે વાવાઝોડું, ભારે પવન તથા તાપમાનમાં ઉતાર-ચઢાવની સંભાવના વ્યક્ત કરી છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ગરમી અને ભેજ વધી શકે છે. ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક હિસ્સામાં આગામી દિવસોમાં તાપમાનમાં 2-5 ડિગ્રીનો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

ગુજરાતમાં આજે ગરમીની અસર જોવા મળશે. અમદાવાદ અને સુરતમાં તાપમાન 35 ડિગ્રીને પાર થઈ શકે છે. જેનાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.હવામાન વિભાગ અનુસાર, મહત્તમ તાપમાનમાં આગામી 3 દિવસ માટે મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ધીમે ધીમે ઘટાડો થશે, ત્યારબાદ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. લઘુત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, આ જ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના સપાટી પરના પવન ઝડપી ઝાપટાં સાથે સાથે હળવોથી મધ્યમ વરસાદ પણ થવાની સંભાવના છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવા માટે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. જ્યારે બાકીના સમગ્ર રાજ્યમાં વરસાદ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. બઈ સહિતના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 31 માર્ચ સુધી ભારે પરવન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. અરૂણાચલ પ્રદેશમાં 31 માર્ચ અને 1 એપ્રિલે તથા આસામ, મેઘાલય, ત્રિપુરામાં 31 માર્ચે ભારે વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયણા, ચંદીગઢ, દિલ્હીમાં 3 થી 5 એપ્રિલ દરમિયાન, પશ્ચિમ રાજસ્થાનમાં 2 થી 4 એપ્રિલ દરમિયાન, પૂર્વ રાજસ્થાનમાં 3 અને 4 એપ્રિલે તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 4 અને 5 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ક્યાંક ગાજવીજ તથા ભારે પવનની શક્યતા છે.

મધ્ય ભારતમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ, વીજળી અને 30 થી 50 કિમીની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વિદર્ભમાં 31 માર્ચ અને 1 એપ્રિલ, છત્તીસગઢમાં 1 એપ્રિલ દરમિયાન ક્યાંક કરા પડી શકે છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં પણ વરસાદની સાથે કરા પડી શકે છે. દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. બપોરથી સાંજ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. 

દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં આજે ગરમી વધી શકે છે. ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરુમાં તાપમાન વધશે, જ્યારે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં આકરા ઉનાળાનો અનુભવ થશે. બિહારમાં ગરમીથી લોકો પરેશાન થઈ શકે છે. રાજસ્થાનમાં પણ ગરમીએ સ્પીડ પકડવાનું શરૂ કર્યું છે. જયપુર, જોધપુર અને બીકાનેરમાં તાપમાન વધી રહ્યું છે અને લૂ જેવી સ્થિતિ ઉભી થઈ છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. જેનાથી તાપમાન ઘટશે અને ઠંડક રહેશે.