ચેન્નઈઃ ભારત અને ઝિમ્બાબ્વે (ZIMBABWE) વચ્ચે ભારતમાં ક્યારેય કોઈ ટી-20 મૅચ નથી રમાઈ, પણ અહીં ગુરુવારે (સાંજે 7.00 વાગ્યાથી) પહેલી વખત રમાશે અને એ પણ વર્લ્ડ કપમાં એટલે આ મૅચ બન્ને માટે અત્યંત મહત્ત્વની છે. સુપર-એઇટના ગ્રૂપ-1માંથી સેમિ ફાઇનલમાં જવા બન્ને દેશે ગુરુવારે મોટા માર્જિનથી જીતવું અનિવાર્ય છે.
ઝિમ્બાબ્વેની કોઈ ટીમ ભારત (India)માં કોઈ મૅચ રમી હોય એવું છેલ્લે 2002માં (24 વર્ષ પૂર્વે) બન્યું હતું. સૌરવ ગાંગુલી ત્યારે કૅપ્ટન હતો અને યુવરાજ અને કૈફની કરીઅરની ત્યારે હજી શરૂઆત હતી. ત્યારે ઝિમ્બાબ્વેની ટીમમાં ઍન્ડી ફ્લાવર, ગ્રાન્ટ ફ્લાવર, હીથ સ્ટ્રીક, ટાટેન્ડા તૈબુ વગેરે જાણીતા ખેલાડીઓ હતા. ભારતે એ વન-ડે 101 રનથી જીતી લીધી હતી.
ભારતે ગુરુવારની મૅચમાં ટીમમાં ધરખમ ફેરફારો કરીને રમવું પડશે. આ ટૂર્નામેન્ટમાં સતત ફ્લૉપ જતા ખેલાડી (દા.ત. અભિષેક)ના સ્થાને બીજા કોઈને તક આપવી પડશે. ભારતને ટૉપ-ઑર્ડરની નિષ્ફળતા પણ સતાવી રહી છે. ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવીને સુપર-એઇટમાં પહોંચેલા ઝિમ્બાબ્વે પાસે કૅપ્ટન સિકંદર રઝા ઉપરાંત બ્રાયન બેનેટ, મારુમની, ડિયોન માયર્સ, રાયન બર્લ તેમ જ બોલર્સમાં મુઝરબાની, ક્રીમર, માસાકાદ્ઝા, બ્રાડ ઇવાન્સનો સમાવેશ છે.
PTI
ગુરુવારે કઈ બે મૅચ?
સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડિઝ
(અમદાવાદ, બપોરે 3.00)
ભારત-ઝિમ્બાબ્વે
(ચેન્નઈ, સાંજે 7.00)